કડી / ઘુમાસણ, એક એવું ગામ જ્યાં જંતુનાશક દવા મૂકવા બેંકની જેમ લોકરનો ઉપયોગ કરે છે

કડી / ઘુમાસણ, એક એવું ગામ જ્યાં જંતુનાશક દવા મૂકવા બેંકની જેમ લોકરનો ઉપયોગ કરે છે

વર્ષો અગાઉ જંતુનાશક દવા પી બે યુવાનોએ આપઘાત કર્યો હતો,  આવા બનાવો હવે ન બને તે માટે નવતર પ્રયોગ

નંદાસણઃ તમે બેંકમાં દાગીના મુકવાના લોકરો જોયા હશે અને ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ કોઇ કહે કે જંતુનાશક દવાઓ મુકવા માટે લોકર બનાવ્યા છે તો વાત માનશો ખરા? નહીંને. પણ આ વાત માનવી પડશે. કારણ કે, કડી તાલુકાના ઘુમાસણ ગામમાં જંતુનાશક દવાઓ મુકવા માટે સ્પેશિયલ લોકર બનાવાયાં છે અને તેનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે.
આજકાલ આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. તેમાંયે આત્મહત્યા માટે જંતુનાશક દવાઓનો વધુ ઉપયોગ થાય છે. આવું ન બને તે માટે ઘુમાસણ ગામે જંતુનાશક દવા મુકવા “સામુદાયિક જંતુનાશક સંગ્રહ કેન્દ્ર” નામે લોકર બનાવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગામના ખેડૂતો પોતાની જંતુનાશક દવાઓ લોકરમાં મૂકી શકે. જે મુકવા માટે ખેડૂતો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ખેડૂતોને ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય ત્યારે દવા લોકરમાંથી લઈ જઈ શકે છે અને કામ પૂરું થતાં દવા મૂકી જાય છે. આ માટે ખેડૂતોને અલગ-અલગ લોકર અપાયાં છે, જેની ચાવી ખેડૂત તથા તેમના ઘરના સભ્યો જોડે રહે છે.
આ લોકરની શરૂઆત ગત 24 જાન્યુઆરીએ ગ્રામ પંચાયતના સહયોગથી એક સામાજિક સંસ્થા દ્વારા કરાઇ છે. જેના માટે ગામમાં એક દુકાન બનાવી છે. જેમાં કુલ 180 લોકરો છે. જેમાંથી હાલ 35 ખેડૂતોએ નામ નોંધાવ્યાં છે અને 12 લોકરોમાં ખેડૂતો જંતુનાશક દવાઓ મૂકવા લાગ્યા છે. 500 લોકરો ખોલી ગામના દરેક ખેડૂતોને આવરી લેવા પ્રયત્નો કરાશે તેમ કેન્દ્રના મુકેશજી ડાભીએ જણાવ્યું હતું.
આત્મહત્યાના બનાવો ન બને તે જ ઉદ્દેશ
વર્ષો અગાઉ અમારા ગામમાં બે યુવાનોએ દવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બે-ત્રણ વર્ષે આવી ઘટના બનતી હોય છે. વળી જંતુનાશક દવા ખેડૂતોના ઘરમાં તો પડી જ હોય. આથી આવી કોઇ ઘટના ગામમાં હવે ન બને તે માટે ગામનાં તમામ લોકોનો મત લઈ ગામમાં લોકો બનાવવા મંજૂરી આપી શરૂ કરાયું છે. આ સામુદાયિક જંતુનાશક સંગ્રહ કેન્દ્રની શરૂઆત મહિના પહેલાં કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ આત્મહત્યાના બનાવો ન બને તેવો છે.> ભરત દેસાઇ,સરપંચ ઘુમાસણ
મેં પણ આ લોકરમાં દવા મૂકી છે: ખેડૂત
મેં આ લોકરમાં દવા મૂકી છે. આ એક સારું અભિયાન છે. કોઈ આત્મહત્યા ન કરી શકે. ઉપરાંત, બાળકો ભૂલથી જંતુનાશક દવા ઘરે ના પી જાય તે માટે પણ સારું છે. > જીલુજી ઠાકોર, ખેડૂત ઘુમાસણ
નોંધણી પછી ખેડૂતને કાર્ડ અપાય છે
સામુદાયિક જંતુનાશક કેન્દ્રમાં દરેક વ્યક્તિને મફત લોકર અપાય છે. જેના માટે માત્ર એક ફોર્મ ભરવાનું હોય છે. નોંધણી પછી ખેડૂતને કાર્ડ પણ અપાય છે. જેમાં વિગતો ભરવાની રહે છે.