કોરોના વેક્સિન અપડેટ:કોરોનાની રસી એકવાર લેવાથી કાયમી ઉકેલ નહીં, દર છ મહિને લેવી પડી શકે

કોરોના વેક્સિન અપડેટ:કોરોનાની રસી એકવાર લેવાથી કાયમી ઉકેલ નહીં, દર છ મહિને લેવી પડી શકે

  • ગુજરાત સરકારના ટાસ્કફોર્સના તબીબ કહે છે કે કાયમી ઉકેલ માટે રાહ જોવી પડશે
  • રસી બનાવતી કંપનીઓ જ કહે છે કે 6 મહિના કે વર્ષ સુધીની પ્રતિકારક શક્તિ મળે છે

ભારતમાં કોરોનાની રસી હવે હાથ વેંતમાં છે અને રસીને મંજૂરી ખૂબ જલ્દી મળી જાય તેવી શક્યતા છે. પરંતુ આ રસી લઇ લેવાથી અન્ય રોગોમાં જેમ કાયમી તકલીફ દૂર થઇ જાય અને રોગપ્રતિકારક શક્તિ હાંસલ થઇ જાય તેવું નથી. નિષ્ણાંતો કહે છે કે હજુ આ રસી કેટલી અસરકારક રહેશે તે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ ચોક્કસ સમય સુધી તેની સામે પ્રતિકાર થઇ શકે છે. એક વખત લીધા પછી તેના બીજા ડોઝ છ મહિને કે વર્ષે ફરી લેવા પડી શકે છે.

ડોઝ લીધા પછી 42 દિવસે પ્રતિકારક શક્તિ મળે છે
ગુજરાત સરકારે કોરોના રસી માટે જે ટાસ્ક ફોર્સ બનાવી છે તેના એક સભ્ય ડો. નિશ્ચલ ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે આ રસીના ઉત્પાદકો જ કાયમી રોગપ્રતિકારક શક્તિ મળે તેવું કહેતાં નથી. તેમના જણાવ્યા પ્રમાણે એક વાર રસીના બે ડોઝ લીધાં પછી પહેલા ડોઝ લીધાને 42 દિવસે પ્રતિકારકશક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ તેની અસર છ મહિનાથી વર્ષ સુધી જ રહે છે. તેથી શક્ય છે કે ફરી અમુક અંતરે રસી લેતાં રહેવું પડે. હાલ જે રસી છે તે વેક્ટર અને એમઆરએનએ પ્રકારની રસી છે અને તેની અસરો ચકાસવી પડશે.

ગુજરાતમાં રસીનો ડ્રાય રન નિર્વિઘ્ને પૂર્ણ થયો
ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં કોરોના રસીકરણને લઇને તૈયારીઓની ચકાસણી માટે ડ્રાય રન સોમવાર અને મંગળવારે હાથ ધરાયો હતો. જેમાં સોમવારે વહીવટી કામગીરી અને મંગળવારે રસીકરણને લગતી તબીબી કામગીરીનું મોકડ્રીલ થયું હતું જે નિર્વિઘ્ને પૂર્ણ થયું છે.

( Source – Divyabhaskar )