ભારતમાં કોરોના વાઇરસના બે પોઝિટિવ કેસ સામે આવતાં ફફડાટ

ભારતમાં કોરોના વાઇરસના બે પોઝિટિવ કેસ સામે આવતાં ફફડાટ

। નવી દિલ્હી ।

સમગ્ર વિશ્વમાં કોરોનાને પગલે હાહાકાર મચેલો છે ત્યાં ભારતમાં પણ બે પોઝિટિવ કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. ભારતમાં દિલ્હીમાં ૧ અને તેલંગણામાં ૧ કોરોનાગ્રસ્ત કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્યમંત્રાલયે જણાવ્યું કે, દિલ્હીમાં જે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે તે થોડા દિવસ પહેલાં જ ઇટાલીથી પરત આવી છે. તે ઉપરાંત દુબઈથી પરત આવેલા તેલંગણાના યુવાનને પણ ચેપ લાગ્યાનું સામે આવ્યું છે. હાલમાં બંનેની હાલત સ્થિર છે પણ તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને નાગરિકોને ચીન, ઇરાન, કોરિયા, સિંગાપુર અને ઇટાલી જેવા દેશોનો પ્રવાસ ટાળવા સૂચના આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મહામારી વૈશ્વિક સ્તરે ફેલાઈ હોવાથી વિશ્વના અન્ય દેશોનો પ્રવાસ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ. દેશના ૨૧ એરપોર્ટ, ૧૨ મુખ્ય પોર્ટ અને ૬૫ નાના પોર્ટ ઉપર યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એરપોર્ટ ઉપર પાંચ લાખ કરતાં વધારે યાત્રીઓની તપાસ કરવામાં આવી છે. તે ઉપરાંત મોટા અને નાના પોર્ટ ઉપર ૧૨,૫૦૦ લોકોની તપાસ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધીમાં પાંચ કેસ સામે આવ્યા હતા તેમાંથી ત્રણ કેસ કેરળના હતા. ત્રણેયનું સ્વાસ્થ્ય સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે બે નવા કેસ નોંધાતાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ઇટાલીમાં ભારતીય વિદ્યાર્થીઓ ક્વોરેન્ટાઇનમાં મોકલાયા

ઇટાલીના લોમ્બાર્ડીમાં ૮૫ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે. ઇટાલીમાં રોગનો ઝડપથી પેસારો થઈ રહ્યો છે. તેમાં અત્યાર સુધીમાં ૩૪ લોકોનાં મોત થયાં છે અને ૧,૬૯૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. લોમ્બાર્ડીમાં એન્જિનિયરિંગ વિભાગમાં એક નોન ટિચિંગ ફેકલ્ટીને ચેપ લાગ્યા બાદ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

અમને ઝડપથી બહાર કાઢોભારતીય વિદ્યાર્થિની દ્વારા અપીલ

બેંગ્લુરુની એક વિદ્યાર્થિની અંકિતા કેએસ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં ઇટાલીમાં સ્થિતિ ખરાબ છે. વિદ્યાર્થીઓએ ટિકિટ બુક કરાવી હતી પણ ફ્લાઇટ સતત રદ થયા કરે છે. નવી ટિકિટો ખૂબ જ મોંઘી છે. અહીંયા મોલ્સ અને દુકાનોમાં વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે. ચારે તરફ અફરાતફરી છે. અમને ભય છે કે, સ્થિતિ વધારે વણસી શકે છે. અમારી ભારત સરકારને વિનંતી છે કે, તેઓ ઝડપથી પગલાં લઈને અમને અહીંયાથી બચાવે.

ઇરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે

ઇરાનમાં કોરોનાને કારણે ૬૬ લોકોનાં મોત થયાં છે. અહીંયા અન્ય ૩૮૫ લોકોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ભારત દ્વારા ઇરાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવાના પ્રયાસોને ઝડપી બનાવાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંદાજે ૩૫૦ વિદ્યાર્થીઓ અને શીખ શ્રદ્ધાળુઓ હાલ ઇરાનમાં ફસાયેલા છે.

જયપુર, હૈદરાબાદમાં શંકાસ્પદ કેસ

ભારતમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ જયપુર અને હૈદરાબાદમાં પણ એક-એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તેને જયપુરની હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. કોરોનાનો એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ હૈદરાબાદમાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

હાહાકાર : દુનિયાભરમાં કોરોનાથી મોતનો આંકડો ૩,૦૦૦ને પાર, ૮૯,૦૦૦ લોકોને ચેપ

  • ઇટાલીથી પરત આવેલો એક કેસ દિલ્હીમાં જ્યારે તેલંગણામાં દુબઈથી આવેલી એક વ્યક્તિને કોરોનાનો ચેપ
  • ચેપની શંકાએ ઇટાલીમાં ૮૫ ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો આઇસોલેશનમાં રાખાયા
  • ભારતમાં અત્યાર સુધીમાં પાંચ કેસ સામે આવ્યા, ઈરાન અને ચીનથી આવતા તમામ લોકોના વિઝા રદ કરવામાં આવ્યા
  • સાઉથ કોરિયામાં ૪,૨૧૨ લોકોને ચેપ લાગ્યો, ભારતમાં અત્યાર સુધીમાં એરપોર્ટ ઉપર પાંચ લાખ યાત્રીઓની તપાસ કરાઈ
  • બ્રિટનમાં પણ વધુ ૪૦ લોકોને ચેપ લાગ્યો : જાપાનમાં વધુ ૧૯ લોકોને ચેપ ફેલાયો હોવાના અહેવાલ, ઈન્ડોનેશિયામાં પણ પહેલો કેસ નોંધાયો