એક એવો દેશ જ્યાં નથી ATM, Mobileની સુવિધા,કોલ કરવા આજે પણ જવું પડે છે PCO

એક એવો દેશ જ્યાં નથી ATM, Mobileની સુવિધા,કોલ કરવા આજે પણ જવું પડે છે PCO

નવી દિલ્હી,18 ઓક્ટોબર 2019,શુક્રવાર

વર્તમાન સમયમાં દેશના ખૂણે ખૂણે મોબાઈલ,એટીએમની સુવિધા પહોંચી ચુકી છે. પરંતુ એક એવો દેશ પણ છે જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી. જાણીને આશ્ચર્ય થશે પરંતુ અહીં કોલ કરવા માટે આજે પણ લોકોને પીસીઓ સુધી જવું પડે છે. 

આ દેશથી ઈરીટ્રિયા, આ એક આફ્રીકી દેશ છે. તેને ઈરિત્રિયા રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એટીએમ ન હોવાના કારણે લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કો સુધી જવું પડે છે. જો કે અહીં નિયમ છે કે એક મહિનામાં બેન્કમાંથી 23,500 રૂપિયા જ ઉપાડી શકાય છે. 

એક રિપોર્ટ અનુસાર અહીંના એક વ્યક્તિએ કાર ખરીદવા માટે 11 મહિનાની રાહ જોવી પડી હતી. કારણ કે તેણે કાર ખરીદવા માટેની રકમ એકઠી કરવા દર મહિને બેન્ક જવું પડતું. જો કે અહીં લગ્ન જેવા આયોજનો માટે અહીં બેન્કમાંથી રોકડ ઉપાડની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. તેના માટે લોકો નિયત મર્યાદા કરતા વધારે રકમ ઉપાડી શકે છે. આજે દેશભરમાં અનેક ટેલીકોમ કંપનીઓ છે પરંતુ ઈરીટ્રિયામાં એરીટેલ નામની એક માત્ર ટેલીકોમ કંપની છે અને તે પણ સરકારના નિયંત્રણમાં છે. જો કે આ કંપની પણ અત્યંત ખરાબ સર્વિસ આપે છે. 

અહીં મોબાઈલનું સિમ ખરીદવું પણ મુશ્કેલ કામ છે. તેના માટે લોકોએ સ્થાનીય પ્રશાસનની મંજૂરી લેવી પડે છે. જો સિમ કાર્ડ કોઈ ખરીદી પણ લે તો ઈંટરનેટનો ઉપયોગ કરી શકતા નથી કેમકે તેમાં મોબાઈલ ડેટા નથી હોતો. અન્ય દેશોના લોકો અહીં ફરવા આવે તો તેમણે સ્થાનીય પ્રશાસનને અરજી કરી મંજૂરી લેવી પડે છે. આ કામમાં પણ ત્રણ ચાર દિવસનો સમય લાગે છે. જો કે પ્રવાસીઓ દેશ છોડે ત્યારે તેણે સિમ પરત કરવું પડે છે. 

આ દેશમાં લોકો વાઈ ફાઈની મદદથી જ ઈંટરનેટનો ઉપયોગ કરે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં ઈંટરનેટ પણ સ્લો હોય છે. આ સમસ્યાઓ હોવા છતા અહીં આબાદીના એક ટકા લોકો જ ઈંટરનેટનો ઉપયોગ કરે છે. અહીં ઈંટરનેટનો ઉપયોગ કરતાં લોકોએ ફેસબુક,ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો ફોલો કરવા પડે છે. 

ઈંટરનેટની વાત તો પછી આવે પરંતુ અહીં ટીવી જોવા માટે પણ સરકારએ કેટલીક પાબંદીઓ રાખી છે. લોકો એ જ ચેનલ જોઈ શકે છે જે સરકાર નક્કી કરે. અહીં મીડિયા પણ સ્વતંત્ર નથી. તેઓ પોતાની મરજીથી કંઈ જ લખી કે બોલી શકતા નથી. મીડિયામાં અનેકવાર આ સમસ્યાને લઈ અવાજ ઊઠ્યો છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. આમ તો વર્ષ 1993માં ઈથિયોપિયાથી આઝાદ થઈ અને ઈરીટ્રિયા એક નવું રાષ્ટ્ર બની ગયું હતું. પરંતુ અહીં વર્તમાન સમયમાં પણ રાષ્ટ્રપતિ ઈસાયાસ અફેવેર્કીની પાર્ટી શાસન કરે છે. અહીં અન્ય વિપક્ષી પાર્ટી બનાવવી પણ પ્રતિબંધિત છે. અહીં જે સરકારની આલોચના કરે છે તેને પણ જેલ મોકલી દેવામાં આવે છે. 

અહીં યુવાનોને મિલિટ્રી તાલીમ લેવી ફરજિયાત છે. જ્યાં સુધી તેઓ મિલિટ્રી સેવા પૂર્ણ કરતા નથી ત્યાં સુધી તેમને પાસપોર્ટ મળતો નથી. જો કે પાસપોર્ટ મળ્યા બાદ પણ તેઓ સરળતાથી દેશ છોડી શકતા નથી. તેમના માટે વીઝા જરૂરી છે જે સરકાર આપતી નથી. સરકારનો તર્ક છે કે જે આ દેશ છોડી જાય છે તે પરત ન આવે તેથી તેમને વીઝા આપવામાં આવતા નથી. જો કે આ સમસ્યાના કારણે જ અહીંથી લોકો ગેરકાયદે બહાર જતા રહે છે. અહીંના લોકો ઈથિયોપિયા કે સૂડાનમાં જઈ વસે છે. જો કે અહીંની જનસંખ્યા કેટલી છે તેના આંકડા સરકાર પાસે પણ નથી. કારણ કે અહીં ક્યારેય જનગણના થઈ જ નથી. એક અંદાજ અનુસાર અહીં 35 લાખ જેટલા લોકો વસે છે.