કોરોના / વિદેશથી પરત આવતાં ભારતીય નાગરિકો, વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકો માટે વિઝાના નવા નિયમો સમજો

કોરોના / વિદેશથી પરત આવતાં ભારતીય નાગરિકો, વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકો માટે વિઝાના નવા નિયમો સમજો

  • ભારતીય નાગરિકોએ જો કોરોનાગ્રસ્ત દેશોની મુલાકાત લીધી હશે તો તેમના માટે 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત
  • દ. કોરિયા અને ઈટાલીની મુલાકાતેથી આવતાં વિદેશીઓએ Covid-19  નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે  

નેશનલ ડેસ્કઃ કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા માટે ભારત સરકારે વિદેશથી આવતાં લોકની ચકાસણી સઘન બનાવવા ઉપરાંત આવવા અંગેના નિયંત્રણો પણ લાગુ કર્યા છે. વિદેશ ગયેલા ભારતીય નાગરિકો તેમજ ભારત આવવા માંગતા વિદેશીઓ માટેના અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અહીં આસાન રીતે સમજી શકાય એ મુજબ ભારતમાં પ્રવેશ માટેના નિયમો જણાવીએ છીએ.

વિદેશથી પરત આવતાં ભારતીય નાગરિકો માટેઃ
સવાલઃ શું તેમણે ફરજિયાત ક્વોરેન્ટાઈન (સલામત સમય સુધીના એકાંતવાસ)માં જવું પડશે?
જવાબઃ હા, જો તેઓ 15 ફેબ્રુઆરી, 2020 પછી ચીન, દ.કોરિયા, ઈરાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન કે જર્મનીની મુલાકાત લઈને પરત આવતાં હશે તો તેમણે ફરજિયાત 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. એ સિવાયના દેશોની મુલાકાતેથી આવતાં ભારતીય નાગરિકો માટે ક્વોરેન્ટાઈનનો નિયમ લાગુ પડતો નથી.

સવાલઃ ભારતીયો માટે Covid-19 નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે?
જવાબઃ દ. કોરિયા અને ઈટાલીની મુલાકાતેથી સ્વદેશ પરત ફરતાં નાગરિકો માટે જરૂરી છે. એ સિવાયના નાગરિકો માટે આવશ્યક નથી.

સવાલઃ ભારતે જે દેશોની મુલાકાત સામે સખ્તાઈ દાખવી છે એ ચીન, દ.કોરિયા, ઈટાલી સહિતના દેશોની ટ્રાન્ઝિટ વિઝિટ (વિમાન બદલવા પૂરતી) થઈ હોય તો પણ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે?
જવાબઃ ના, એરપોર્ટ પર વિમાન બદલવા પૂરતું જ રોકાણ કર્યું હશે તો ક્વોરેન્ટાઈનમાં રહેવાની આવશ્યકતા નથી.

સવાલઃ ભારતીયોને અનિવાર્ય કામસર વિદેશ જવું પડે તો?
જવાબઃ બને ત્યાં સુધી વિદેશયાત્રા ટાળવા અંગે સરકારે માર્ગદર્શિકા જાહેર કરેલી છે. આમ છતાં કોરોના અસરગ્રસ્ત દેશોની મુલાકાત લેવી હોય તો પરત ફર્યા બાદ 14 દિવસનો ક્વોરેન્ટાઈન ફરજિયાત છે.

હાલ ભારતમાં રહેલાં વિદેશી નાગિરકો માટેઃ
સવાલઃ તેઓ પોતાના વિઝાની મુદત વધારી શકે છે?
જવાબઃ જરૂર વધારી શકે છે. એ માટે તેમણે અગાઉના નિયમો મુજબ નિયત ઓફિસનો સંપર્ક કરવાનો થશે.

સવાલઃ શું તેઓ ભારત છોડ્યા પછી ફરી ભારત પરત આવી શકે છે?
જવાબઃ જો તેઓ 15 એપ્રિલ, 2020 પહેલાં ભારતમાં આવવા ઈચ્છતા હોય તો તેમણે નવેસરથી વિઝાની કાર્યવાહી કરવી પડશે.

ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટેઃ
સવાલઃ હાલ કઈ વિઝા કેટેગરી અંતર્ગત ભારત આવી શકાય?
જવાબઃ નોકરી કે પ્રોજેક્ટ સંબંધિત વિઝા, સંયુક્ત રાષ્ટ્રસંઘ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કામગીરી સંદર્ભે તેમજ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો હાલ ભારત આવી શકે છે.

સવાલઃ વિદેશી નાગરિકત્વ ધરાવતા એવા સગીરો કે બાળકો, જેમનાં માતા-પિતા ભારતીય નાગરિકત્વ ધરાવે છે એ ભારત આવી શકે?
જવાબઃ હા, પરંતુ તેમણે નવેસરથી વિઝા મેળવવા કાર્યવાહી કરવી પડશે.

સવાલઃ નેપાળ, ભુતાન અને માલદિવના નાગરિકો ભારત આવી શકે?
જવાબઃ નેપાળ અને ભુતાનના આવી શકે. માલદિવના નાગરિકોએ વિઝા માટે કાર્યવાહી કરવી પડશે.

સવાલઃ ભારત આવતાં વિદેશીઓ માટે Covid-19 નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત છે?
જવાબઃ ના, દ.કોરિયા અને ઈટાલીના કે એ બે દેશોની મુલાકાત લઈને ભારત આવતાં વિદેશીઓ સિવાય અન્ય કોઈ માટે કોરોના નેગેટિવનું પ્રમાણપત્ર જરૂરી નથી.

સવાલઃ વિદેશીઓ અન્ય દેશમાં જવા માટે ટ્રાન્ઝિટ તરીકે ભારતીય એરપોર્ટમાં પ્રવેશી શકે?
જવાબઃ હા, પરંતુ એ માટે તેમણે મેડિકલ સ્ક્રિનિંગમાંથી પસાર થવું ફરજિયાત છે.

સવાલઃ ઈટાલી કે દ. કોરિયામાં Covid-19 નેગેટિવ પ્રમાણપત્ર કોની પાસેથી મેળવવાનું રહેશે?
જવાબઃ બંને દેશોની માન્ય હોસ્પિટલ કે લેબોરેટરીનું પ્રમાણપત્ર ભારતમાં પણ માન્ય ગણાય છે.

ઓવરસિઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટેઃ
સવાલઃ આવા કાર્ડધારકો બેરોકટોક ભારતમાં પ્રવેશી શકે છે?
જવાબઃ ના, હાલ તેમણે નવેસરથી વિઝાની કાર્યવાહી કરવી પડશે.

સવાલઃ એવાં સગીરો, બાળકો જે વિદેશી નાગરિકતા ઉપરાંત OCI કાર્ડ પણ ધરાવે છે જેમના મા-બાપ ભારતીય છે એ ભારતમાં પ્રવેશ કરી શકે?
જવાબઃ ના, તેમણે પણ નવેસરથી વિઝાની કાર્યવાહી કરવી પડશે.

સવાલઃ દ. કોરિયા કે ઈટાલીની મુલાકાતેથી આવી રહેલાં OCI કાર્ડધારકે Covid-93 નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે?
જવાબઃ હા