AGR કેસ / વોડાફોને કહ્યું- 15 વર્ષમાં જેટલી કમાણી કરી હતી તે બધી પતી ગઈ, સુપ્રીમકોર્ટે કહ્યું તો હવે કંપનીના અધિકારીઓ જેલમાં જશે

AGR કેસ / વોડાફોને કહ્યું- 15 વર્ષમાં જેટલી કમાણી કરી હતી તે બધી પતી ગઈ, સુપ્રીમકોર્ટે કહ્યું તો હવે કંપનીના અધિકારીઓ જેલમાં જશે

વોડાફોન સામે AGR મુદ્દે સુપ્રીમકોર્ટ લાલઘૂમ

નવી દિલ્હી. સુપ્રીમકોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR ) મામલે સુનાવણી હાથ ધરતાં આદિત્ય બિરલા ગ્રૂપની ટેલિકોમ કંપની વોડફોન આઈડિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. એવું પણ કહ્યું કે હવે તે કંપનીના અધિકારીઓને જેલ મોકલીને જ રહેશે.

બીજી બાજુ કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે વોડાફોન આઈડિયાએ ગત 15 વર્ષમાં જેટલી પણ કમાણી કરી હતી તે બધી પતી ગઈ છે. એવામાં એજીઆરની રકમની તાત્કાલિક ચુકવણી તે કરી શકે તેમ નથી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ વોડાફોન આઈડિયા પર આશરે 58 હજાર કરોડ રૂપિયાના બાકી લેણાનો દાવો કરે છે. જોકે સુપ્રીમકોર્ટે આ મામલે તેનો આદેશ 10 ઓગસ્ટ સુધી ટાળ્યો હતો.

આ મામલે સુનાવણી હાથ ધરતાં વોડાફોન આઈડિયાના વકીલ મુકુલ રોહતગીને સુપ્રીમકોર્ટે કહ્યું કે જો દાયકાથી તમે ખોટમાં જઈ રહ્યા છો તો અમે તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી લઈએ? તમે બાકીના એજીઆરની ચુકવણી કઈ રીતે કરશો? જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે જો તમે અમારા આદેશનું પાલન નહીં કરો તો અમે કડક પગલાં ભરીશું. હવે જે ખોટું કરશે તેને અમે સીધા જેલ મોકલી દઈશું.

સરકાર અને કંપનીના દાવા અલગ-અલગ
વોડાફોન આઈડિયા પર ટેલિકોમ ડિપાર્ટમેન્ટના કુલ 58 હજાર કરોડ રૂપિયા બાકી લેણાં છે. તેમાં સુપ્રીમકોર્ટના આદેશ બાદ નોન ટેલિકોમ રેવન્યુ પણ લોન તરીકે સામેલ છે. કંપનીને માર્ચ 2020માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 73,878 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અનુસાર વોડાફોન આઇડિયા પર નાણાકીય વર્ષ 2016-17 સુધી 58,254 કરોડ રૂપિયા એજીઆરના બાકી લેણાં તરીકે નીકળે છે. જ્યારે કંપની કહે છે કે ડિપાર્ટમેન્ટના આકલનમાં ભૂલ છે અને ભૂતકાળમાં ચૂકવાયેલી રકમ બાકીના લેણામાંથી ઘટાડવામાં આવી નથી. કંપની અનુસાર હવે તેના પર ફક્ત 46 હજાર કરોડ રૂપિયા જ બાકી લેણાં તરીકે નીકળે છે.