નિર્ભયા કેસ / ફાંસી ટાળવાનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ; છેલ્લી ઘડી સુધી વકીલે દોષિતોને બચાવવાનો પ્રયત્ન કર્યો, અંતે નિર્ભયાને ન્યાય મળ્યો

નિર્ભયા કેસ / ફાંસી ટાળવાનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ; છેલ્લી ઘડી સુધી વકીલે દોષિતોને બચાવવાનો પ્રયત્ન કર્યો, અંતે નિર્ભયાને ન્યાય મળ્યો

  • કોર્ટે 5 માર્ચે ચોથુ ડેથ વોરંટ જારી થયુ હતું, આ મહિનાની 20મીએ સવારે 5ઃ30 વાગે ફાંસીનો આદેશ અપાયો છે
  • ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટે દોષિત અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાની અરજી નકારી છે, ફાંસી મોકુફ રાખવા માંગ કરી હતી
  • દોષિત મુકેશ સિંહની અરજી પર પણ સુપ્રીમે વિચાર ન કર્યો, ઘટના સમયે દિલ્હીમાં ન હોવાની દલીલ કરી હતી

નવી દિલ્હીઃ એક દિવસમાં સાત અરજી નામંજૂર કર્યા થયા બાદ હવે નિર્ભયાના દોષિતો છેલ્લા પ્રયાસ રૂપે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. દિલ્હી હાઇકોર્ટમાં ફાંસી પર સ્ટે મુકવાની અપીલ રદ થયા બાદ દોષિતોના વકીલ એ.પી.સિંહ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર પાસે અરજી દાખલ કરવા પહોંચ્યા હતાં. જ્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જજે પણ વકીલની દલીલોને પાયાવિહોણી ગણાવીને ફાંસી પર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી હતી. નિર્ભયાના દોષિતો મુકેશ, પવન, વિનય અને અક્ષયને આજે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવાની છે અને તિહાર જેલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાત્રે 11.15 વાગ્યા સુધી દિલ્હી હાઈકોર્ટમાં દોષિતોની એક અરજી પર સુનાવણી ચાલુ રહી
નિર્ભયાના ગુનેગારોએ ફાંસીના 6 કલાક પહેલા સુધી મોતથી બચવા પેંતરા કરતા રહ્યા હતા. રાત્રે 11.15 વાગ્યા સુધી દિલ્હી હાઈકોર્ટમાં દોષિતોની એક અરજી પર સુનાવણી ચાલુ રહી હતી. જસ્ટિસ મનમોહન અને સંજીવ નરુલાએ દોષિતોના વકીલ એ.પી.સિંહને આડે હાથે લેતાં કહ્યું કે સમજવાનો પ્રયત્ન કરો. તમારા અસીલનો ભગવાન પાસે પહોંચવાનો સમય નજીક આવી ગયો છે. અમારો સમય બરબાદ ન કરો. રાત્રે 12:00 વાગ્યે તેમની અરજી ફગાવી દેવાઈ હતી. જોકે દોષિતોના વકીલ સુપ્રીમકોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ ભાનુમતી અને કેટલાક કર્મચારીઓ રાત્રે 12:00 વાગ્યા સુધી કોર્ટમાં હાજર હતા. નિર્ભયાની માતા આશાદેવી પણ તાત્કાલિક સર્વોચ્ચ અદાલત પહોંચ્યાં હતાં. તેમણે પણ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દોષિતોને ફાંસી જરૂર થશે.

લાઈવઃ

3.35AM : નિર્ભયાની માતા આશાદેવીએ આંખમાં આંસુ સાથે કહ્યું, મારી દીકરીને જ નહિ પરંતુ બળાત્કાર પીડિત દેશની દરેક દીકરીને આજે ન્યાય મળ્યો છે.

3.32AM : ગુનેગાર પવનની અરજી સર્વોચ્ચ અદાલતે પણ ખારિજ કરી દીધી છે. હવે નિયત આદેશ મુજબ સવારે 5.30 વાગ્યે તિહાર જેલમાં ચારે ય ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવામાં આવશે.

3.27AM : સર્વોચ્ચ અદાલત કોર્ટ નં. 5માં જસ્ટિસ ભાનુમતિએ ચુકાદો લખાવવાની શરૂઆત કરી.

3.24AM : અક્ષયની પત્નીએ દલીલ કરી કે મેં છૂટાછેડાની અરજી કરી છે તેનો નિકાલ ન આવે ત્યાં સુધી ફાંસીનો અમલ ન થવો જોઈએ. હું વિધવા તરીકે મારી જિંદગી વિતાવવા નથી માંગતી.

3. 22AM : ગુનેગાર અક્ષયની પત્ની પણ અદાલત પરિસરમાં મોજુદ. પતિ સાથે એક મુલાકાત માટે તેણે અદાલત સમક્ષ માગણી રજૂ કરી છે.
3.17AM : નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું, અમે વર્ષોથી ન્યાય માટે સંઘર્ષ કર્યો છે. આજે નિયત સમય મુજબ ગુનેગારોને ફાંસી થશે જ.

