લો કરલો બાત! / 125 વખત મેસેજ આવ્યો કે, ‘આઈટીનું રૂ.10 રિફંડ જમા થયું છે’, પરંતુ પૈસા હજુ મળ્યા નથી

લો કરલો બાત! / 125 વખત મેસેજ આવ્યો કે, ‘આઈટીનું રૂ.10 રિફંડ જમા થયું છે’, પરંતુ પૈસા હજુ મળ્યા નથી

એડવોકેટ સહિત અનેક કરદાતાઓને જાન્યુઆરી માસથી મેસેજ આવે છે

રાજકોટ. નાણાકીય વર્ષ 2018-19 ના રિફંડ આપવાની પ્રક્રિયા અનેક વખતથી બંધ થઈ ગઈ છે. આમ છતાં રાજકોટના અનેક કરદાતાને 10 રૂપિયાના રિફંડ માટે મેસેજ અને મેલ આવી રહ્યા છે. એક એડવોકેટને અત્યાર સુધી 125 વખત મેસેજ આવ્યા છે, પણ આ રકમ હજુ સુધી જમા થઇ નથી. નિયમ મુજબ 100 રૂપિયાથી ઓછી રકમનું રિફંડ મળવા પાત્ર પણ નથી.આમ છતાં આવા મેસેજ આવતા કરદાતાઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે.

કેમ આવે છે તે અંગે કોઇ ખુલાસો નહીં
એડવોકેટ હરેન પંડ્યા જણાવે છે કે, આ પ્રકારનો મેસજ જાન્યુઆરી મહિનાથી ચાલુ છે. રિફંડ રિલીઝ કરવાની કામગીરી આઈટી ડિપાર્ટમેન્ટ તરફથી થાય છે. રિફંડ ઓનલાઈન જમા થાય છે. જ્યારે રૂ.10 રિફંડ માટેના જે મેસેજ આવે છે તે એસબીઆઈથી આવે છે. મને અત્યાર સુધીમાં 125 થી વધુ મેસેજ આવ્યો છે.મારે તો એસબીઆઈમાં એકાઉન્ટ છે પણ નહીં. જો કે ક્યા કારણોસર આવે છે તે હજુ જાણવા મળ્યું નથી. સાવ સામાન્ય રકમના રિફંડ માટેના મેસેજ આવતા કરદાતામાં આશ્ચર્ય ફેલાયું છે. એકબાજુ કરદાતાઓની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આવકવેરા વિભાગે ઓનલાઈન અરજી કરવાની સિસ્ટમ શરૂ કરી છે.જેમાં કરદાતા ટીડીએસ મિસમેચ, ભૂલ સુધારણા, ટેક્સ ભર્યો હોય પણ રિફંડ મળતું ન હોય તે સહિત બધા જ પ્રકારની અરજી કરી શકાશે. ત્યારે આ મેસેજ જાન્યુઆરી માસથી આવે છે, પણ હજુ સુધી બંધ નહીં થતા કરદાતાઓમાં આશ્ચર્ય ફેલાયું છે.

100 રૂપિયાથી નીચેની રકમનું રિફંડ હોય તો તે જમા થતું નથી 
નિયમ મુજબ ઓછામાં ઓછી 100 રૂપિયાની જ રકમનું રિફંડ જમા થતું હોય છે, પણ તેથી ઓછી રકમ હોય તો રિફંડ જમા થતું નથી. રિફંડ કેટલી રકમનું આપવું તે બધો જ નિર્ણય સીબીડીટી દિલ્હીથી લેવામાં આવતો હોય છે. ત્યારબાદ રાજ્યના ચીફ કમિશનરને રકમ ડિવાઈડ કરી દે છે. જે શહેર વાઈઝ ફાળવી દેવામાં આવે છે. 100 રૂપિયાથી ઓછી રકમ હોય તો તે રાઉન્ડફિગર બની જાય છે. – આઈ.સી.ભટ્ટ, ઈન્કમટેક્સ અધિકારી