સંયુક્ત પરિવાર તૂટવા માટે પુત્રવધૂ જવાબદાર હોવાની માન્યતા ખોટી, 75 ટકા માને છે કે, ઝઘડાને કારણે

સંયુક્ત પરિવાર તૂટવા માટે પુત્રવધૂ જવાબદાર હોવાની માન્યતા ખોટી, 75 ટકા માને છે કે, ઝઘડાને કારણે

  • ગાંધીનગર IITના ફેકલ્ટીએ તમામ ધર્મના 453 સંયુક્ત પરિવાર પર સરવે કરી રજૂ કરેલું તારણ
  • 50 ટકાએ સ્વીકાર્યું કે પરિવાર સંયુક્ત જ હોવો જોઈએ 

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદઃ આપણે ત્યાં ટીવી સિરીયલ અને ફિલ્મોમાં સાસુ-વહુના ઝઘડા બતાવવામાં આવે છે, મોટાભાગના લોકો માને છે કે સંયુક્ત કુટુંબ તૂટવા માટે પુત્રવધૂ જવાબદાર હોય છે. જો કે, એક સરવેમાં આ માન્યતા પાયેથી ખોટી પુરવાર થઈ છે. પરંતુ આઇઆઇટી ગાંધીનગરના ફેકલ્ટી ડો. તનિષ્ઠા સમન્થાએ અમદાવાદના હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી ધર્મના 453 સંયુક્ત પરિવારો પર સરવે કરીને પોતાના રિસર્ચમાં સાબિત કર્યું કે 75 ટકા પુત્રવધૂઓ માને છે કે પરિવારમાં ઝઘડા થાય છે પરંતુ ઝઘડાના કારણે પ્રેમ ઘટતો નથી, પરિવાર જોડાયેલો જ રહેશે. ઉપરાંત 56 ટકા વડીલો, 50 બાળકો અને 50 ટકા પુત્રવધૂએ સ્વીકાર્યું હતું કે સંયુક્ત પરિવાર હોવા જ જોઇએ અને આવા પરિવારના લાભ ઘણા છે. સમગ્ર મુદ્દાને સમજી શકે તે માટે સરવેમાં તમામ ઉત્તરદાતાઓ 40 વર્ષથી ઉપરની ઉંમરના પસંદ કરાયા હતા.

સરવેમાં ત્રણ પેઢીથી સાથે રહેતા 86% પરિવારનો સમાવેશ કરાયો
સરવેમાં અમદાવાદ ઉપરાંત કલોલ, માંડલ, દેત્રોજ, રામપુરા વગેરે વિસ્તારોનો પણ સમાવેશ થયો હતો. આ સાથે રિસર્ચમાં ત્રણ પેઢી સાથે રહેતા હોય તેવા 86 ટકા પરિવારો અને બે પેઢી સાથે રહેતા હોય તેવા 14 ટકા પરીવારોનો સમાવેશ કરાયો હતો.

પુત્રવધૂ પર પહેલી વખત જ સરવે
ભારતમાં 86 ટકા સંયુક્ત પરિવારો રહે છે. લોકોની માન્યતા હોય છે કે પુત્રવધૂને કારણે પરિવાર તૂટે છે જે અમારા રિસર્ચમાં ખોટી સાબિત થઈ. બાળકો માને છે કે આર્થિક કટોકટીમાં પરિવારના વડીલો મદદરૂપ થાય છે. – ડો. તનિષ્ઠા સમન્થા, ફેકલ્ટી , આઇઆઇટી- જીએન

82% પુત્રવધૂ માને છે કે માતાપિતાએ બાળકોને મદદ કરવી જોઇએ
બાળકોની ખરાબ આર્થિક સ્થિતિમાં માતા-પિતાએ મદદ કરવી જોઇએ કે નહીં? જેના જવાબમાં 82 ટકા પુત્રવધુ માને છે કે માતા-પિતાએ મદદ કરવી જોઇએ.