મા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, 125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ, માત્ર 110 મિનિટમાં 136 કરોડનું દાન મળ્યું

મા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, 125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ, માત્ર 110 મિનિટમાં 136 કરોડનું દાન મળ્યું

  • 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના ઘરેથી એકત્રિત કરીને લવાયું હતું
  • ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પછી હવે સૌથી મોટું મંદિર
  • છેલ્લી ઘડીએ ગુપ્ત દાતાએ 25 કરોડ, મુંબઈના  51 કરોડના એક દાતાએ વધુ 11 કરોડ લખાવ્યા

સંકેત ઠાકર, અમદાવાદઃ જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિરના શિલાન્યાસ સમારોહના 2 દિવસમાં 125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો. સમારોહના બીજા દિવસે આ રકમમાં 40 કરોડ ખૂટે છે એવી કાર્યક્રમના મુખ્ય સંયોજક આર.પી. પટેલે જાહેરાત કરતાં માત્ર 17 મિનિટમાં 30 કરોડનું દાન આવ્યું હતું. એક ગુપ્ત દાતાએ 25 કરોડ લખાવ્યા હતા. આ ઉપરાંત મૂળ નંદાસણના અને હાલ મુંબઈમાં રહેતા 51 કરોડના એક દાતાએ વધુ 11 કરોડ લખાવ્યા હતા. કુલ 110 મિનિટમાં 136 કરોડનું દાન આવ્યું હતું. મંદિરનો નિર્માણ ખર્ચ એક હજાર કરોડ અંદાજવામાં આવ્યો છે. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ સમારોહના બીજા દિવસે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંતો હાજર હતા ત્યારે જ મંચ પરથી સંયોજક આર. પી. પટેલે નિર્માણ ખર્ચ માટે 40 કરોડ ખૂટતાં હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ 17 મિનિટમાં 30 કરોડ એકત્રિત થઈ ગયા હતા. શનિવારે સાંજે વિશ્વ ઉમિયાધામમાં 30 બગીની યાત્રા પણ નીકળી હતી. પ્રત્યેક બગીમાં પાંચ-પાંચ કરોડના દાતાને બેસાડાયા હતા.

ભારતીય-જર્મન આર્કિટેક્ટે મંદિરની ડિઝાઇન તૈયાર કરી
શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. ઇન્ડો જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી છે. મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે.

આજના કાર્યક્રમ
> સવારે 8 વાગ્યે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાનું દાતાઓના હસ્તે પૂજન
> 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ, તેમાં સંતો, મહંતો આર્શીવચનો આપ્યા
> સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા
100 વીઘા જમીનમાં 1 હજાર કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ
431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થયા છે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશે
જાસપુર વિશ્વ ઉમિયા ધામ ખાતે વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશે. આ ટ્રી મ્યુઝિયમમાં 2 લાખ 51 હજાર વૃક્ષ ઉગાડવામાં આવશે. 3 હજાર જેટલા વૃક્ષ વિદેશથી મંગાવાશે આ મ્યુઝિયમનું 5 વીઘા જેટલી જગ્યામાં નિર્માણ પામશે. રાજ્યની સૌથી મોટી પાર્કિંગ જગ્યા પણ બનવાશે. આ મંદિરમાં 3500 જેટલા વાહનોનું પાર્કિંગ થઇ શકશે.