સુપ્રીમકોર્ટની કડકાઈ:ચૂંટણીમાં મતદારોને લોભાવતી જાહેરાતોથી સુપ્રીમકોર્ટ નારાજ

સુપ્રીમકોર્ટની કડકાઈ:ચૂંટણીમાં મતદારોને લોભાવતી જાહેરાતોથી સુપ્રીમકોર્ટ નારાજ

 
  • મફતની જાહેરાતો ગંભીર, તેનાથી મતદારોને અસર થાય છે
  • ચૂંટણી દરમિયાન ફ્રીમાં વીજળી-પાણી કે અન્ય સુવિધાઓ આપવાનું વચન આપનારા રાજકીય પક્ષો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરાઈ છે. તેમાં માંગ કરાઈ છે કે, મફતખોરીના વચનો કરનારા રાજકીય પક્ષોની નોંધણી જ રદ કરાય અને ચૂંટણી ચિહ્ન પણ જપ્ત કરી લેવાય.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ અરજી મુદ્દે મંગળવારે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારીને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. તેનાથી મતદારો અને ચૂંટણી પર અસર પડે છે, પરંતુ કોર્ટ આવા મામલામાં શું કરે છે? મફત યોજનાઓનું બજેટ નિયમિત બજેટથી આગળ નીકળી રહ્યું છે. જોકે, આ ભ્રષ્ટ આચરણ નથી, પરંતુ તેનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પર જરૂર અસર પડે છે.

    સુપ્રીમ કોર્ટમાં ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી હતી. તેમાં કહેવાયું છે કે, ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો ભેટ વહેંચવી, વીજળી-પાણી મફત આપવા અને બીજા અનેક ગેરવાજબી વચનો આપે છે. જેમ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીએ 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓને પ્રતિ માસ રૂ. એક હજાર અને અકાલી દલે દરેક મહિલાને પ્રતિ માસ રૂ. બે હજાર આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે દરેક મહિલાને પ્રતિ માસ રૂ. બે હજાર, દસમું પાસ કરે તો રૂ. 15 હજાર અને 12મું પાસ કરે તો રૂ. 20 હજાર અને સ્કૂટી આપવાનું વચન આપ્યું છે.

    આઠ વર્ષ પહેલા પણ કોર્ટે ગાઈડલાઈન બનાવવા કહ્યું હતું, પરંતુ એવું ના થયું
    સુપ્રીમ કોર્ટે 2013માં ચૂંટણી પહેલા થનારી મફત જાહેરાતોને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે ગાઈડલાઈન બનાવવા કહ્યું હતું. ત્યાર પછી પંચે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી, પરંતુ મોટા ભાગના પક્ષો રાજી ના થયા. છેવટે 2015માં પંચે નિર્દેશ આપ્યો કે, પક્ષોએ એ કહેવું પડશે કે, ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનો પૂરા કરવા કયા આર્થિક સ્રોતનો ઉપયોગ કરશો. તેના પર નજર રાખવા એક સમિતિ પણ બનાવાઈ, પરંતુ બાદમાં આ કોઈ બાબત ગંભીરતાથી ના લેવાઈ.

    દુનિયામાંથી બોધપાઠ, USમાં ગિફ્ટ બન, વેનેઝુએલા બરબાદ થઈ ગયું છે

    • અમેરિકામાં સરકાર દ્વારા ભેટો આપવા પર પ્રતિબંધ છે. તેઓ માને છે કે, જાહેર ભંડોળમાંથી ભેટ ના આપી શકાય.
    • 1980માં ઓઈલની કિંમતો ઉચ્ચ સ્તરે હોવાના કારણે વેનેઝુએલા એક અમીર દેશ હતો. ત્યાર પછી ત્યાંની સરકારે ભોજનથી લઈને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી બધું જ ફ્રી કરી દીધું. તેઓ 70% ફૂડ આઈટમ આયાત પણ કરતા હતા. તેથી ધીમે ધીમે તેમની આર્થિક સ્થિતિ બગડી.

    પોતપોતાના તર્ક, કોઈએ કહ્યું જરૂરી, તો કોઈએ કહ્યું ઘાતક છે

    • તરફેણમાં... જ્યાં સીમિત વિકાસ છે, ત્યાં ખોટું નથી. જરૂરિયાતમંદોનું જીવન સુધરે છે. બીજા રાજ્યો આપે છે, તો બાકી ઈચ્છે કે, તેમનું રાજ્ય ફ્રીમાં આપે.
    • વિરોધમાં... રાજ્યો પર આર્થિક ભાર પડે છે. જરૂરી યોજનાઓ અટકી જાય છે. ચૂંટણીની નિષ્પક્ષતા પર અસર પડે છે. આળસ વધતા ઉત્પાદકતા ઘટે છે.
    • તો શું કરાય?સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર સંપૂર્ણ ખતમ કરો. માળખાગત વિકાસ પર ધ્યાન આપો.

    દરેક મફત જાહેરાતો ‘ખોટી’ નથી, અમુક કિસ્સામાં ફાયદો પણ થયો છે
    ચૂંટણી પહેલા થતી તમામ પ્રકારની ફ્રી જાહેરાતો પર કાબૂ રાખવાના બદલે તેની સમીક્ષા જરૂરી છે કારણ કે, આ પ્રકારની કેટલીક જાહેરાતોના ફાયદા પણ થયા છે. જેમ કે, તમિલનાડુમાં જયલલિતાએ 2003માં 11-12ના વિદ્યાર્થીઓને સાયકલ આપી હતી, જેથી તેઓ દૂર સુધી જઈ શકે અને સ્કૂલો ના છોડે. તમામ વિદ્યાર્થીઓને બસના ફ્રી પાસ આપવાથી પણ શિક્ષણ સ્તર સુધર્યું હતું.