ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક પર પોતાને નંબર વન અને પીએમ મોદીને નંબર ટુ ગણાવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક પર પોતાને નંબર વન અને પીએમ મોદીને નંબર ટુ ગણાવ્યા

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે અને એના પહેલાં તેમણે એક  ટ્વિટમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને ટાંકીને લખ્યું છે કે ફેસબુક પર લોકપ્રિયતાના મામલે હું નંબર વન છું અને બીજો નંબર પીએમ નરેન્દ્ર મોદીનો છે. આ વાત મને માર્ક ઝુકરબર્ગે કહી છે. આવતા બે અઠવાડિયામાં હું ભારતની મુલાકાતે જઈ રહ્યો છું અને આ યાત્રાને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો ૧૦ કિલોમીટરનો રોડ શો કરશે.

ટ્રમ્પનો દાવો ખોટો 

જોકે ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કર્યો છે એ એકદમ ખોટો છે. પીએમ નરેન્દ્ર મોદી ફોસોઅર્સની બાબતે ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઘણા આગળ છે. પીએમ નરેન્દ્ર મોદીના ફેસબુક ફોલોઅર્સની સંખ્યા ૪,૪૩,૭૮,૬૨૫ છે જ્યારે ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા ૨,૭૫,૩૭,૧૭૭ છે જે પીએમ મોદી કરતાં અડધી છે. પીએમ મોદીના ફેસબુક ફોલોઅર્સ અને પેજ લાઇક્સની સંખ્યા પણ ટ્રમ્પ કરતાં બમણી છે.

ટ્રમ્પના બે અને મોદીનું એક એકાઉન્ટ

ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક પર બે એકાઉન્ટ છે. પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ એકાઉન્ટ ૧૮મે, ૨૦૧૮થી નિષ્ક્રિય છે. આ એકાઉન્ટ પર તેમના ૫૩,૮૭, ૮૫૨ ફોલોઅર્સ છે. પેજ લાઇક્સની સંખ્યા ૩૧,૦૦, ૦૨૮ છે.બીજું એકાઉન્ટ ડોનાલ્ડ જે. ટ્રમ્પના નામે છે અને એ ૨૦૦૯માં ૮ એપ્રિલે તૈયાર કરાયું હતું. એના ૧૭ એડમિન છે. એમાં ફોલોઅર્સની સંખ્યા ૨,૭૫,૩૭,૧૭૭ છે અને પેજ લાઇક્સની સંખ્યા ૨,૫૯,૬૩,૯૯૩ છે. એમાં છેલ્લું અપડેટ ૧૨ ફેબ્રુઆરીનું છે. પીએમ મોદીનું એકાઉન્ટ નરેન્દ્ર મોદીના નામે છે અને એ ૨૦૦૯માં ૫મેએ તૈયાર કરાયું છે. એના ૫ એડમિન છે. પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા ૪,૪૩,૭૮,૬૨૫ છે. એના પેજ લાઇક્સની સંખ્યા ૪,૪૬,૨૨,૭૬૩ છે.

ફેસબુક પર ડોનાલ્ડ ટ્રમ્પ હમણાંથી વધુ સક્રિય

ફેસબુક પર સક્રિયતાની વાત કરીએ તો ચૂંટણીને લીધે ડોનાલ્ડ ટ્રમ્પ હમણાંથી પીએમ મોદી કરતાં વધુ સક્રિય છે. પીએમ મોદીએ ગયા એક અઠવાડિયામાં ફેસબુક પર એક જ પોસ્ટ કરી છે પણ ટ્રમ્પે ૧૨૫ પોસ્ટ કરી છે.