1999 પછીનું સૌથી ભયંકર તોફાન અમ્ફાન: આજે બપોરે બંગાળના કિનારે તબાહી મચાવશે!

1999 પછીનું સૌથી ભયંકર તોફાન અમ્ફાન: આજે બપોરે બંગાળના કિનારે તબાહી મચાવશે!

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું ચક્રવાત અમ્ફાન બુધવારે પશ્ચિમ બંગાળના દરિયાકિનારા સાથે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુપર સાઇક્લોન બનેલું અમ્ફાન ૨૦મી મેની બપોર બાદ અથવા સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના કિનારા પર લેન્ડ ફોલ કરશે. મુખ્યત્વે પશ્ચિમ બંગાળના ડીઘા અને બાંગ્લાદેશના હતિયા ટાપુ વચ્ચે સાઇક્લોન જમીન સાથે ટકરાય તેવી સંભાવના છે. જેના કારણે ૧૫૫થી ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની ચેવણી આપવામાં આવી છે. તોફાની પવનોની સાથે અતિભારે વરસાદ થવાની અને દરિયામાં ૪થી પાંચ મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના ઇસ્ટ મિદનાપુર, સાઉથ અને નોર્થ ૨૪ પરગણા, હાવરા, હુગલી અને કોલકાતા જિલ્લાઓમાં વાવાઝોડું ભારે તબાહી સર્જે તેવી સંભાવના છે. ઓડિશામાં પણ જગતસિંહ પુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લાઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. બંને રાજ્યોમાં ૨૪ કલાકના કન્ટ્રોલ રૂમ અને વીજળી પુનઃસ્થાપિત કરવાની મિકેનિઝમ તૈયાર રખાઇ છે. મંગળવાર સાંજથી જ અમ્ફાને ઝડપ પકડી હતી. તોફાની પવનો સાથે બંને રાજ્યોના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હતો.

તાજા અહેવાલો અનુસાર સુપર સાઇક્લોન અમ્ફાન ભારતીય કિનારા તરફ આગળ વધતાં થોડું નબળું પડયું છે. અમ્ફાનની આંખ સુંદરવનનાં જંગલોમાંથી પસાર થવાની સંભાવના છે. સૌથી વધુ અસરગ્રસ્ત થાય તેવા પશ્ચિમ બંગાળના દરિયાકિનારાના વિસ્તારોમાંથી વધુ ૩ લાખ જેટલા લોકોને સલામત સ્થળે રાહત કેમ્પોમાં સ્થળાંતર કરાવાયું છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ૪૧ ટીમ તહેનાત કરવામાં આવી છે. એનડીઆરએફની ૬ બટાલિયનને સ્ટેન્ડબાય રખાઇ છે. ભારતીય નૌૈકાદળે કોલકાતા ખાતે ડાઇવિંગ ટુકડીઓ મોકલી આપી છે. તે ઉપરાંત બીએસએફની પેટ્રોલ બોટ, શિપને સુંદરવનમાં તહેનાત કરાઇ છે. ટેલિકોમ અને ઉર્જા મંત્રાલયોના અધિકારીઓને પણ આ રાજ્યોમાં મોકલી અપાયાં છે.

માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી, રેલવે અને સડક વ્યવહાર બંધ કરવા સલાહ

ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના માછીમારોને ૨૦મી મે સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી જારી કરી છે. તે ઉપરાંત બંને રાજ્યોની સરકારોને સુપરસાઇક્લોનના માર્ગમાં આવતા વિસ્તારોમાં રેલવે અને સડક વ્યવહાર બંધ કરવાની સલાહ આપવામાં આવી છે. રેલવે વિભાગને પણ કેટલીક ટ્રેન ડાઇવર્ટ કરવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

પૂર્વ કિનારા પરના આઠ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, કર્ણાટકના ૧૫ જિલ્લામાં યલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગે ભારતના પૂર્વ કિનારા પર આવેલા રાજ્યો તામિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને આસપાસના દરિયાકિનારાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પશ્વિમ બંગાળ અને ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટની જાહેરાત કરાઇ છે. કર્ણાટકના ૧૫ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

અમિત શાહે મમતા બેનરજી અને નવીન પટનાઇકને તમામ સહાયની ખાતરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બંને રાજ્યોના મુખ્યમંત્રી મમતા બેનરજી અને નવીન પટનાઇક સાથે વાત કરી હતી. અમિત શાહે સાઇક્લોન અમ્ફાનને કારણે સર્જાનારી સ્થિતિને પહોંચી વળવા બંને રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી શક્ય એટલી તમામ સહાય આપવાની ખાતરી આપી હતી.

૧૯૯૯માં ઓડિશામાં ત્રાટકેલા સુપર સાઇક્લોને ૯,૦૦૦નો ભોગ લીધો હતો

ભારતીય હવામાન વિભાગના ડીજી એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ૧૯૯૯ પછી બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું આ સૌથી ભયાનક વાવાઝોડું છે. હાલ દરિયામાં તેની ઝડપ ૨૦૦થી ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. તે હાલ ૧૫ કિમી પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે પરંતુ તેની ઝડપ વધવાની સંભાવના છે. ૧૯૯૯ના સુપર સાઇક્લોને ૯,૦૦૦ કરતાં વધુ લોકોનો ભોગ લીધો હતો.