એટલાન્ટામાં વધુ એક અશ્વેતની પોલીસ દ્વારા હત્યાને પગલે અમેરિકામાં હિંસા ભડકી

એટલાન્ટામાં વધુ એક અશ્વેતની પોલીસ દ્વારા હત્યાને પગલે અમેરિકામાં હિંસા ભડકી

। એટલાન્ટા/વોશિંગ્ટન ।

અમેરિકાના એટલાન્ટામાં નશામાં વાહન ચલાવવાના આરોપમાં ધરપકડની કાર્યવાહી વખતે એક અશ્વેત આરોપી રેશાર્ડ બ્રૂક્સની પોલીસ દ્વારા હત્યાને પગલે ફરી હિંસા ભડકી છે. વોશિંગ્ટનમાં દેખાવકારોએ રસ્તા પર સૂઈ જઈને રસ્તા રોક્યા હતા. એટલાન્ટા સહિત કેટલાક શહેરોમાં હજારો લોકો પોલીસ કાર્યવાહીના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. સત્તાવાળાઓએ ગોળી ચલાવનાર પોલીસ અધિકારીને તત્કાળ ર્ટિમનેટ કર્યો હતો. એટલાન્ટા સહિત કેટલાક શહેરોમાં રોષે ભરાયેલા લોકોએ વાહનોને તેમજ જાહેર માલમિલકતને આગ ચાંપી હતી.

એટલાન્ટાની વેન્ડી રેસ્ટોરાં નજીક ઘટના બન્યા પછી દેખાવકારોએે રેસ્ટોરાંને આગ લગાવીને ફૂંકી મારી હતી. નજીક આવેલા શોપિંગમાં કેટલીક દુકાનો સળગાવી હતી. નજીકના હાઈવે ૭૫ પર વાહનો રોકીને ચક્કાજામ કર્યું હતું. સરકાર અને પોલીસ વિરુદ્ધ નારાબાજી કરી હતી. પોલીસે કેટલાક દેખાવકારોની ધરપકડ કરી હતી અને ટોળાને વિખેરવા ટીઅરગેસના શેલ છોડયા હતા. ૧૦૦થી વધુ લોકો સામે કેસ કર્યો હતો.

એટલાન્ટાના મેયર કીશા લાંસ બોટમ્સે ગોળી ચલાવનાર પોલીસ અધિકારીને તત્કાળ સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. હજી મિનિયાપોલીસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની હત્યાની આગ બુઝાઈ નથી ત્યાં આવી જ બીજી ઘટનાએ અમેરિકાને હિંસામાં લપેટયું છે. બ્રૂક્સની પુત્રીના જન્મદિવસે જ તેના પિતાની હત્યાની ગોઝારી ઘટના બની હતી.

એટલાન્ટા પોલીસ અધિકારીનું રાજીનામું

ઘટનાને પગલે એટલાન્ટાના પોલીસ પ્રમુખ એરિકા શીલ્ડ્સ દ્વારા શનિવારે જ રાજીનામું આપવામાં આવ્યું હતું. જ્યોર્જિયાના તપાસ બ્યૂરોના વડા વિક રેનોલ્ડસે કહ્યું હતું કે શુક્રવારે રાત્રે એટલાન્ટામાં વેન્ડી રેસ્ટોરાંની બહાર આ ઘટના બની હતી. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કેટલાક લોકોએ ખાનગી વીડિયો ઉતારીને વાઈરલ કરતા હજારો લોકોએ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શનો કર્યા હતાં.

શું હતી ઘટના?

એટલાન્ટામાં રેશાર્ડ બ્રૂકસ નામની ૨૭ વર્ષની અશ્વેત વ્યક્તિ નશો કરીને કાર ચલાવતા ઝડપાઈ હતી. પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે બ્રૂક્સ પોલીસની ગન છીનવીને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને રોકવા માટે ફાયરિંગ કર્યું હતું જેમાં બ્રૂક્સના માથામાં ગોળી વાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સર્જરી દરમિયાન તેનું મોત થયું હતું. રેશાર્ડ બ્રૂક્સે નશો કરીને કારને રસ્તો અવરોધાય તેમ પાર્ક કરી હતી. વેન્ડી રેસ્ટોરાંનાં સંચાલકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તેને પકડવા ગઈ ત્યારે રેશાર્ડે ગન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને ગન આંચકીને એક અધિકારી તરફ તાકી હતી. આથી બીજા અધિકારીએ તેના પર ૩ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં એક પોલીસ ઓફિસરને ઈજા થઈ હતી.

કેલિફોર્નિયામાં એક અશ્વેતનો દેહ ઝાડ પર લટકતો મળી આવતાં તંગદિલી

કેલિફોર્નિયામાં ૨૪ વર્ષના અશ્વેત રોબર્ટ ફુલરનો દેહ ઝાડ પર લટકતો મળી આવતા તંગદિલી સર્જાઈ હતી. લોકોએ પામડેલમાં દેખાવો કર્યા હતા અને ઘટનાની તપાસની માગણી કરી હતી. શેરિફ સ્ટેશન ખાતે લોકોએ હાથમાં બેનર્સ લઈને જસ્ટિસ ફોર રોબર્ટ ફુલરની માગણી કરી હતી.