STની આર્થિક સ્થિતિ પાટે ચડી:એક જ દિવસમાં ST વિભાગને રૂ.9 કરોડની આવક, દેશમાં સતત બીજા દિવસે સૌથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ

STની આર્થિક સ્થિતિ પાટે ચડી:એક જ દિવસમાં ST વિભાગને રૂ.9 કરોડની આવક, દેશમાં સતત બીજા દિવસે સૌથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ

2 વર્ષ બાદ એક જ દિવસમાં ST વિભાગની આવક 9 કરોડને ક્રોસ થઈ

છેલ્લે 2019માં એક જ દિવસમાં 9.50 કરોડની આવક થઈ હતી

 

ગુજરાત વાહન વ્યવહાર વિભાગની દિવાળીના તહેવારમાં તિજોરી છલકાઈ છે. બે વર્ષ બાદ એક જ દિવસમાં રૂ.9 કરોડની આવક ST વિભાગને થઈ છે. છેલ્લે વર્ષ 2019માં 9 કરોડથી વધુ આવક થઇ હતી. જે બાદ ફરી એકવાર કોવિડની પરિસ્થિતિમાં સુધારો આવતા નિગમને એક જ દિવસમાં સૌથી વધુ આવક થઈ છે. એટલું જ નહીં નિગમે એડવાન્સ અને ઓનલાઇન ટિકિટ બુકિંગમાં પણ સતત બીજા દિવસે રેકોર્ડ સર્જ્યો છે. 8 નવેમ્બરે નિગમની બસમાં પ્રવાસ માટે 94 હજાર 539 ટિકિટ બુક થઈ છે. જેના થકી કુલ 1.83 કરોડની આવક થઈ છે. 7 નવેમ્બરે 90 હજાર 526 ટિકિટ બુક થઈ હતી.

16 લાખ લોકોએ એક દિવસમાં બસમાં પ્રવાસ કર્યો
ઓનલાઇન એડવાન્સ ટિકિટ બુકિંગ બાબતનો અહેવાલ સૌથી પહેલા દિવ્યભાસ્કરે આપ્યો હતો. જે બાદ નિગમે આજે 1થી 8 નવેમ્બર સુધી ઓનલાઇન- એડવાન્સ ટિકિટ બુકીંગ અંગે પ્રેસ નોટ જારી કરી માહિતી આપી છે. ચાલુ વર્ષે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સુધારતા લોકોએ સરકારી બસોમાં પ્રવાસ કર્યો જેને લઇને 8મી નવેમ્બરના રોજ નિગમને 9 કરોડ 24 લાખની આવક થઈ છે. જે કોરોના બાદ સૌથી વધુ છે. 8 નવેમ્બરે નિગમની બસમાં 16 લાખથી વધારે લોકોએ પ્રવાસ કર્યો હતો. જેનાથી આ જંગી આવક એક જ દિવસમાં થઇ છે.

2019માં એક જ દિવસમાં 9.50 કરોડની આવક થઈ હતી
છેલ્લે વર્ષ 2019માં 12મી નવેમ્બરના રોજ 9.50 કરોડની આવક એક જ દિવસ દરમિયાન થઇ હતી. જોકે તે બાદ કોવિડનું સંક્રમણ ફેલાતા લાંબા સમય સુધી નિગમની બસોનું સંચાલન બંધ રહ્યું હતું. પરિસ્થિતિ સુધારતા તબક્કાવાર બસોનું સંપૂર્ણ સંચાલન ફૂલ કેપેસિટી સાથે શરૂઆત કરવામાં આવી હતી. જેના લીધે નિગમની આર્થિક પરિસ્થિતિ પાટે ચડી રહી છે. સાથે 30 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નિગમે એક્સ્ટ્રા બસો સંચાલન પણ કર્યું હતું. જેમાં 12 હજાર 381 ટ્રીપથી કુલ 7.34 કરોડની આવક થઈ છે. આ દરમિયાન 6 લાખથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો.

પ્રવાસીઓના ધસારાને જોતા યોગ્ય રીતે બસોનું સંચાલન કરવા સૂચના
પાછલા એક સપ્તાહથી રાજ્યભરમાં એસટી નિગમની બસમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને લઇને નિગમ તરફથી રાજ્યના તમામ વિભાગ અને ડેપોને પ્રવાસીઓને હાલાકી ન પડે ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ કર્મચારીઓના અધિકારીઓની રજા પર નિયંત્રણ રાખવા માટે સૂચના અપાઈ છે. જેથી કરીને બસોનું સંચાલન યોગ્ય રીતે થઇ શકે.

એડવાન્સ ટિકિટ બુકિંગમાં સતત બીજા દિવસે રેકોર્ડ
સાથે જ નિગમે એડવાન્સ અને ઓનલાઇન ટિકિટ બુકિંગમાં પણ સતત બીજા દિવસે રેકોર્ડ સર્જ્યો છે. 8 નવેમ્બરે નિગમની બસમાં પ્રવાસ માટે 94 હજાર 539 ટિકિટ બુક થઈ છે. જેના થકી કુલ 1.83 કરોડની આવક થઈ છે. 7 નવેમ્બરે 90 હજાર 526 ટિકિટ બુક થઈ હતી.