અમેરિકાના સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતીની ગોળી મારી હત્યા, યુવકના અંતિમ સંસ્કાર માટે માતા પિતા જશે

અમેરિકાના સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતીની ગોળી મારી હત્યા, યુવકના અંતિમ સંસ્કાર માટે માતા પિતા જશે

કિરણના અગ્નિ સંસ્કાર અમેરિકામાં કરવા પિતા અરવિંદભાઈ અને માતાએ અમેરિકા જવા માટે કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ: મૂળ જોટાણા તાલુકાના ભટાસણ ગામના વતની અને હાલ અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલા પટેલ અરવિંદભાઈ વિઠ્ઠલદાસનો પુત્ર કિરણ (33) તેની પત્ની રમીલા અને પુત્ર રિકીન સાથે છેલ્લા 9 વર્ષથી અમેરિકાના ડેનમાર્ક સાઉથ કેરોલીના ટાઉનમાં રહેતો હતો. ઘરની પાસેના પેટ્રોલ પંપના સ્ટોરમાં કિરણ અને માણસાના ખરણા ગામનો ચિરાગ પટેલ બંને સાથે નોકરી કરતા હતા. ગુરુવારે રાતના 11 વાગે કિરણ અને ચિરાગ બંને સ્ટોરમાં હાજરમાં હતા ત્યારે બુકાનીધારી બે લુંટારું બંદૂક સાથે લૂંટ કરવા સ્ટોરમાં ઘૂસ્યા અને બંનેની ગોળી મારી હત્યા કરી હતી.

આ ઘટના અંગે મૃતક કિરણના ભાઈ આશિષે જણાવ્યું કે, કિરણ તેમનાં પત્ની રમીલા અને પુત્ર રિકીન સાથે સાઉથ કેરોલીનામાં રહેતા હતા. તેમની સાથે સ્ટોરમાં ખરણાનો ચિરાગ પણ નોકરી કરતો હતો. ગુરુવારે લૂંટના ઈરાદે આવેલા લુંટારાઓએ ગોળી મારી હત્યા કરી છે. કિરણભાઈના અગ્નિ સંસ્કાર અમેરિકામાં કરવા પિતા અરવિંદભાઈ અને માતાએ અમેરિકા જવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું આશિષ પટેલે જણાવ્યું હતું.