જીવનસાથી-બાળકોથી વિખૂટા પડેલા ભારતીયોને મોટી રાહત, માત્ર સ્ટેમ્પ મરાવી જવાશે US

જીવનસાથી-બાળકોથી વિખૂટા પડેલા ભારતીયોને મોટી રાહત, માત્ર સ્ટેમ્પ મરાવી જવાશે US

22 જૂનના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા પ્રતિબંધો જાહેર કર્યાના પગલે 2020ના અંત સુધી ભારતમાં અટવાઇ પડેલા એચ-વનબી અને એલ-વન વિઝાધારકોના જીવનસાથી અને બાળકો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી સરકારની એજન્સી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલી માર્ગર્દિશકા અનુસાર કોન્સ્યુલેટ ઓફિસો ખૂલ્યા બાદ તેઓ તેમના વિઝા પર સ્ટેમ્પ મરાવીને અમેરિકા જઇ શકે છે. અમેરિકી સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગર્દિશકામાં 31 ડિસેમ્બર 2020 સુધી હાલ લદાયેલા વિઝા પ્રતિબંધોમાં ચોક્કસ છૂટછાટ અપાઇ છે. ચોક્કસ કેટેગરીમાં માન્ય વર્ક વિઝા ધરાવતા પ્રિન્સિપલ નોન-ઇમિગ્રન્ટના જીવનસાથી અને તેમના આશ્રિત બાળકોને આ છૂટછાટમાં આવરી લેવાયાં છે.

ભારતમાં અટવાઇ પડેલા અમેરિકાના વર્ક વિઝા ધરાવનારાના જીવનસાથી અને બાળકો ક્યાં તો લગ્ન જેવાં પારિવારિક સમારોહમાં હાજરી આપવા અથવા તો નિકટના સગાસંબંધીની મેડિકલ ઇમર્જન્સીના કારણે સ્વદેશ આવ્યાં હતાં. કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે 1000 કરતાં વધુ આશ્રિતો ભારતમાં અટવાઇ ગયાં હતાં. ત્યારબાદ અમેરિકી સરકારે વિઝા પ્રતિબંધો લાગુ કરતાં તેમના માટે અમેરિકા જવાના દ્વાર બંધ થઇ ગયાં હતાં.

એક આઇટી કંપની સાથે સંકળાયેલા ઇમિગ્રેશન એક્સ્પર્ટે જણાવ્યું હતું કે, નવી ગાઇડલાઇન પ્રમાણે જો અમેરિકામાં રહેલા પ્રિન્સિપલ વિઝા સ્ટેટ હોલ્ડરના લીધે હવે એચ-વનબી અને એલ-વન વિઝાધારકોના જીવનસાથી અને બાળકો ડેરિવેટિવ વિઝા સ્ટેમ્પ મેળવી શકે છે.

ગ્લોબલ ઇમિગ્રેશન લો ફર્મ ફ્રેગોમેનના કેલિફોર્નિયા સ્થિત ભાગીદાર મિચેલ વેક્સલરે જણાવ્યું હતું કે, સરકારના નિવેદન પ્રમાણે અમેરિકામાં હોવાના કારણે જો પ્રિન્સિપલ નોન ઇમિગ્રન્ટને વિઝા પ્રતિબંધોમાંથી મુક્તિ મળી હોય અથવા તો પ્રતિબંધો લાગુ કરાયા તે 2૪ જૂનના રોજ એચ, એલ અથવા તો પ્રતિબંધિત જે વિઝા ધરાવતા હોય તો તેમના જીવનસાથી અને બાળકોને આ છૂટછાટનો લાભ મળશે.

જો પ્રિન્સિપલ નોન ઇમિગ્રન્ટને વિઝા પ્રતિબંધોમાંથી વિવેકાધીન છૂટ મળેલી હોય તો પણ તેના આશ્રિતોને આ છૂટછાટોનો લાભ મળશે. વિવેકાધીન છૂટછાટ એટલે કે કોરોના મહામારી સામેની લડાઇમાં જોડાનારા હેલ્થ પ્રોફેશનલ્સને આપવામાં આવેલી છૂટછાટ. તેઓ અમેરિકામાં એચ-વનબી અથવા જે વિઝા પર અમેરિકામાં પ્રવેશવાના છે.

હાલ અમેરિકામાં 3 લાખ કરતાં વધુ ભારતીય વર્ક વિઝાધારકો છે

અમેરિકામાં હાલ કુલ 5.83 લાખ એચ-વનબી વિઝાધારકો છે જેમાં ભારતીયોની સંખ્યા 3 લાખ છે. તેમાંના મોટાભાગના ટેકનોલોજી સેક્ટર સાથે સંકળાયેલાં છે. કંપની ટ્રાન્સફર પર અમેરિકામાં એલ-વન વિઝા પર ગયેલા વિદેશીઓની સંખ્યા એચ-વનબી વિઝાધારકો કરતાં ઓછી રહે છે.

વિઝા સ્ટેમ્પિંગ માટે આવી હતી અને પાંચ મહિનાથી ભારતમાં ફસાઈ છું..

પોતાના બાળક સાથે ભારતમાં અટવાઇ પડેલી એક માતાએ જણાવ્યું હતું કે, હું એચ-ફોર વિઝાના સ્ટેમ્પિંગ માટે ભારત આવી હતી. પરંતુ લોકડાઉન, કોન્સ્યુલેટ બંધ અને અમેરિકી સરકાર દ્વારા લદાયેલા વિઝા પ્રતિબંધોના કારણે છેલ્લા પાંચ મહિનાથી હું અહીં મારા પતિથી દૂર ફસાઇ ગઇ છું. અમેરિકાના પ્રતિબંધોના કારણે અમે આખા વર્ષ માટે એકબીજાથી દૂર થઇ ગયાં હતાં.