આ દેશમાં રહેવા કરતાં તો દેશ છોડીને ચાલ્યા જવું સારું છે : સુપ્રીમ

આ દેશમાં રહેવા કરતાં તો દેશ છોડીને ચાલ્યા જવું સારું છે : સુપ્રીમ

। નવી દિલ્હી ।

૨૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) પેટે બાકી લેણા નીકળતા રૂપિયા ૧.૪૭ લાખ કરોડ સરકારને ચૂકવી દેવા ટેલિકોમ કંપનીઓને આપેલા આદેશનું પાલન નહીં થતાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે સરકાર અને ટેલિકોમ કંપનીઓનો ઉધડો લઇ નાખ્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે વોડાફોન, ભારતી એરટેલ, એમટીએનએલ, બીએસએનએલ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, ટાટા ટેલિકોમ્યુનિકેશન્સ સહિતની ટેલિકોમ કંપનીઓના સીએમડી અને મેનેજિંગ ડિરેક્ટરોને અદાલતની અવમાનનાની નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો કે સુપ્રીમના ચુકાદાનું પાલન નહીં કરવા માટે શા માટે તેમની સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં ન આવે? સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને તેમની પાસે બાકી નીકળતા એજીઆર પેટેનાં લેણાં રૂપિયા ૧.૪૭ લાખ કરોડ ૧૭મી માર્ચ સુધીમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દેવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતના આદેશનું પાલન કરવાની આ તેમની પાસે છેલ્લી તક છે. અમારા આદેશ છતાં ટેલિકોમ કંપનીઓ દ્વારા એક પાઇ ચૂકવવામાં આવી નથી. તમામ પ્રકારના ભ્રષ્ટાચારનો અંત આવવો જોઇએ. આ છેલ્લી તક અને છેલ્લી ચેતવણી છે. ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમ કોર્ટના આદેશને તુચ્છ ગણ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એજીઆરનાં બાકી લેણાં જમા ન કરાવનાર કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપનાર સંદેશાવ્યવહાર મંત્રાલયના અધિકારી મંદાર દેશપાંડે પર લાલઘૂમ થયેલી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી નહી કરવાના આ અધિકારીના આદેશને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે નહીંતર સાંજ સુધીમાં આ અધિકારીને જેલભેગા કરી દેવામાં આવશે.

શું અમે સુપ્રીમ કોર્ટને તાળાં મારી દઈએ? : જસ્ટિસ અરુણ મિશ્રા

ટેલિકોમ વિભાગના એક અધિકારીના પત્રને પગલે જસ્ટિસ અરુણ મિશ્રા ઘુંઘવાયા હતા. તેમણે સવાલ કર્યો હતો કે, શું અમે સુપ્રીમ કોર્ટને તાળાં મારી દઈએ? ડેસ્ક ઓફિસર પોતાને જજ માને છે અને અમારા આદેશ ઉપર સ્ટે આપે છે. દેશમાં કાયદા જેવું કશું છે જ નહીં? ટેલિકોમ કંપનીઓેએ એકપણ પાઇ ચૂકવી નથી અને સરકારનો એક અધિકારી સુપ્રીમ કોર્ટના આદેશને અટકાવવાની ગુસ્તાખી કરે છે.ઔશું સુપ્રીમ કોર્ટનું કોઇ મૂલ્ય નથી? આ મની પાવરનું પરિણામ છે. શું આ અધિકારીએ નાણા નહીં ચૂકવનારી ટેલિકોમ કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે? આગામી સુનાવણીમાં તે સરકારી અધિકારીને પણ કોર્ટમાં હાજર કરો. અમે તેની સામે પણ પગલાં લેવાના છીએ. સરકારી અધિકારીઓએ તેમની મર્યાદા જાણવી જોઇએ કે તેમણે ક્યાં અટકી જવું જોઇએ. આ અદાલતની સ્પષ્ટ અવમાનના છે.

ઝાટકણી પછી સરકાર જાગી, ટેલિકોમ વિભાગે શુક્રવારે રાત્રે ૧૧:૫૯ પહેલાં રકમ ચૂકવી દેવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટની ઝાટકણીને પગલે ટેલિકોમ વિભાગે એરટેલ, વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને એજીઆરની બાકી ૯૨,૦૦૦ કરોડની રકમ શુક્રવારે રાત્રે ૧૧:૫૯ પહેલાં ચૂકવી દેવા આદેશ આપ્યો હતો. ટેલિકોમ વિભાગ દ્વારા સર્કલને આધારે તમામ ટેલિકોમ કંપનીઓને નોટિસ મોકલવાનું શરૂ કરી દેવાયું છે.

એજીઆર પેટે કોની પાસે કેટલાં લેણાં

ટેલિકોમ કંપનીઓ

  • ૫૦,૦૦૦ કરોડ રૂપિયા વોડાફોન આઇડિયા
  • ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ભારતી એરટેલ
  • ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ટાટા ટેલિકોમ્યુનિકેશન્સ
  • ૧૬,૪૫૬ કરોડ રૂપિયા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ
  • ૨,૦૯૮ કરોડ રૂપિયા બીએસએનએલ
  • ૨,૫૩૭ કરોડ રૂપિયા એમટીએનએલ

નોનટેલિકોમ કંપનીઓ

  • ૧.૭૨ લાખ કરોડ રૂપિયા ગેઇલ ઇન્ડિયા લિમિટેડ
  • ૪૮,૦૦૦ કરોડ રૂપિયા ઓઈલ ઇન્ડિયા લિમિટેડ
  • ૨૨,૧૬૮ કરોડ રૂ. પાવર ગ્રિડ કોર્પો. ઓફ ઇન્ડિયા
  • ૧૫,૦૧૯ કરોડ રૂ. ગુજરાત નર્મદાવેલી ર્ફિટલાઇઝર
  • ૫,૮૪૧ કરોડ રૂપિયા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન