ગુજરાત Budget 2020: ખેડૂતો માટે અચ્છે દિન! પાક વીમો મરજીયાત, હવે સવારે મળશે વીજળી

ગુજરાત Budget 2020: ખેડૂતો માટે અચ્છે દિન! પાક વીમો મરજીયાત, હવે સવારે મળશે વીજળી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં આઠમી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નીતિન પટેલે શિક્ષણ અને ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તો સાથે જ વૃદ્ધો માટે પણ આકર્ષક યોજનાઓ અને સહાય પેકેજ જાહેર કર્યા હતા. નીતિન પટેલે સમાજના દરેક વર્ગને ખુશ કરવા માટે બજેટમાં યોજનાઓ અને સહાયનો ધોધ વહાવ્યો હતો. ખેડૂત, શ્રમિક વર્ગ તેમજ મધ્યમ વર્ગને ખુશ કરવા માટે યોજનાઓની લ્હાણી કરી હતી. તો પશુપાલન, મત્સ્યઉદ્યોગ કરતાં લોકો માટે પણ નીતિન પટેલે વિશેષ જોગવાઈઓ કરી હતી. તો ગાંધીનગરને હવે નવા પોલીસ કમિશનર મળશે. અને ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે. નીતિન પટેલનું આ આઠમું બજેટ કૃષિલક્ષી હોવાનું ફલિત થતું હતું. 

ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલની બજેટ સ્પીચઃ 

  • લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ. 1450 કરોડની જોગવાઈ. એરોસ્પેસ, ડિફેન્સ સેકટર માટે રૂ. 950 કરોડ. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે 95 કરોડ
  • સોમનાથ અને દ્વારકા વચ્ચે વિમાન સેવા શરૂ કરવા ૧ કરોડની જોગવાઈ
  • ગીરમાં આંબરડી લાયન સફારી પાર્ક માટે રૂ 5 કરોડ. નડા બેટના પ્રવાસન ને વેગ આપવા રૂ 35 કરોડ. બાલાસિનોર ડાયનોસર પાર્ક માટે રૂ 10 કરોડ. શુક્લતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર મેગા સર્કિટ માટે રૂ. 23 કરોડ કેન્દ્ર સરકારે ફાળવ્યા, રાજ્ય સરકારે રૂ 5 કરોડ ફાળવ્યા.
  • પોળો ફોરેસ્ટના વિકાસ માટે રૂ 5 કરોડ. વેળાવદર કાળિયાર અભ્યારણ્ય માટે રૂ 3 કરોડ. જૂનાગઢ ઉપરકોટ, ધોળાવીરા, માતાના મઢ ના વિકાસ માટે રૂ 20 કરોડ. વડનગરને હેરિટેજ શહેર તરીકે વિકસાવવા રૂ 200 કરોડ. શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ 150 કરોડના કામ.
  • નવા 85 હજાર આવાસોના નિર્માણ માટે રૂ.1100 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂ. 13917 કરોડની જોગવાઈ
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના માટે રૂ.490 કરોડની જોગવાઈ
  • ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે રૂ.100 કરોડની જોગવાઈ
  • પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ.9091 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા બજેટમાં દિનકર યોજનાની જાહેરાત. આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા 1489 કરોડની જોગવાઈ. ખેડૂતોને સબસિડાઈઝ્ડ દરે વીજ પુરવઠો આપવા 7385 કરોડની જોગવાઈ
  • ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો વસાવવા રૂ. 106 કરોડની જોગવાઈ .
  • મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજનાની જાહેરાત. આ યોજના હેઠળ સ્વ – સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે . જે માટે રૂ.7 કરોડની જોગવાઈ
  • સરકાર 3600 કરોડના ખર્ચે 11,200 કિમી રસ્તાઓનું રિસરફેસિંગ
  • માનવ ગરિમા યોજના હેઠળ 12,000 લાભાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા રૂ.15 કરોડની જોગવાઈ
  • નવા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ૧૦ કરોડની જોગવાઈ
  • દિવ્યાંગોને સ્વરોજગારીના સાધનો માટે રૂ.20,000ની મર્યાદામાં સહાય અપાશે
  • 1 લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે 92 કરોડની જોગવાઈ
  • 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા 50 કરોડની જોગવાઈ
  • મહિલા બાંધકામ શ્રમિકોને પ્રેગનેન્સીના છેલ્લા બે મહિના અને પ્રસુતિના બે મહિના બાદ એમ કુલ ચાર માસ સુધી દર મહિને 5000ની સહાય અપાશે
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બાંધકામ શ્રમિકોને બસમાં મુસાફરી કરવા સરકાર સહાય આપશે, રૂ. 50 કરોડ ફાળવ્યા
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે D R DO સાથે MoU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂ.7 કરોડની જોગવાઈ
  • ધોરણ 1 થી 8ના આશરે 43 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.980 કરોડની જોગવાઈ
  • 1.60 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવા રૂ 80 કરોડની જોગવાઈ
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે રૂ 500 કરોડ
  • પાલક માતા-પિતા યોજના અંતર્ગત 18200 લાભાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ
  • નવા ઘર સાથે શૌચાલય બનાવવા સરકાર 8 હજાર રૂપિયાની સહાય
  • 140 નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતો ને વીજ જોડાણ આપવા રૂ 1489 કરોડ
  • નવા 85 હજાર ઘર બનાવવા 300 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે રૂ. 387 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 27 લાખ મુજબ 500આંગણવાડી કે બાંધકામ માટે રૂ.35 કરોડ .
  • બેટી બચાવો બેટી ભણાવો માટે 50 કરોડ ફાળવ્યા
  • રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 753 કરોડની બજેટમાં જોગવાઈ
  • 108 સેવાને વધુ સુદ્રઢ કરવા 150 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની જોગવાઈ
  • સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડની જોગવાઈ .
  • આયુષ્યમાન ભારત યોજના માટે 450 કરોડની જોગવાઈ
  • સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઈ
  • મધ્યમ વર્ગ માટે દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તૂવેર દાળ અપાશે જેનો 66 લાખ લોકોને મળશે લાભ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડ રૂપિયાની જોગવા
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લા જેલમાં મીની આંગણવાડી બનાવવાની બજેટમાં જાહેરાત
  • આગંણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ફલેવર્ડ મિલ્ક પૂરૂ પાડવા બજેટમાં 342 કરોડની જોગવાઈ
  • 5 લાખ વિધવા બહેનોને 500 કરોડ સહાયની જાહેરાત
  • દરિયાનું પાણી પીવા લાયક બનાવવા 1080 કરોડની ફાળવણી
  • ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી માટે 240 કરોડની યોજનાનું આયોજન
  • 2022 સુધી તમામ ઘરોને નળથી જોડાશે, ગ્રામ્ય વિસ્તારના હજી પણ 22 ટકા ઘરમાં નળ નહીં
  • બાળ અને મહિલા વિકાસ માટે 3150 કરોડની જોગવાઇ
  • કોલેજમાં પ્રવેશ મેળવવા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ આપવા 200 કરોડની જોગવાઈ
  • 108 સેવા માટે 150 નવી એમ્બ્ય્લુન્સ ખરીદાશે
  • શહેરી વિસ્તારોમાં 10,000ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરાશે
  • મા યોજના માટે 1105 કરોડ, આયુષ્યમાન યોજના માટે 450 કરોડની ફાળવણી
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11,243 કરોડની જોગવાઈ
  • માઈક્રો ઈરીગેશનથી સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પીયાવાના દરમાં 50% રાહત
  • કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા 400 કરોડની જોગવાઈ
  • સુક્ષ્મ સિંચાઈ યોજના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટ્રાફિક સમસ્યા હળવી કરવા 500 કરોડની જોગવાઈ
  • પીવાના પાણી માટે નગરપાલિકાઓને 500 કરોડની જોગવાઈ
  • કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ 750 કરોડની જોગવાઈ
  • સાત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં  કિચન શેડ બનાનવા 10 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ
  • અટલ ભૂજલ યોજના માટે ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓને પાંચ વર્ષ માટે 757 કરોડની જોગવાઈ.
  • સુરત મેટ્રો પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે રૂ.406 કરોડ ફાળવાયા
  • નવસારી,રાજપીપળા, પોરબંદરમાં 3 નવી મેડિકલ કોલેજ બનાવવા માટે 125 કરોડની જોગવાઇ
  • સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમત ગમતની સુવિધીઓ માટે 250 કરોડની જોગવાઈ. 7000 નવા વર્ગખંડોના બાંધકામ માટે 650 કરોડની જોગવાઈ
  • સ્માર્ટ ટાઉન બનાવવા રૂ.4544 કરોડની જોગવાઇ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13, 440 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના માટે 1105 કરોડની જોગવાઈ
  • નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ.
  • પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ.
  • પોલીસ વિભાગમાં નવી 11 હજારની ભરતી કરાશે
  • ગૃહ વિભાગ માટે 1142 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ ની જોગવાઇ
  • કડાણા દાહોદ પાઇપ લાઇન મોટા ભાગે પૂર્ણ થવા આવ્યું છે, વધારાની લાઇન લંબાવાશે જે માટે 103 કરોડની જોગવાઇ
  • બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઇપ લાઇન નાંખવા 225 કરોડની જોગવાઇ
  • ઉકાઇ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર સિંચાઇ યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઇ
  • ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનર કચેરી બનશે, ગાંધીનગરને હવે પોલીસ કમિશનરની નવી પોસ્ટ મળશે
  • અલંગ શીપ રિસાક્લિંગ યાર્ડનું આધુનિકીકરણ કરવા રૂ.715 કરોડની ફાળવણી
  • હિંમતનગર નજીક રાજપુર ખાતે નવી વેટરનરી કોલેજ બનાવાશે
  • મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડની જોગવાઈ
  • ખેત ઉત્પાદનોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય માટે 10 કરોડની જોગવાઈ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
  • દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલમા સ્થાપવા 12 કરોડની જોગવાઈ
  • કલાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા ગ્રીન બજેટ હેઠળ ફળવાયા 5922 કરોડ
  • બંદરો અને વાહન વ્યવહાર માટે 1397 કરોડની જોગવાઈ
  • જાહેર પરિવહન માટે 895 નવી બસોની ખરીદી માટે રૂ.240 કરોડની ફાળવણી
  • 7 નવા બસ સ્ટેશનો માટે 30 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ માટે 13,440 કરોડની જોગવાઈ
  • સૌની યોજના માટે 1710 કરોડ
  • માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના અને નબળા વર્ગ માટે રૂ. 48 કરોડની ફાળવણી
  • પાંજરાપોળોના વિકાસ માટે 100 કરોડની જોગવાઇ 
  • 24 કલાક વીજળી, સિંચાઈ, સિંચાઈની સુવિધા, શાળા કોલેજ આપ્યા
  • ગુજરાત વિકાલનું રોલ મોડલ બન્યું છે
  • હું કવિ નથી તેમ છતાં કવિતા રજૂ કરું છું. આ કવિતા અમારા નાણાવિભાગના અધિકારીઓ સાથે તૈયાર કરી છે. 
  • કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ એક વર્ષમાં ખેડૂતોને 3816 કરોડ રૂપિયા આપ્યા
  • ખેડૂતો માટે 3795 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું
  • આખા ગુજરાતમાંથી ચેકપોસ્ટની નાબૂદી કરી.
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે અને સદાય રહેશે. દેશના કુલ મૂડી રોકાણના 51 ટકા એમઓયુ ગુજરાતને પ્રાપ્ત થયા છે
  • 40 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.પ્રતિદિન 15 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા મૈયાના દર્શન કરે છે. આગ્રાના તાજમહેલ અને ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા વધારે.
  • અંદાજપત્રની વિશેષ યોજનાઓઃ
  • -ગિફ્ટ સિટીમાં સોનાની લે વેચ કરવા માટે બુલિયન એક્સચેન્જ શરૂ કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી.
  • 2,17,287 કરોડનું ગુજરાતનું બજેટ
  • ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જોગવાઈ
  • કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના, 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઇ
  • સ્કુલ ઓફ ડિફેન્સ સ્ટડી શરુ કરવા 7 કરોડ -પ્રાથમિક શાળામાં 7 હજાર નવા વર્ગખંડો બનાવવા 650 કરોડ
  • 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
  • ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સહાય કરવા 300 કરોડની ફાળવણી. ખેતરમાં જ નાનું ગોડાઉન કે કોલ્ડ સ્ટોરેજ બનાવવા 30,000 રુપિયાની મદદ મળશે. ખેતરની જમીનમાં ગોડાઉન બનાવવા માટે NA નહીં કરાવવું પડે.
  • માર્ગ મકાન વિભાગ માટે 10200 કરોડ ની જોગવાઈ
  • ગાયના લાભાર્થી પશુપાલકોને મહિને 900 રૂપિયા સહાય અપાશે
  • એક ગાય દીઠ વાર્ષિક10,800 રુપિયા આપવામાં આવશે
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે 300 કરોડની જાહેરાત
  • એનએ કર્યા વગર ખેડૂતો ગોડાઉન બનાવી શકશે 

