USમાં 15 લાખ ગુજરાતી, વોટ માગવા ટ્રમ્પ Howdy Modi સ્ટાઈલથી અમદાવાદમાં કાર્યક્રમ યોજે તેવી સંભાવના

USમાં 15 લાખ ગુજરાતી, વોટ માગવા ટ્રમ્પ Howdy Modi સ્ટાઈલથી અમદાવાદમાં કાર્યક્રમ યોજે તેવી સંભાવના

  • હાઉડી મોદીની જેમ ફેબ્રુઆરીમાં ગુજરાતમાં હાઉડી ટ્રમ્પની તૈયારી
  • જાહેર સભા અંગે રાજ્ય સરકારે કહ્યું- અમને ખબર જ નથી

ગાંધીનગરઃ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ જેવો જ કાર્યક્રમ ‘કેમ છો ટ્રમ્પ’ આવતા મહિને અમદાવાદમાં યોજાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદી અમદાવાદ અને ગુજરાતની જનતા સાથે સીધો સંવાદ કરશે. આ વર્ષની ત્રીજી નવેમ્બરે અમેરિકામાં પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી થવાની છે અને ટ્રમ્પનો ઉદ્દેશ્ય ભારતીય સમાજને પોતાની હરિફ ડેમૉક્રેટિક પાર્ટી તરફથી પોતાના પક્ષ રીપબ્લિકન પાર્ટી તરફ વાળવાનો છે. ભારતીય સમાજને આકર્ષવા માટે જ ટ્રમ્પ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના પ્રતિનિધીઓના સમર્થનથી અમદાવાદમાં આ કાર્યક્રમ યોજે તેવી વકી છે.

ત્રણ દિવસની મુલાકાતે આવે તેવી શક્યતા
આ માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં અથવા એવાં જ પ્રકારના કોઇ સ્થળે આ કાર્યક્રમ યોજાય તેવી ગણતરીઓ મંડાઈ રહી છે, પણ હજુ ગુજરાત સરકાર આ બાબતે સંપૂર્ણ અજાણ છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ અંગે પૂછતાં તેમણે આવી કોઇ માહિતી હજુ સરકાર પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. આ તરફ ટ્રંપના કાર્યાલય તરફથી હજુ તેમની ભારત મુલાકાત અંગેની તારીખોની કોઇ ચોકસાઇ કરવામાં આવી નથી પરંતુ થોડા દિવસમાં જ આ મુદ્દે જાહેરાત થવાની સંભાવના છે. ટ્રમ્પની ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન અમદાવાદ પૂર્વે દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત અને ભારત-અમેરિકા વચ્ચે મુક્ત વ્યાપાર અંગેના કરારો કરવામાં આવશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉ હ્યુસ્ટનમાં યોજાયેલાં કાર્યક્રમના આયોજનની જવાબદારી લેનારા સૂરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે આ અંગેની માહિતી મને બિનસત્તાવાર રીતે પ્રાપ્ત થઇ છે પણ હજુ સુધી મને ટ્રમ્પની અમદાવાદ મુલાકાતની કોઇ જાણ નથી.

અમેરિકામાં ગુજરાતીઓ
અમેરિકામાં અંદાજે પંદર લાખ અને કુલ વસતીના 6 ટકા એવાં ગુજરાતી લોકો ત્યાંના ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, શિકાગો, સાનફ્રાંસિસ્કો, લોસ એન્જેલસ, સાન જોસ, વોશિંગ્ટન, ડલ્લાસ, ફિલાડેલ્ફિયા, ટેક્સાસ, ઓહિયો, ઓરેગોન, પેન્સિલ્વેનિયા, ઇલિનોઇસ, જ્યોર્જિયા, મિશિગન, મિનેસોટા, ફ્લોરિડા, કેલિફોર્નિયા, અલ્બામા સહિતના પ્રાંતોમાં વસે છે. અમેરિકાની મોટેલ ઇન્ડસ્ટ્રીમાં 42 ટકા જેટલું પ્રભુત્વ ગુજરાતી અને તેમાંય પાટીદાર સમાજનું છે. અમેરિકામાં વિવિધ બ્રાન્ડના ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સથી માંડીને સબ-વે અને ડંકીન ડોનટ્સ જેવી ફૂડ ચેઇનની ફ્રેન્ચાઇઝ પણ મહત્તમ ગુજરાતી સમાજના લોકો પાસે છે.

અમદાવાદમાં શું કાર્યક્રમ હોઇ શકે?
હ્યુસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે જ અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાશે. ટેકનોલોજી અને સંસ્કૃતિના સમન્વયથી યોજાનારા આ કાર્યક્રમમાં બન્ને દેશોના રાજકીય, સામાજિક અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ હાજર રહેશે. તે ઉપરાંત વિવિધ ક્ષેત્રોના લોકો, ટેક્નોક્રેટ્સ તથા યુવાન વિદ્યાર્થીઓને પણ અહીં આમંત્રિત કરવામાં આવશે. સાંસ્કૃતિક ઝાંખીઓ અને બન્ને નેતાઓ સાથે પરસ્પર સંવાદ થકી આ કાર્યક્રમને સફળ બનાવાશે.