આ છે દુનિયાનો એક માત્ર માણસ જેની અસ્થિ ચંદ્ર પર છે દફન

આ છે દુનિયાનો એક માત્ર માણસ જેની અસ્થિ ચંદ્ર પર છે દફન

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2019, સોમવાર

વિશ્વમાં ઘણા મહાન વૈજ્ઞાનિકો છે જેમને તેમની સિદ્ધિઓ માટે હંમેશા યાદ કરવામાં આવે છે. આવા જ એક મહાન વૈજ્ઞાનિક હતા યૂજીન મર્લે શૂમેકર. તેમણે ઘણા અવકાશયાત્રીઓને તાલીમ આપી છે અને નવું વિજ્ઞાન સ્થાપિત કર્યું છે. 28 એપ્રિલ, 1928 ના રોજ જન્મેલા યૂજીન 20મી સદીના મહાન લોકોમાંથી એક હતા. તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1992માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબ્લ્યુ બુશ દ્વારા તેમને વિજ્ઞાનના રાષ્ટ્રીય પદકથી નવાજવામાં આવ્યા હતા.

યૂજીનને એરિજોનામાં બૈરિંજર મેટિયોર ક્રેટર જેવા સ્થલી ક્રેટર્સનો અભ્યાસ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના ખગોળ ભૂવિજ્ઞાન અનુસંધાન પ્રોગ્રામના પ્રથમ ડિરેક્ટર પણ હતા. તેમનું પહેલું મિશન યુટા અને કોલોરાડોમાં યુરેનિયમના ભંડાર શોધવાનું હતું. ત્યારબાદ તેમનું આગળનું ધ્યેય જ્વાળામુખીની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો હતો.

યૂજીને બીજા વિજ્ઞાનિકોની મદદથી એ પણ શોધ કરી હતી કે લગભગ સાડા છ કરોડ વર્ષો પહેલાં પૃથ્વી પર કયા સ્થાને કયામત આવી હતી. તે સમયે લગભગ 12 કિલોમીટર સુધી વિસ્તરેલી ઉલ્કાઓ પૃથ્વી પર પટકાઈ હતી, તેના કારણે ડાયનાસોર સહિત પૃથ્વી પર રહેતા 80 ટકા જીવોનો નાશ થયો હતો. આ સ્થાન મેક્સિકોનું યુકાટન પ્રાયદ્વીપ છે.

યૂજીને ચંદ્રનો પણ અભ્યાસ કર્યો હતો. તે હંમેશા ચંદ્રની સપાટી પર ચાલવાનું સપનું જોતા હતા. જો કે, તેમને તેના સપનાને પૂરું કરવાની તક મળી નહીં. એક ગંભીર બીમારીના કારણે તેઓ ક્યારેય અવકાશયાત્રી બની શક્યા નહીં. પરંતુ 1997માં તેમના મૃત્યુ પછી નાસાએ તેમના અસ્થિને ચંદ્ર પર પહોંચાડી તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.  આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વની પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે. તેમનું મોત 18 જુલાઈ 1997ના રોજ એક કાર અકસ્માતમાં થયું હતું. આ અકસ્માતમાં તેમના પત્ની પણ ઘાયલ થયા હતા.