કરાર ભંગ થશે તો અફઘાનિસ્તાનમાં કોઈએ જોયું નહીં હોય એટલું સૈન્ય મોકલીશ : ટ્રમ્પ

કરાર ભંગ થશે તો અફઘાનિસ્તાનમાં કોઈએ જોયું નહીં હોય એટલું સૈન્ય મોકલીશ : ટ્રમ્પ

અમેરિકા-તાલિબાનો વચ્ચેની સમજૂતી પડી ભાંગે તેવી શક્યતા

અમેરિકા સાથે સમજૂતી થઈ હોવાથી વિદેશી સેન્ય સામે નહિ લડીએ પરંતુ અફઘાનિસ્તાન લશ્કર સામે લડત ચાલુ રાખીશું : તાલિબાન

વૉશિંગ્ટન/કાબુલ, તા. 2 માર્ચ, 2020, સોમવાર

અમેરિકા-તાલિબાન વચ્ચેની સમજૂતી થઈ ચૂકી છે એ પ્રમાણે હવે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય હટાવી લેશે. પરંતુ તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સમજૂતી પડી ભાંગે એવી સિૃથતિ ખડી થઈ છે. 

બીજી તરફ ટ્રમ્પે પણ તાલિબાનને ધમકી આપતા કહ્યું હતું કે જો કરાર તૂટી જશે તો અમેરિકા અફઘાનિસ્તાનમાં મોટું સૈન્ય ખડકશે.અમેરિકા અને તાલિબાન વચ્ચે સમાધાન થયું હોવાની વાતને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવકારી હતી.

વ્હાઈટ હાઉસમાં તેમણે મીડિયાને સંબોધતી વખતે કહ્યું હતું કે અમેરિકા-તાલિબાન વચ્ચે થયેલું સમાધાન આવકાર્ય બાબત છે. પરંતુ ધમકીભર્યા સૂરમાં તેમણે ઉમેર્યું હતું કે જો આ કરારમાં કંઈ પણ ગરબડ થશે તો હું અફઘાનિસ્તાનમાં એટલું સૈન્ય મોકલીશ કે કોઈએ એટલું સૈન્ય ક્યારેય જોયું પણ નહીં હોય. જોકે, એવી સિૃથતિ નહીં આવે એવો આશાવાદ ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચેની સમજૂતી ઘોંચમાં પડી ગઈ છે. તાલિબાનો થયેલા કરાર પ્રમાણે અફઘાનિસ્તાન અને તાલિબાની નેતાઓએ 10 દિવસમાં બેઠક કરીને સમજૂતી કરવાની છે, પરંતુ એ દિશામાં  હજુ તો અફઘાનિસ્તાનની ટીમ જ તૈયાર થઈ નથી.

અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની અને ચીફ એક્ઝિક્યુટિવ અબ્દુલ અબ્દુલ્લાના મતભેદો સપાટી ઉપર આવ્યા છે. ટીમમાં કોનો સમાવેશ કરવો તે મુદ્દે બંને વચ્ચે સહમતી થઈ નથી.

વળી, પ્રમુખે તાલિબાની કેદીઓ વિશે એક નિવેદન આપ્યું હતું, જે સમજૂતીને તોડી પાડે એવી શક્યતા છે. પ્રમુખે કહ્યું હતું કે સમજૂતી થયા પહેલાં સરકાર એકેય તાલિબાની કેદીને મુક્ત કરશે નહીં. કરારમાં એવી જોગવાઈ હતી કે સમજૂતી પહેલાં અફઘાન સરકાર 5000 તાલિબાની કેદીઓને મુક્ત કરવાની હતી.

આ નિવેદનોનું પરિણામ એ આવ્યું કે તાલિબાને અફઘાન સૈન્ય સામે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તાલિબાની પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા સાથે કરાર થયો એ પ્રમાણે તાલિબાન વિદેશી સૈન્ય સામે ઓપરેશન બંધ કરશે, પરંતુ અફઘાન સૈન્ય સામે નવેસરથી લડત ચાલુ થશે.