દવાખાનાં નહીં ખોલનારા 280 ડૉક્ટરોને નોટિસ અપાતા રોષ, અમે બળવો કરીશું તો તકલીફ થશે : ડૉક્ટર્સ

દવાખાનાં નહીં ખોલનારા 280 ડૉક્ટરોને નોટિસ અપાતા રોષ, અમે બળવો કરીશું તો તકલીફ થશે : ડૉક્ટર્સ

  • AMCના નોટિસ રાજ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનો વિરોધ
  • ડૉક્ટરો ક્લિનિક ખોલવા તૈયાર, પોલીસ દર્દીઓને આવવા દેતી નથી
  • આ લોકશાહી છે અધિકારીઓનું તાનાશાહી વલણ સ્વીકાર્ય નથી
  • ડૉક્ટરો ભણેલા છે, જવાબદારી જાણે છે, તમે ધમકાવો એ નહીં ચાલે

અમદાવાદ. પ્રાઇવેટ ડોક્ટરોને ક્લિનિક અને નર્સિંગ હોમ ખોલવા બાબતે સરકારી અધિકારીઓએ પાઠવેલી નોટિસ અને તેમાં વપરાયેલી ભાષાના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ નોટિસને સખત શબ્દોમાં વખોડી છે. ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, તમે ધમકાવશો અને બળવા પર ઊતરીશું તો તકલીફ થશે.
અમદાવાદ મેડિકલ એસો.નાં પ્રેસિડન્ટ ડો. મોના દેસાઈએ જણાવ્યું છે કે, કોર્પોરેશને જે રીતે ડોક્ટરોને નોટિસ આપી છે અને તેમાં જે ધમકી અને ડરાવવા માટે શબ્દપ્રયોગ થયો છે તે કોઈ પણ રીતે ચલાવી શકાય તેમ નથી. અમને અમારી ફરજ ખબર છે અને નિભાવીએ છીએ. લૉકડાઉનના સમયમાં અમે ક્લિનિક ચાલુ રાખવા તૈયાર છીએ, પણ દર્દીને  ક્લિનિક સુધી પોલીસ આવવા જ દેતી નથી. કોર્પોરેશને ડોક્ટરોને નોટિસો આપવાને બદલેે દર્દીને હોસ્પિટલ જવાની છૂટછાટ આપવાની સાથે આસાનીથી હોસ્પિટલ સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
લૉકડાઉનમાં એક એવો કિસ્સો બતાવો કે શહેરમાં કોઇ દર્દી ડોક્ટરની સારવાર વિના મરી ગયું હોય. ઊલટાનું અમે દવાખાના ખોલીને બેસીએ છીએ, દર્દીને આવવું હોય છે, પણ પોલીસ આવવા દેતી નથી. ખાલી એડમિનિસ્ટ્રેશનથી કશું નહિ થાય. પોલીસ, એડમિનિસ્ટ્રેશન અને ડોક્ટરે પરસ્પર કામ કરવાનું હોય. 
જ્યારે ઇન્ડિયન મેડિકલ એસો.ના માનદમંત્રી ડો. કમલેશ સૈનીએ જણાવ્યું કે, આ મહામારીને પહોંચી વળવા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત અને લોકલ બ્રાન્ચ સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી સેવાઓ આપી રહી છે. તાજેતરમાં કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા દવાખાનાં નહિ ખોલો તો લાઇસન્સ રદ કરવાની નોટિસ અને ધમકીનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવા અધિકારીઓની જોહુમકમીથી વાતાવરણ ડહોળાય છે અને તેનાથી ગુજરાતને નુકસાન થાય છે. સરકારી અધિકારીઓનાં તઘલખી નિર્ણયો અને આયોજને રાજ્યમાં મુશ્કેલી વધારી છે. 
લોકશાહીમાં આ અધિકારીઓનું તાનાશાહી વર્તન સ્વીકાર્ય નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દરેક કપરી પરિસ્થિતિમાં પોતાની સેવા આપી છે. હાલ પણ દર્દીઓની સેવા સારી રીતે ચાલે છે. કોઈ ફરિયાદ નથી આવી. અમે દર્દી અને સમાજને સમર્પિત રહીશું. જોકે લોકશાહીમાં દરેક પ્રશ્નનો ઉકેલ સંવાદની ભૂમિકાથી આવી શકે છે.
‘અમે અમારી જવાબદારી જાણીએ છીએ’
ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, તમામ ડોક્ટરોએ એમબીબીએસ, એમડી અને એમએસ સુધીનો અભ્યાસ કરેલો છે અને અમે અમારી જવાબદારી સારી રીતે જાણીએ છીએ. બધા પોતાની વોલેન્ટરી સર્વિસ આપી રહ્યાં છે. કોઈ કોઈની પર ઉપકાર કરતું નથી, પણ તમે ધમકાવો અને ડોક્ટરો બળવા પર ઊતરશે તો તકલીફ થશે.