ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, મહિલા અનામતનો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ, સરકારને કર્યો મોટો આદેશ

ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, મહિલા અનામતનો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ, સરકારને કર્યો મોટો આદેશ

વર્ષ ૨૦૧૭માં બહાર પડેલી બિનહથિયારધારી પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીમાં મહિલા અનામતનો યોગ્ય રીતે અમલ ન થતાં, રાજ્ય સરકારના ૦૧.૦૮.૨૦૧૮ના વિવાદાસ્પદ ઠરાવની ૧૨ અને ૧૩ નંબરની જોગવાઈ સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

જેને હાઈકોર્ટે માન્ય રાખી છે અને ૦૧.૦૮.૨૦૧૮ના ઠરાવની આ બંને જોગવાઈઓને હાઈકોર્ટે રદ કરી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, સરકારના ઠરાવની આ જોગવાઈઓએ ભરતીના નિયમોથી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરીત છે.

હાઈકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું છે કે, જનરલ કેટેગરીમાં મહિલા અનામતની જે જગ્યાઓ છે, તેમાં ગુજરાત રાજ્યની કોઈપણ કેટેગરીની મહિલાઓનો સમાવેશ થઈ શકે છે. મેરિટ મુજબ અનામત કેટેગરીની કોઈપણ મહિલાનો જો જનરલના મહિલા અનામતની યાદીમાં સમાવેશ થાય છે, તો તેને અનામત કેટેગરીમાં ગણવી નહીં, પરંતુ જનરલ કેટેગરીની મહિલા જ ગણવી.

સામાન્ય રીતે, જનરલ કેટેગરીની જગ્યાઓ માટે કોઈ અનામત નથી. જે મહિલાઓ અનામત કેટેગરીમાં આવતી નથી, તેમના માટે પરંતુ રાજ્ય સરકારે તેના ૦૧.૦૮.૨૦૧૮ના ઠરાવ દ્વારા પાછલા બારણેથી હોરિઝોન્ટલ રિઝર્વેશન ( સીધી લાઈનની અનામત) લાવવાનો પ્રયાસ કર્યો છે. જે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તદ્દન વિપરીત છે.

કેસની વિગત જોઈએ તો, ૦૧.૦૮.૨૦૧૮ના ઠરાવના લીધે, મહિલા અનામતનો યોગ્ય રીતે અમલ થયો ન હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટના સિંગલ જજમાં અરજી થઈ હતી. જેમાં, સિંગલ જજે આદેશ કર્યો હતો કે, જીપીએસસી ઠરાવ પ્રમાણે કામ કરે. આ આદેશની સામે, હાઈકોર્ટની ખંડપીઠમાં અરજી થઈ હતી. જેમાં, જીપીએસસી અને સરકારની રજૂઆત હતી કે, આ ઠરાવ એ ભરતીના નિયમોથી વિપરીત છે.

ઉલ્લેખનીય છે કે, આ ભરતીના નિયમોને મુદ્દે એટલો મોટો વિવાદ થયો હતો. એક તબક્કે ગાંધીનગરમાં આ ઠરાવની તરફેણ અને વિરુદ્ધ છાવણીઓ ખડકાઈ હતી અને ઉગ્ર આંદોલન પણ થયા હતા.

આખી સરકારને ભીંસમાં મૂકનારા સામાન્ય વહીવટ વિભાગના બાબુઓ સામે મુખ્યમંત્રી પગલાં ભરશે ?

હાઈકોર્ટે GADનો ૧લી ઓગસ્ટ ૨૦૧૮નો અત્યંત વિવાદાસ્પદ ઠરાવ રદ તો કર્યો તેના માટે જવાબદાર સેક્રેટરીઓ, અધિકારીઓ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણી કડક કાર્યવાહી કરે તેવી માંગણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં આવી કોઈ હિંમત ન કરે.