3.11AM: બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ ભાનુમતિ વિચારણા માટે 10 મિનિટ માટે પોતાની ચેમ્બરમાં ગયા છે. આવીને તરત ચૂકાદો જાહેર કરે એવી શક્યતા

3.09AM : કોરોના સંક્રમણને ટાળવાના હેતુથી જાહેર થયેલી ગાઈડલાઈન મુજબ અદાલત પરિસરમાં મર્યાદિત લોકો હાજર. નિર્ભયાના માતા-પિતા પણ પરિસરની બહાર ગાડીમાં બેઠાં છે.

3.08AM : ગુનેગારોના વકીલ ઓ.પી.સિંહે દલીલ કરતાં કહ્યું કે, હજુ મારા અસીલોની એક અપીલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસે પેન્ડિંગ છે.

ફાંસીની પ્રક્રિયા

  • દોષિતોને અંજામ સુધી પહોંચાડવાની પ્રક્રિયા બે કલાકમાં પૂરી થાય છે, ફાંસી પહેલાં નવાં કપડાં અપાય છે
  • સવારે ચારેય દોષિતોને ફાંસી માટે જગાડાય છે. સ્નાન પછી ચા આપવામાં આવે છે. જો કોઈ કંઈ ખાવાનું માંગે તો તે પણ આપવામાં આવે છે.
  • જેલમાં જ બનેલા નવા સુતરાઉ કપડાં પહેરવા માટે અપાય છે. જરૂરી નથી કે તેઓ આ કપડાં પહેરે જ.જો તેઓ ઈચ્છે તો જૂના કપડાંમાં પણ જઈ શકે છે.
  • મેજિસ્ટ્રેટ પહોંચે છે, દોષિતોને તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે. કેદીઓના હાથ બાંધવામાં આવે છે અને તેમને ફાંસી માટે લઈ જવાય છે.
  • ફાંસીઘર પહોંચ્યા પછી ચારેય કેદીઓના પગ દોરીથી બાંધવામાં આવે છે. સાથે જ કાળા કપડાંથી તેમનો ચહેરો ઢાંકી દેવામાં આવે છે.
  • દોષિતોની ડોક્ટરો તપાસ કરે છે. નિયત સમય થતાં જ ડીએમ કે એસડીએમ જલ્લાદને હાથ બતાવી લિવર ખેંચવાનો ઈશારો કરે છે.
  • બોડી નીચે લટકી જાય છે. ત્રણ-ચાર મિનિટમાં બોડી સ્થિર થઈ જાય છે. શબ પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપવામાં આવે છે.

3 દોષિતોએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી

એડિશનલ સેશન્સ કોર્ટમાં દોષિત અક્ષય સિંહ ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાએ અરજી કરી હતી, જેમાં ફાંસી નહીં આપવા વિનંતી કરી હતી. સરકારી વકીલના એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું હતું કે અક્ષય અને પવનની બીજી દયા અરજી આ આધાર પર નકારી દીધી હતી, કારણ કે પહેલી દયા અરજી પર જ આ અંગે નિર્ણય લેવાઈ ગયો હતો.
નિર્ભયાની માતાને આશા

નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું છે કે કોર્ટે દોષિતોને અનેક તક આપી છે. તેને લીધે દરેક વખતે ફાંસીમાં વિલંબ થયો છે. હવે આપણી કોર્ટો તેમના કાવતરાને સમજી ગઈ છે. નિર્ભયાને આવતીકાલે ન્યાય મળશે. દરમિયાન ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટની બહાર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. સુનાવણી દરમિયાન અક્ષયની પત્ની બેભાન થઈ ગઈ હતી.

ત્રણ ડેથ વોરંટ રદ્દ થયા

  • પહેલી વખત- 22 જાન્યુઆરીની સવારે 6 વાગે ફાંસી થવાની હતી, પણ તે ટળી હતી
  • બીજી વખત- 1લી ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવા ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું, પણ ફાંસી ન થઈ.
  • ત્રીજી વખત- 3 માર્ચની સવારે 6 વાગે ફાંસી થવાની હતી, પણ દોષિત પવન પાસે કાયદાકીય વિકલ્પ હોવાથી ફાંસી ટળી
  • ચોથી વખત- દિલ્હી કોર્ટે 5 માર્ચની સવારે 5.30 વાગે ફાંસી આપવા આદેશ કર્યો હતો.

16 ડિસેમ્બર 2012: 6 દોષિતોએ નિર્ભયા સાથે દુષ્કર્મ આચર્યું હતું

દિલ્હીમાં પેરામેડિકલની વિદ્યાર્થી સાથે 16 ડિસેમ્બર, 2012ના રોજ રાત્રે 6 લોકોએ ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઈજાને લીધે 26 ડિસેમ્બરે સિંગાપુરમાં ઈલાજ સમયે નિર્ભયાનું મોત થયું હતું. ઘટનાના 9 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર 2013માં નીચલી કોર્ટે 5 દોષિતો રામ સિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા કરી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટે અને મે,2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને યથાવત રાખી હતી. ટ્રાયલ સમયે મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષિત સગીર હોવાથી 3 વર્ષમાં સુધાર ગૃહમાંથી છૂટી ગયો હતો.