આણંદ / અમેરિકામાં વસતાં આંકલાવના યુવકની ગેસ સ્ટેશન પર હત્યા

આણંદ / અમેરિકામાં વસતાં આંકલાવના યુવકની ગેસ સ્ટેશન પર હત્યા

આણંદ. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા અને ગેસ સ્ટેશન ધરાવતા 47 વર્ષીય મૂળ ભારતીય યુવક સાથે ગુરૂવારે રાત્રે નીગ્રો યુવકે બોલાચાલી કરી હત્યા કરી દેતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, સ્થાનિક પોલીસે શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
દક્ષિણ ફ્લોરિડા પોલીસને સમગ્ર બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમણે ગેસ સ્ટેશનમાં રહેલા સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર ઘટના ગુરૂવારે સાંજે 8.27ના રોજ બની હતી. 8.20 વાગ્યે એક નીગ્રો યુવક આંકલાવની મોટી ખડકીમાં રહેતા અને અમેરિકાના ફ્લોરિડામાં સ્થાયી થયેલા ધર્મિક ચીમનભાઈ પટેલના ફ્લોરિડા સ્થિત એવન પાર્કમાં આવેલા તેમના સેવન ડેઈઝ ગેસ સ્ટેશન પર આવ્યો હતો.

શખ્સે અનેક વખત ચપ્પાના ઘા ઝીંકી દીધા

તેણે તેમની સાથે પ્રાથમિક વાતચીત બાદ બોલાચાલી કરી હતી. જેને પગલે કેશ કાઉન્ટર પાસે ઊભા રહેલા ધર્મિક પટેલ બહાર આવ્યા હતા. દરમિયાન બંને વચ્ચેની બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. એ સમયે પરત કાઉન્ટરમાં જઈ રહેલા ધર્મિક પટેલ પર પાછળથી શખ્સે અનેક વખત ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, એ સમયે ગેસ સ્ટેશન પર હાજર રહેલા એક ગ્રાહકે યુએસના ઈમરજન્સી નંબર 911 પર ફોન કરી પોલીસને સમગ્ર બનાવની જાણ કરી દીધી હતી. જેને પગલે તાબડતોડ પહોંચી ગયેલી પોલીસે શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.