૩૩ ટકા મહિલા અનામત નીતિનો આધાર બનાવીને GADએ તૈયાર કરેલા ઉટપટાંગ ઠરાવને કારણએ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ ફેલ થઈ રહ્યુ હતુ. એટલુ જ નહી, LRD ભરતી વિવાદને કારણે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અનામત વર્ગોની મહિલાઓ દ્વારા સૌથી લાંબુ આંદોલન ચાલ્યુ અને તેના પડઘા પણ રાજ્યભરમાં પડયા હતા.

GPSC સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ પણ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને કારણે સ્થગિત રાખવી પડી છે. આથી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા સેંકડો યુવાનો રોષે ભરાયેલા છે. તેમનું કહેવુ છે કે, GADના ઠરાવે તો અમારા જીવનના બે વર્ષ ઓછા કર્યા છે, અમને પાછળ ધકેલ્યા છે.

આ અક્ષમ્ય અપરાધ પાછળ જવાબદાર GAD, સામાજિક ન્યાય અધિકારીતા અને કાયદા વિભાગના અધિકારીઓ સામે મુખ્યમંત્રીએ આકરી કાર્યવાહી કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ અમારા ભવિષ્ય સાથે આવી રમત રમવાની હિંમત કરતા સો વખત વિચાર કરે. ઉલ્લેખનીય છે કે, આ ઠરાવને કારણે ગુજરાત સરકારમાં સમયસર ભરતીઓ ન થતાં તેનાથી આર્થિક અને સામાજિક સ્તરે મોટા પાયે નુકસાન થયો છે.

વર્ટિકલ રિઝર્વેશન

આ અનામતમાં એસસી, એસટી, એસઈબીસી અને જનરલનો સમાવેશ થાય છે. જે મુજબ, બંધારણે નક્કી કરેલી અનામત આ કેટેગરીના ઉમેદવારોને આપવામાં આવે છે.

હોરિઝોન્ટલ રિઝર્વેશન

સરકાર દ્વારા મહિલા અનામત કે વિકલાંગને અનામત આપવાની જે વાત છે, તે સીધી લાઈનનુ અનામત છે.

૦૧.૦૮.૨૦૧૮નો ઠરાવ શું હતો

અનામત વર્ગની કોઈપણ મહિલાનો મેરિટ મુજબ જનરલની યાદીમાં સમાવેશ થાય તો પણ મહિલા અનામતના અમલ સમયે આ મહિલા ઉમેદવારની ગણતરી તેમના અનામત વર્ગમાં જ કરવી. જેના લીધે, મહિલા અનામતનો અમલ યોગ્ય રીતે થતો ન હોવાનો મુદ્દો ઉઠયો હતો. આ મુદ્દે, હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

મહિલા અનામતના અમલ માટે હાઈકોર્ટની માર્ગર્દિશકા

  • જનરલ કેટેગરીની યાદી બનાવ્યા બાદ, તેમાં અનામત વર્ગના ઉમેદવારોનો સમાવેશઔથઈ શકે
  • જનરલમાં ૩૩ ટકા મહિલા અનામતની યાદી બનાવો, જો પૂરતા મહિલા ઉમેદવારો ન હોય તો, તેને ઉમેરીને યાદી પૂર્ણ કરો
  • મહિલાઓની જરુરી જગ્યાઓ ભરવા તેટલા પુરુષ ઉમેદવારોનો રદ કરો
  • આ યાદીમાં કોઈપણ વર્ગની મહિલાનો સમાવેશ થઈ શકે
  • એસસી મહિલા ઉમેદવારો માટે યાદી બનાવો
  • એસસી મહિલા ઉમેદવારો ખૂટતા હોય તો, આ જગ્યા છેલ્લા એસસી પુરુષ ઉમેદવારોને હટાવીને ભરવી
  • આ જ રીતે એસટી અને એસઈબીસી મહિલા ઉમેદવારોની યાદી બનાવવી