ડોનાલ્ડ ટ્રમ્પ તેમની દીકરી ઇવાન્કા સાથે અમદાવાદ આવશે!

ડોનાલ્ડ ટ્રમ્પ તેમની દીકરી ઇવાન્કા સાથે અમદાવાદ આવશે!

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત સહિત ભારતના ત્રણ દિવસના પ્રવાસે મોટાભાગે તેમની પુત્રી સાથે આવવાના હોઇ તેમની વિઝિટની તારીખો હજી સુધી નિશ્ચિત થઈ શકી નથી, એમ જાણકારો જણાવી રહ્યાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પ્રવાસમાં સભવતઃ તેમના દીકરી ઇવાના મેરી કે જે ઇવાન્કા ટ્રમ્પના નામે વધુ જાણીતા છે, તેઓ જોડાઈ શકે છે. ટ્રમ્પની પહેલી પત્નીના આ ૪૦ વર્ષીય દીકરી રિપબ્લિકન પાર્ટીમાં સક્રિય છે તથા ડોનાલ્ડ ટ્રમ્પના સિનિયર એડવાઇઝર તરીકે ટ્રમ્પની ઓફિસમાં કાર્યરત છે. નજીકના ભૂતકાળમાં ઇવાન્કાના લીધે જ ચીન સાથેની અમેરિકાનો વિવાદ ઉકેલ્યો હતો. ટ્રમ્પ તેમની આદત મુજબ એલફેલ ના બોલે તે માટે ખાસ સહાયરૂપ બનવા ઇવાન્કા આવી રહ્યા છે, એવી ગમ્મત પણ થઈ રહી છે.

સૂત્રો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર ગુજરાત વિઝિટ અંગે હજી સુધી વિદેશ મંત્રાલય તરફથી ગુજરાત સરકારને લેખિતમાં કોઈ જ સૂચના મળી નથી, માત્ર પચારિક જ જાણ કરાઈ છે, જેને આધારે પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ છે, લેખિતમાં જાણ થશે, ત્યારબાદ ખુદ વિદેશ મંત્રાલયના અધિકારીઓ મોટેરા સ્ટેડિયમ જવાનો રૂટ તથા ગાંધીઆશ્રમ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મુલાકાત માટે કયું સ્થળ પસંદ કરવું તે બધું નિશ્ચિત કરશે. જોકે અમદાવાદ એરપોર્ટથી ટ્રમ્પ સીધા સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે આવશે, ત્યાંથી રિવરફ્રન્ટનો કાર્યક્રમ થશે અને છેલ્લે મોટેરા સ્ટેડિયમમાં સાંજે હાઉડી ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે, એવું શિડયુઅલ જણાવાઈ રહ્યું છે. સમગ્ર વિઝિટ અંગે તો વિદેશ મંત્રાલયના સત્તાવાર પત્ર પછી જ ડઝનથી વધુ સિનિયર આઈએએસ અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપાશે, પણ આ બધા કાર્યક્રમોમાં વિશેષ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને તથા રાજ્યના સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવને પોતાનું કૌશલ્ય બતાવવાની તક સાંપડશે, એમ જાણકારો જણાવી રહ્યાં છે.