ઉમિયા મંદિર માટે એકસાથે 25 કરોડ આપનારા દાતાએ શરત મૂકી હતી કે, ‘મારું નામ જાહેર કરશો તો દાન નહીં આપું’

ઉમિયા મંદિર માટે એકસાથે 25 કરોડ આપનારા દાતાએ શરત મૂકી હતી કે, ‘મારું નામ જાહેર કરશો તો દાન નહીં આપું’

  • બે દિવસ ચાલેલા શિલાન્યાસ સમારોહમાં જ 140 કરોડ દાન મળ્યું, કુલ રકમ 511 કરોડે પહોંચી
  • વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિર માટે જાસપુરમાં યોજાયેલા સમારંભમાં દાન માટેના આ ત્રણ રેકોર્ડ સર્જાયા

અમદાવાદ: જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઉંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂા. 511 કરોડનું દાન સમાજના બંધુઓએ આપ્યુ છે. મંદિરના શિલાન્યાસ માટે યોજાયેલા સમારોહમાં કુલ રૂા.125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો જેમાં 40 કરોડ ખૂટે છે એવી જાહેરાત કરતા જ એક દાતાએ 25 કરોડનું દાન લખાવ્યું હતું. આ દાન આપતા પહેલા દાતાએ સંસ્થાના ચેરમેન આર.પી.પટેલ સમક્ષ શરત મૂકી હતી કે, ‘હું 25 કરોડનું દાન આપું પણ મારું નામ કયાંય જાહેર થવું જોઈએ નહીં. જો નામ જાહેર કરવાના હોવ તો દાન નહીં આપું.’ ચેરમેને તેમની આ શરતનો સ્વીકાર કરતા અંત ઘડીએ તેમણે 25 કરોડનું દાન જાહેર કર્યું હતંુ. મંદિરના નિર્માણનો ખર્ચ અંદાજિત એક હજાર કરોડ રૂપિયા છે જેની સામે અત્યારસુધી કુલ રૂા.511 કરોડનું દાન મળ્યું છે. શિલાન્યાસ સમારોહ દરમિયાન કુલ 140 કરોડનું દાન એકઠું થયું હતું.
કરોડોનું દાન છતાં પ્રસિદ્ધિની ભૂખ ન બતાવી ચીલો ચાતર્યો
1 ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની પ્રથમ સંસ્થા છે જેમાં કોઈ દાતાએ નામ નહીં આપવાની શરતે 25 કરોડનનું માતબર દાન આપ્યું. સંસ્થાનો દાવો છે કે, સમાજમાં પ્રસિધ્ધિની ખેંચતાણમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક નવો ચીલો ચિતર્યો જેમાં કોઈ દાતાએ પોતાની પ્રસિદ્ધિ કે સન્માન મેળવ્યા વિના કરોડોનું દાન આપ્યું. પાટીદાર સમાજમાં આ નવો ચિલો છે.
ધર્મ સભામાં જ 26 દાતાએ 140 કરોડનું દાન જાહેર કર્યું
2 પહેલી વખત એવી ઘટના બની છે કે, સંસ્થાના પ્રમુખે 28 ફેબ્રુઆરીએ એવી જાહેરાત કરી કે 500 કરોડમાં હજુ 140 કરોડ બાકી છે અને 29 ફેબ્રુઆરીએ 24 કલાકમાં દાનનો આંકડો 511 કરોડે પહોંચી ગયો. ચાલુ ધર્મસભામાંથી 26 દાતાઓએ દાનની સરવાણી કરીને 140 કરોડનું દાન ભેગું કર્યું હતું. છેલ્લા 4 વર્ષમાં 511 કરોડનું દાન આવ્યું છે.
દાન હજારનું હોય કે કરોડનું સન્માન એક જ સ્ટેજ પર
3 એક જ સમયે એક જ સ્ટેજ પરથી એક જ સમયે એક હજારથી લઈને કરોડોનું દાન ભેગું થયું હોવાની આ પ્રથમ ઘટના છે. એક હજારનું દાન કર્યું હોય કે એક કરોડનું દાન કર્યું હોય પણ તે તમામ દાતાઓનું સન્માન એક સરખી રીતે એક જ સ્ટેજ અને એક જ પ્લેટફોર્મ પરથી કરવામાં આવ્યુ છે. સંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.