‘હું ઉપરવાળાને રોજ કહું છું કે, મને ઉપર બોલાવી લે, એક મહિલા કોરોનાથી એવી ફફડી કે વારંવાર હાથ ધુએ, કપડાં બદલે…’

‘હું ઉપરવાળાને રોજ કહું છું કે, મને ઉપર બોલાવી લે, એક મહિલા કોરોનાથી એવી ફફડી કે વારંવાર હાથ ધુએ, કપડાં બદલે…’

સાહેબ.. મારે હવે જીવવું જ નથી.હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું છું કે, મને ઉપર બોલાવી લે. સાહેબ આ જિંદગીમાં હવે કશું રહ્યું નથી. આ કોરોનાએ જિંદગી તબાહ કરી નાખી છે. મને કોરોના થશે તો હું ભગવાનના ધામમાં જતો રહીશ, પરંતુ મારા ફેમિલીનું શું થશે ? તેમને કોણ બચાવશે, કોણ સાચવશે ? સાહેબ તમે જ કહો, કંઈ કહો.

કોઈ એક સામાન્ય માનવી નહીં, પરંતુ પાંસઠ વર્ષના એક એલોપથિક ડોક્ટર શહેરના જાણીતા એવા મનોચિકિત્સક ડો. નિમીષ પરીખ સમક્ષ આ વેદના ઠાલવી રહ્યા હતા. કોરોનાના ખતરનાક ખેલ અને લોકડાઉનના વધતા જતા દિવસોથી ડિપ્રેશનમાં આવી ગયેલા આ એલોપથિક ડોક્ટરને વારંવાર સમજાવતા ડો. પરીખે એમ કહ્યું કે, ડોક્ટર સાહેબ, સૌ સારા વાના થઈ જશે, ચિંતા ના કરો, આપને કોરોના થવાનો જ નથી પછી ડર શાનો રાખો છો ? આપ પોતે પણ ડોક્ટર છો.

પરંતુ મનોચિકિત્સક ડોક્ટરના સતત કાઉન્સિલિંગ પછીયે પણ પેલા એલોપથિક ડોક્ટર કોરોના શબ્દ ભૂલવા તૈયાર નથી અને દિવસ-રાત એક જ રટણ કર્યા કરે છે કે, બસ હવે જિંદગીમાં જીવવા રહ્યું છે જ શું ?

તો વળી સાઠ વર્ષની એક મહિલાએ આવીને ડો. પરીખને એમ કહ્યું કે, મારે હવે જીવવું નથી તેવી કોઈ દવા આપોને ? આ કોરોના ફોરોનાની તકલીફ્માં જીવવા કરતાં મરી જઉં સારું. મરવાનું એક જ વખત છે ને ? લોકડાઉને તો મને ગાંડી કરી નાખી છે. કોરોના થાય તો હોસ્પિટલમાં રિબાઈ રિબાઈને મરવું પડે.. આ મહિલા એટલાં બધાં ડિપ્રેશનમાં આવી ગઈ છે કે, કોઈની કોઈ વાત સાંભળવા તૈયાર નથી કે માનવા તૈયાર નથી. એક જ જીદ ઘરના સૌને માથે લઈ રહી છે કે, મારે રિબાઈ રિબાઈને મરવું નથી.

જ્યારે એક કિસ્સામાં તો પિસ્તાલીસ વર્ષની એક મહિલા કોરોનાના નામથી એવી ફફ્ડી ગઈ છે કે, સાબુથી વારંવાર હાથ ધોયા કરે છે, કપડાં બદલ્યા કરે છે, ચોવીસ કલાક ચંપલ પહેરી રાખે છે. પતિને વારંવાર એમ કહ્યા કરે છે કે, તમે બહાર ના જાવ, હાથ ધૂઓ, પગ ધૂઓ. જો એમ નહીં કરો તો કોરોના તમને મારી નાખશે. પત્નીના ભયને દૂર કરવા પતિએ ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ ચોવીસ કલાકની સમજાવટ નિષ્ફ્ળ જતા પતિએ પત્નીને માર માર્યો. પરંતુ પત્ની હજી ટસની મસ થતી નથી. ગાંડીની જેમ બબડયા જ કરે છે કરે બહાર ના જાવ, કોરોના ખાઈ જશે.

ડો. પરીખે કહ્યું કે, ચોવીસ વર્ષના એક યુવાનના મનમાં એવો વહેમ પેસી ગયો છે કે, મને કોરોના થઈ ગયો છે, મારે ટેસ્ટ કરાવવો જ છે. પરિવારના સૌ તેમને સમજાવી રહ્યા છે કે, ભાઈ તને કોરોના થયો જ નથી પછી ટેસ્ટ શાનો ? પણ પેલો યુવાન એવી દલીલ કરતો રહે છે કે, જુઓ મારું ગળું ખરાબ થઈ ગયું છે.

ટેમ્પરેચર છે. તાવ છે ને તમે ટેસ્ટ કરવાની ના પાડો છો. હું ટેસ્ટ કરાવીને જ રહીશ. મારે કોરોનાથી મરી જવું નથી.  કોરોનાના કારણે લોકોની જીંદગીમાં એટલો બધો બદલાવ આવ્યો છે કે ખુદ મનોચિકિત્સકો પણ આૃર્યમાં મુકાયા છે. તેમને પણ સમજાતું નથી કે કોરોનાનો ભય કેવી રીતે દૂર કરવો. હાલમાં શહેરના મોટાભાગના મનોચિકિત્સકો પાસે કોરોનાથી ભય હોય તેવા દર્દીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે.

મોટાભાગના દર્દીઓને કોરોનાથી મૃત્યુ થવાનો સૌથી વધુ ડર લાગી રહ્યો છે. તેઓ ડોક્ટર પાસે પણ આ દુઃખ, ભય, ડરને ભૂલી જવાય તેવી દવાની માગણી કરી રહ્યાં છે. માનસિક રીતે નબળાં હોય તેવા લોકો પર વધુ અસર થઈ રહી છે. હજુ સુધી ક્યાં સુધી આવા કેસો આવતા રહેશે અને લોકો હેરાન થશે તેનો કોઈ અંદાજ નથી.