છેલ્લા પાંચ વર્ષમાં ખાડી દેશોમાં 34,000 ભારતીયોના મોત થયાઃ સંસદમાં માહિતી રજૂ કરાઈ

છેલ્લા પાંચ વર્ષમાં ખાડી દેશોમાં 34,000 ભારતીયોના મોત થયાઃ સંસદમાં માહિતી રજૂ કરાઈ

  • આ વર્ષ અત્યાર સુધીમાં 4,823 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે.
  • બિનનિવાસી ભારતીયો તરફથી વિદેશ મંત્રાલયને એજન્ટોએ છેતરપિંડી કર્યાની સૌથી વધારે ફરિયાદ મળી.
  • શ્રમિકોને લગતા નિયમોનું મોટાપાયે ઉલ્લંઘન કરવા થતું હોવાની વ્યાપક ફરિયાદ

નવી દિલ્હીઃ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે છ ખાડી દેશમાં દરરોજ 15 જેટલા ભારતીય નાગરિકોના મોત થાય છે. વર્ષ 2014 થી અત્યાર સુધીમાં 33,988 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ વર્ષે એટલે કે વર્ષ 2019માં અત્યાર સુધીમાં 4,823 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં મૃત્યુ પામેલા લોકોનો આ આંકડો આઘાતજનક છે. છ દેશ કુવૈત, સાઉદી અરબ, બહેરીન, કતાર, ઓમાન, યુએઈ દેશનો સમાવેશ થાય છે. વ્યવસાયિક કામ માટે જતા લોકોમાં

વર્ષ 2014માં 5,388 લોકો, વર્ષ 2015માં 5,786 લોકો, વર્ષ 2016માં 6,013 લોકો, વર્ષ 2017માં 5,604, વર્ષ 2018માં 6,014 લોકોના મોત થયા હતા.

દેશ પ્રમાણે જોઈએ તો વર્ષ 2019માં સાઉદી અરેબિયામાં 1,920 લોકો, UAEમાં 1,451 લોકો, કુવૈતમાં 584 લોકો, કતારમાં 286 લોકો અને બહેરીનમાં 180 લોકોના મોત થયા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા અને ટીપીસીસીના પ્રમુખ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં વિદેશ બાબતના પ્રધાન વી મુરલીધરણે ઉપરોક્ત માહિતી આપી હતી.

આ મુદ્દાઓ પર ભારતીય શ્રમિકો ફરિયાદ કરે છે

આ વર્ષ ઓક્ટોબર સુધીમાં વિદેશ મંત્રાલયને ખાડી દેશોમાં રહેનારા બિનનિવાસી ભારતીયો તરફથી 15,051 ફરિયાદ મળી છે. આ પૈકી મોટાભાગની ફરિયાદ એજન્ટો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની છે. મુરલીધરે જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીય શ્રમિકોને વેતન નહી મળવા તથા શ્રમિકો તરીકેના તેમના અધિકારો જેવા કે સાપ્તાહિક રજાઓ અને ઓવરટાઈમના પૈસા નહીં આપવા, કામના કલાકો વધારે હોવા, ભારત આવવા માટે પરવાનગી નહીં મળવી તથા મૃત્યુના સંજોગોમાં વળતર નહીં મળવાને લગતી આ ફરિયાદો છે.