બજેટ પહેલાં પ્રશ્નોતરીકાળઃ

નીતિન પટેલ બજેટ રજૂ કરે તે પહેલાં વિધાનસભામાં એક કલાકનો પ્રશ્નોતરીકાળ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે ખેડૂતોના નુકસાનની સહાય સહિત વિવિધ પ્રશ્નો પુછ્યા હતા. તો ખેડૂતોની આત્મહત્યા અંગેનો સવાલ પણ વિધાનસભામાં પુછવામાં આવ્યો હતો. વિવિધ પ્રશ્નોનાં સરકારે જવાબ આપ્યા હતા. 

પ્રશ્નોતરીકાળ દરમિયાન ખેડૂતોનાં નુકસાન અંગે કોંગ્રેસનો ધારદાર સવાલ

પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને 2019ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.25 હજાર કરોડની નુકસાની સામે રૂ.1229 કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો.

ખેડૂતોની આત્મહત્યાના આંકડા જાહેર કર્યાં

તો પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજ્યમાં ખેડૂતોના આપઘાતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્ગારકામાં 2 વર્ષમાં 4 ખેડૂતોનો આપઘાત, જૂનાગઢમાં 2 વર્ષમાં 3 ખેડૂતનો આપઘાત, પોરબંદરમાં 1, સાબરકાંઠામાં 1 ખેડૂતનો આપઘાત જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2 ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સરકારે જાહેર કર્યું હતું.

સતત ખોટમાં ચાલતું રાજ્યનું વાહન વ્યવહાર નિગમ

રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ 2017-18માં રૂ.2317 કરોડની આવક સામે રૂ.866 કરોડની ખોટ થઈ હતી. વર્ષ 2018-19માં રૂ.2540 કરોડની આવક સામે રૂ.1017 કરોડની ખોટ થઈ હતી. વર્ષ 2019-20માં રૂ.2249 કરોડની આવક સામે રૂ.748 કરોડની ખોટ વાહન વ્યવહાર નિગમને થઈ હતી. 

છેલ્લા બે વર્ષમાં વીમા કંપનીઓ સામે છેતરપીંડિની એકપણ ફરિયાદ નહીં

વીમા કંપનીઓ સામે ખેડૂતોએ બાંયો ચઢાવી આંદોલનોની વણઝાર લગાવી હતી. પણ વિધાનસભામાં વીમા કંપનીઓને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં વીમા કંપની સામે છેતરપીંડીની કોઇ ફરિયાદ નહીં હોવાનું સરકારે જણાવ્યું હતું. વીમા કંપનીએ ખેડૂત સાથે છેતરપીંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ ના મળી હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો હતો. જો કે વીમા કંપનીએ બેદરકારી દાખવી હોય એવી સરકારને 12 ફરિયાદો મળી છે. અને આ માટે સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓને  સૂચના આપી છે. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો હતો. 

