સમગ્ર દેશમાં ૨૧ દિવસ સંપૂર્ણ લોકડાઉન

સમગ્ર દેશમાં ૨૧ દિવસ સંપૂર્ણ લોકડાઉન

। નવી દિલ્હી ।

ભારતમાં દુનિયાના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે ૮ કલાકે પ્રજાજોગ સંબોધનમાં આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંગળવારે રાત્રે ૧૨ કલાકથી જ લોકડાઉન લાગુ થઈ જશે. આ એક પ્રકારનો કરફ્યૂ જ છે. લોકો દ્વારા જનતા કરફ્યૂમાં શાંતિ જાળવવામાં આવી હતી પણ ત્યાર બાદ બે દિવસ સુધી લોકોએ નિયમોનો ભંગ કર્યો અને સરકારને સાથ ન આપ્યો. લોકોના સ્વાસ્થ્ય અને સારા ભવિષ્ય માટે આ નિર્ણય લેવો પડે તેમ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, આગામી ૨૧ દિવસ સુધી લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિમાં કોઈ બાંધછોડ કરાય તેમ નથી. ભારત જે તબક્કે છે તે તબક્કે ઝડપથી નિર્ણય લેવો પડશે, કારણ કે આપણા નિર્ણય જ આપણું ભાવિ નક્કી કરશે. આ સ્થિતિ જનતા કરફ્યૂ કરતાં વધારે આકરી છે. કોરોનાની સાઈકલ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. જ્યાં સુધી ઘરના દરવાજે સંયમની લક્ષ્મણરેખા ખેંચીને અંદર નહીં રહીએ ત્યાં સુધી કશું જ શક્ય નથી.

ભયંકર પરિણામ ભોગવવું પડે તેમ છે

વડા પ્રધાને જણાવ્યું કે, જ્યાં સુધી લોકો જવાબદાર નહીં બને ત્યાં સુધી કશું જ શક્ય નથી. આપણે જો બેદરકારી દાખવી તો ભારતે તેનું ભયંકર પરિણામ ભોગવવું પડશે. રાજ્ય સરકારે પણ લોકડાઉનના પ્રયાસોને ગંભીરતાથી લેવા પડશે. કોરોના સામે લડવા માટે આવા પગલાં આવશ્યક છે.

શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ ધરાવતા દેશો પણ લાચાર

મોદીએ જણાવ્યું કે, દુનિયામાં કોરોનાના પહેલાં ૧ લાખ કેસ સામે આવવામાં ૬૭ દિવસ લાગ્યા હતા. ત્યાર પછી એક લાખ કેસ માત્ર ૧૧ દિવસમાં સામે આવ્યા અને ત્યારપછીના ૧ લાખ કેસ માત્ર ૪ દિવસમાં સામે આવ્યા. વિશ્વની શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ ધરાવતા આ દેશો કોરોના સામે લાચાર છે.

હું હાથ જોડીને તમને વિનંતી કરું છું : પીએમ

આ લોકડાઉનના આર્થિક પરિણામો દેશે ભોગવવા પડશે પણ પ્રત્યેક ભારતીયનું જીવન, તમારા પરિવારને બચાવવો તે મારી, ભારત સરકારની, રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તમને મારી પ્રાર્થના છે, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે, તમે લોકો જ્યાં છો ત્યાં જ રહો. આ ત્રણ અઠવાડિયા આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. ૨૧ દિવસનો સમયગાળો કોરોનાના ચક્રને તોડવા ખૂબ જ મહત્ત્વનો છે. એક વડા પ્રધાન તરીકે નહીં પણ તમારા પરિવારના એક સભ્ય તરીકે હું તમને વિનંતી કરું છું કે, ઘરની બહાર ન નીકળશો. બહાર નીકળવું શું છે તે ૨૧ દિવસ માટે ભૂલી જાઓ.

જે લોકો જીવના જોખમે કામ કરે છે તેમના વિશે વિચારો

વડા પ્રધાને કહ્યું કે, બહાર નીકળતા પહેલાં જે લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને ફરજ ઉપર હાજર છે, તેમના વિશે પણ વિચારો. ડોક્ટર્સ, નર્સ, હોસ્પિટલના કર્મચારીઓ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર્સ, સુરક્ષાકર્મીઓ, સફાઈ કર્મચારીઓ વિશે વિચારો જે જીવ જોખમમાં નાખીને તમારી સેવા કરે છે. જે હોસ્પિટલમાં જઈને, રસ્તા ઉપર ફરીને તમને ૨૪ કલાક ન્યૂઝ પૂરા પાડે છે તે મીડિયા કર્મીઓ વિશે વિચારો. જે ઘર પરિવારની ચિંતા કર્યા વગર ફરજ ઉપર હાજર છે તે પોલીસકર્મીઓ વિશે વિચારો.

આ સેવાઓ બંધ રહેશે ।

ભારત સરકારની ઓફિસ, સરકારી નિગમ.  રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કચેરીઓ, ઓટોનોમસ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી. અન્ય તમામ દુકાનો, ઓફિસ, મોલ્સ, મલ્ટિપ્લેક્સ, જાહેર સ્થળો બધું જ બંધ રહેશે.

આ સેવાઓ ચાલુ રહેશે ।

  • રેશનિંગ-કરિયાણાની દુકાનો, ફળ શાકભાજીની દુકાનો, ડેરી-મિલ્ક બૂથ, પશુઓના ચારાની દુકાનો
  • હોસ્પિટલ, ડિસ્પેન્સરી, કેમિસ્ટ, મેડિકલ ઈક્વિપમેન્ટની દુકાનો, લેબોરેટરીઝ, ક્લિનિક, ર્નિંસગ હોમ, એમ્બ્યુલન્સ
  • ફૂડ, દવાઓ, મેડિકલ ઈક્વિપમેન્ટની ઈ-કોમર્સ ડિલિવરી
  • પેટ્રોલ પમ્પ, એલપીજીના રિટેલ અને સ્ટોરેજ આઉટલેટ
  • બેન્ક, ઈન્સ્યોરન્સ ઓફિસ અને એટીએમ, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા