કોરોના ઈફેક્ટ, વેકેશનની વિદેશી ટૂર કેન્સલ થવાના કારણે ફોરેન કરન્સી બિઝનેસ ઠપ્પ

કોરોના ઈફેક્ટ, વેકેશનની વિદેશી ટૂર કેન્સલ થવાના કારણે ફોરેન કરન્સી બિઝનેસ ઠપ્પ

। અમદાવાદ ।

કોરોના વાઈરસના કારણે મોટાભાગના ધંધાઓને સીધી અસર થઈ છે. ત્યારે વેકેશનમાં યોજાનારી વિદેશી ટુર કેન્સલ થવાના પગલે ફોરેન કરન્સી ટ્રાન્સફરનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. જેના લીધે આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને માતબર નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. જેમાં ભારત દેશ પણ કોરોનાના કેસોથી બચી શકયો નથી. આ વાઈરસની સૌથી મોટી અસર ટૂર ટ્રાવેલ્સના ધંધાને થઈ છે. જેના લીધે ટૂર ટ્રાવેલ્સની સાથે ચાલતો ફોરેન કરન્સી એકસ્ચેન્જ બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે.  આ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, વેકેશનમાં ૬૦ ટકા લોકો થાઈલેન્ડ, મલેશિયા, બેંગ્કોક, સિંગાપોર જતા હોય છે.

૨૫ ટકા લોકો યુરોપ અને ૧૫ ટકા લોકો દુબઈ જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે કોરોના વાઈરસના પગલે વેકેશનમાં વિદેશની તમામ ટૂરો બંધ થઈ જતાં ટુર ટ્રાવેલ્સ અને ફોરેન કરન્સી એકસ્ચેન્જને વિપરિત અસર થઈ છે. ફોરેન કરન્સી એકસ્ચેન્જનો મોટો ધંધો અમદાવાદ, સુરત, રાજકોટ , વડોદરા અને ભાવનગરમાં ફેલાયેલો છે.

ટુરિઝમમાં બે પ્રકારની વિદેશની ટ્રીપ હોય છે. જેમાં નેસેસરી ટુરિઝમમાં બિઝનેસ અને સ્ટુડન્ટસ વિઝાનો સમાવેશ થાય છે. લેઝર ટુરિઝમમાં લોકો વેકેશનમાં વિદેશમાં મોજ કરવા જતા હોય છે. આ ઉપરાંત ધંધામાં ઓકટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય ઈન બાઉન્ડ હોય છે. જેમાં વિદેશી અને એનઆરઆઈ લોકો ભારત આવતા હોય છે. જેની સિઝન તો હાલ પુરી થઈ ગઈ છે. જયારે આઉટ બાઉન્ડમાં એપ્રિલ, મે અને જૂન માસમાં લોકો વિદેશ ફરવા જતા હોય છે. ત્યારે વિદેશ જતી વખતે વિદેશી કરન્સી લઈને જતા હોય છે. પરંતુ હાલ વિદેશ જવાની ટ્રીપો રદ થતા ફોરેન કરન્સી એકસ્ચેન્જના ધંધાને ભારે અસર થઈ છે. કોરોના કારણે હજુ બીજા કેટલા ધંધાને અસર થશે તેની વેપારીઓને હજુ સુધી જાણ નથી.