વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા છોડી જવાનો આદેશ ટ્રમ્પ સરકારે પાછો ખેંચ્યો

વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા છોડી જવાનો આદેશ ટ્રમ્પ સરકારે પાછો ખેંચ્યો

। વોશિંગ્ટન ।

ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ૬ જૂનના રોજ જાહેર કરેલો વિવાદાસ્પદ વિઝા નિયમ પાછો ખેંચી લીધો છે. અમેરિકાની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે મંગળવારે જણાવ્યું હતું કે, મને પક્ષકારો દ્વારા જાણ કરાઈ છે કે તેઓ એક સમાધાન પર પહોંચી શક્યાં છે અને તેઓ યથાસ્થિતિ જાળવી રાખશે. ૬ જૂનના રોજ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ આદેશ કર્યો હતો કે આગામી ફોલ સેમેસ્ટરમાં ફક્ત ઓનલાઇન અભ્યાસક્રમ ઓફર કરતી કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરવું પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને આઇસીઇના આદેશ સામે સમગ્ર અમેરિકામાં રોષ ફાટી નીકળ્યો હતો અને ટ્રમ્પ સરકારના આ આદેશ સામે સંખ્યાબંધ અરજીઓ કોર્ટમાં દાખલ કરી તેના પર રોક લગાવવાની માગ કરાઈ હતી. મેસેચ્યુસેર્ટ્ની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા દાખલ કરાયેલા ખટલામાં ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફટ જેવી અમેરિકી આઈટી કંપનીઓની સાથે સાથે અમેરિકાના ૧૭ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા પણ જોડાયાં હતાં.

અમેરિકાની સરકાર અને એમઆઇટી-હાર્વર્ડ વચ્ચે થયેલા સમાધાનનો ઉલ્લેખ કરતાં જજે જણાવ્યું હતું કે, આ નીતિનો સમગ્ર દેશમાં અમલ કરાશે. નીતિવિષયક આદેશ અને વારંવાર પુછાતા સવાલો કોઈપણ સ્થળે લાગુ કરાશે નહીં. અમેરિકી કોર્ટની આ જાહેરાતથી ભારતથી અમેરિકામાં અભ્યાસ કરવા ગયેલા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. વર્ષ ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં ૧૦ લાખ કરતા વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. સ્ટુડન્ટ એક્સ્ચેન્જ વિઝિટર પ્રોગ્રામના તાજેતરના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી ૨૦૨૦માં અમેરિકામાં વિવિધ કોલેજ અને યુનિવર્સિટીમાં ૧,૯૪,૫૫૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

શું હતો આઇસીઇનો ક્રૂર આદેશ

૬ જૂનના રોજ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ આદેશ કર્યો હતો કે, જેમની કોલેજ અથવા યુનિવર્સિટીમાં ફોલ સેમેસ્ટર દરમિયાન ફક્ત ઓનલાઇન ક્લાસિસ ઓફર કરાયાં છે તેમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકા છોડીને જવું પડશે અથવા તો તેમણે ઇન પર્સન ક્લાસિસ ચલાવનારી કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડશે. આદેશનું ઉલ્લંઘન કરનારાને ઇમિગ્રેશન કાયદાઓ અંતર્ગત કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમને દેશનિકાલ કરવામાં આવી શકે છે.

મેરિટ આધારિત ઇમિગ્રેશન નીતિની જાહેરાત થશે : ટ્રમ્પ

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધન કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું ટૂંકસમયમાં ઇમિગ્રેશન એક્ટ પર હસ્તાક્ષર કરવાનો છું. આ ઇમિગ્રેશન નીતિ મેરિટ આધારિત રહેશે. અમે ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ (ડીએસીએ) પર કામ કરી રહ્યાં છીએ કારણ કે અમે લોકોને ખુશ કરવા માગીએ છીએ. રિપબ્લિકનો ઇચ્છે છે કે ડીએસીએમાં કોઈ કામ થાય.

અમેરિકી સાંસદોએ કોર્ટનો નિર્ણય વધાવ્યો

કોંગ્રેસમેન બ્રાડ સ્નેઇડરે જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો મોટો વિજય છે. સાથે સાથે સરકારે જાહેર આરોગ્ય અંગેની પણ એક નિિૃત યોજના જાહેર કરવી જોઈએ. અમેરિકી સાંસદ અયાન્ના પ્રેસલીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો આ મોટો વિજય છે. આખો દેશ આ ક્રૂર અને અન્યાયી આદેશ સામે એકજૂથ થઈને ઊભો રહ્યો હતો.

ટ્રમ્પ સરકારના આદેશને કોણે કોણે પડકાર્યો હતો…

  • હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી
  • ૧૭ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા
  • ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિતની અગ્રણી આઈટી કંપનીઓ
  • યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય આઈટી એડવોકેસી સંગઠનો