અમેરિકન મહિલા અવકાશયાત્રીઓની ટીમે સ્પેસવૉક કરીને ઈતિહાસ રચ્યો

અમેરિકન મહિલા અવકાશયાત્રીઓની ટીમે સ્પેસવૉક કરીને ઈતિહાસ રચ્યો

 નાસાએ ઐતિહાસિક મિશન સફળ થયાની જાહેરાત કરી

ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ક્રિસ્ટિના કોચ અને જીવવિજ્ઞાાની જેસિકા મેઈરે સ્પેસ સ્ટેશનની બહાર નીકળીને બેટરી બદલવાનું કામ પાર પાડયું

વૉશિંગ્ટન, તા.18 ઓક્ટોબર, 2019, શુક્રવાર

નાસાની બે મહિલા અવકાશયાત્રીઓએ વિક્રમસર્જક સ્પેસવૉક કર્યું હતું. માત્ર મહિલાઓની ટીમ દ્વારા સ્પેસવૉક થયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. નાસાએ ઐતિહાસિક મિશન સફળ થયું હોવાની જાહેરાત કરી હતી. અવકાશયાત્રીઓ – ક્રિસ્ટિના કોચ અને જેસિકા મેઈરના નામે ઐતિહાસિક સિદ્ધિ દર્જ થઈ હતી.

નાસાની ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ક્રિસ્ટિના કોચ અને જીવવિજ્ઞાાની જેસિકા મેઈરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી બહાર નીકળીને ક્ષતિપૂર્ણ બેટરી બદલવાનું પડકારજનક કામ પાર પાડયું હતું. એ વખતે ચારેય પુરૂષ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં જ રહ્યા હતા. માત્ર મહિલાઓની ટીમે સ્પેસવૉક કરીને આ નવો ઈતિહાસ સર્જ્યો હતો.

નાસાના સ્પેસક્રાફ્ટ સંવાદદાતા સ્ટેફની વિલ્સને આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે નાસાએ નિયત કરેલા ઓલ મહિલા સ્પેસવોકના મિશનને સફળતા મળી છે. અગાઉ આ વિક્રમ માર્ચમાં થવાનું હતું, પણ મહિલાઓનું ખાસ પ્રકારનું સ્પેસશૂટ બનતું હોવાથી મિશન પાછળ ઠેલાયું હતું.

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું હતું કે અવકાશવિજ્ઞાાનના ઈતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું કે માત્ર મહિલાઓની ટીમે સ્પેસવૉક કર્યું હોય. અગાઉ મહિલાઓએ સ્પેસવૉક કર્યું હતું, પરંતુ એ ટીમમાં પુરૂષ અવકાશયાત્રીઓ પણ સામેલ હતા. ક્રિસ્ટિના અને જેસિકા એવી પ્રથમ મહિલા અવકાશયાત્રીની જોડી બની હતી, જેમણે પુરૂષ અવકાશયાત્રીઓ વગર સ્પેસવૉક કરીને ઓલ ફિમેલ સ્પેસવોકના નવા પ્રકરણને અંજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અવકાશમાં જનારાં પ્રથમ મહિલા વેલેન્ટાઈન ટેરેશ્કોવા હતાં. આ રશિયન મહિલા અવકાશયાત્રી 1963માં અવકાશમાં પહોંચ્યા હતા. પ્રથમ સ્પેસવોક કરનારા મહિલા અવકાશયાત્રી પણ રશિયન હતા. સ્વેત્લાના સાવિત્સ્કાયાએ 1984માં પ્રથમ વખત સ્પેસવોક કર્યું હતું. અમેરિકાએ 1983માં સેલી રાઈડ નામનાં મહિલા અવકાશયાત્રીને અંતરિક્ષમાં મોકલ્યા હતાં.