સરકારે ભાડા પેટે એસટીની બસો લીધી, પણ પણ પૈસાની ચૂકવણી બાકી

છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે એસટી બસો ભાડે લીધી તેની માહિતી પણ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2018માં રૂ.65.21 લાખના ભાડા સામે રૂ.46.21 લાખ સરકારે ચૂકવ્યા હતા. વર્ષ 2018ના ભાડા પેટે રૂ. 19 લાખની ચુકવણી બાકી છે. વર્ષ 2019માં રૂ.1.95 કરોડના ભાડા સામે રૂ.1.11 કરોડ સરકારે ચૂકવ્યા છે તો વર્ષ 2019ના ભાડા પેટે રૂ.84 લાખ ચૂકવવાના હજુ બાકી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

અમદાવાદ RTOમાં મહેકમ ખાલી હોવાનો સ્વીકાર

અમદાવાદની આરટીઓ કચેરીમાં મહેકમ ખાલી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મંજૂર થયેલું મહેકમ 219 સામે 136 સ્ટાફ ભરાયેલો હોવાનો સ્વીકાર કર્યો છે તો 83 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર કર્યો છે. આજ રીતે વસ્ત્રાલ આરટીઓમાં મંજૂર થયેલી 61 જગ્યાઓ સામે 37 જગ્યાઓ જ ભરાયેલી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે જ્યારે વસ્ત્રાલ આરટીઓમાં 23 જગ્યાઓ ખાલી હોવાનો લેખિત જવાબ આપવામાં આવ્યો છે.

6 કરોડ 30 લાખ લોકોને બજેટ પસંદ આવશેઃ નીતિન પટેલ

નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ સર્વાંગી વિકાલલક્ષી બજેટ છે જે દરેક વર્ગ અને દરેક ઉંમરનાં લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે. આઠમી વખત બજેટ રજૂ કરવાનો લાભ મને મળી રહ્યો છે તેથી હું ગૌરવ અનુભવું છું. ગુજરાતનાં 6 કરોડ 30 લાખ નાગરિકોને આજનું બજેટ પસંદ આવશે. ગુજરાતનો આગામી વિકાસ દ્રઢ રહેશે.

સરકારને ઘેરવા કોંગ્રેસે બનાવી રણનીતિ

તો બજેટ સત્ર પહેલાં કોંગ્રેસ ધારાસભ્ય દળની એક બેઠક મળી હતી. બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં વ્યૂહરચના માટે આ બેઠક મળી હતી. જેમાં બજેટ સત્રમાં સરકારને ઘેરવાની નીતિ તૈયાર કરાઈ હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં આ બેઠક મળી હતી. તો અમિત ચાવડાએ કહ્યું કે, ટ્રમ્પની ગુજરાત મુલાકાતનો મુદ્દો કોંગ્રેસ ગૃહમાં ઉઠાવશે. અને કાર્યક્રમના ખર્ચનો હિસાબ માગશે. 100 કરોડથી ગુજરાતને કેટલો ફાયદો થયો તે અંગે પ્રશ્ન પુછીશું. નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલવિધાનસભાગૃહમાં બપોરે 1.15 કલાકે આઠમી વખત રાજ્ય સરકારનું બજેટ રજૂ કરશે. એમણે સૌથી પહેલીવાર 2002માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2020-21ના નવા બજેટ વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કરતાં એમણે માત્ર એટલું જણાવ્યું હતું કે, તમામ વર્ગને લાભકારક બજેટ રજૂ કરવાનો પ્રયાસ રહેશે.

22 દિવસ ચાલશે બજેટ સત્ર

બુધવારથી શરૂ થઇ રહેલું વિધાનસભાનું સત્ર 31 માર્ચ સુધી એટલે કે 22 કામકાજના દિવસ સુધી ચાલશે. એ દરમિયાન 25 જેટલી બેઠકો મળશે. બજેટના બીજા દિવસથી રાજ્યપાલના પ્રસ્તાવ પર ચર્ચા થશે. સત્ર દરમિયાન 10 જેટલા વિધેયક રજૂ થશે.

મંદીની બજેટ પર અસર

ગુજરાત સરકારે વર્ષ 2019-20માં કુલ રૂ. 2.04 લાખ કરોડના કદનું બજેટ રજૂ કર્યું હતું. તેથી નવા વર્ષનું બજેટ સ્વાભાવિક રીતે તેનાથી વધશે, પણ એ માત્ર લાફો મારીને ગાલ લાલ બતાવવાનો ખેલ બની રહેશે, કારણ કે સૂત્રો કહે છે કે, મંદીના કારણે આવકો ઘટતાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 20થી 25 હજાર કરોડનો ખાડો પડી રહ્યો છે.