ફાર્મા કંપનીઓની માર્કેટ-કેપમાં ૧ દિવસમાં ૫ અબજ ડોલરનો ઉમેરો

ફાર્મા કંપનીઓની માર્કેટ-કેપમાં ૧ દિવસમાં ૫ અબજ ડોલરનો ઉમેરો

। અમદાવાદ ।

ફાર્માસ્યૂટિકલ શેર્સ માટે શુક્રવાર ‘ગોલ્ડન ફ્રાઈડે’ પુરવાર થયો હતો. ભારતની ત્રણ અગ્રણી ફાર્મા કંપનીઓ માટે પોઝિટિવ અહેવાલો પાછળ ફુલગુલાબી તેજી જોવા મળી હતી. બજારમાં લિસ્ટેડ અગ્રણી કંપનીઓએ એક જ દિવસમાં માર્કેટ-કેપમાં લગભગ રૂ. ૩૫,૦૦૦ કરોડ એટલે કે લગભગ ૫ અબજ ડોલરની વૃદ્ધિ નોંધાવી હતી. ફાર્મા શેર્સમાં ૧૪ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

ગુરુવારે રશિયન કંપની સાથે કોરોના વેક્સિન માટે જોડાણ કરનાર ડો. રેડ્ડીઝ લેબોએ યુએસ ખાતે રેવલિમિડ નામની તેની ડ્રગને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈને કોર્ટ બહાર સેટલ કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે કંપનીનો શેર સતત બીજા દિવસે પણ લાઇમલાઇટમાં રહ્યો હતો અને દિવસ દરમિયાન ૧૪ ટકા જેટલો ઊછળ્યા બાદ બજાર થોડું તૂટતાં ૧૦ ટકા સુધારા પર બંધ રહ્યો હતો. આ અહેવાલ અન્ય ભારતીય કંપની નેટકો ફાર્મા માટે પોઝિટિવ નીવડયો હતો. આ સેટલમેન્ટને કારણે હવે નેટકો પણ યુએસ માર્કેટમાં તેનું પ્રથમ જેનેરિક વર્ઝન રજૂ કરી શકશે અને તેની પાછળ કંપનીનો શેર શુક્રવારે ખૂલતામાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. જ્યારે કામકાજના અંતે ૧૪ ટકાના સુધારે બંધ આવ્યો હતો. બીજા પોઝિટિવ ડેવલપમેન્ટમાં સિપ્લા અને લ્યુપિન જેવી અગ્રણી કંપનીઓની મહત્ત્વની હરીફ આઇરિશ કંપનીએ તેની અસ્થમાની દવાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેના આમ કરવાથી ઉપરોક્ત બંને ભારતીય કંપનીઓને યુએસ માર્કેટમાં મોટો લાભ થવાની શક્યતા છે. જેની પાછળ સિપ્લા અને લ્યુપિનના શેર્સમાં અનુક્રમે ૭ ટકા અને ૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ડો. રેડ્ડીઝ લેબો.નો શેર પ્રથમવાર રૂ. ૯૦ હજાર કરોડની માર્કેટ-કેપને પાર કરી ગયો હતો.

ફાર્મા કાઉન્ટર્સમાં ચોતરફી ખરીદી પાછળ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ ૫ ટકા ઊછળી ૧૨,૩૨૦ની તેની લાઇફ હાઇ પર બંધ રહ્યો હતો. તેણે ગુરુવારના ૧૧,૭૩૫ના બંધ સામે ૫૮૫ પોઇન્ટ્સનો સુધારો નોંધાવ્યો હતો. શુક્રવારે નિફ્ટી ફાર્માએ અગાઉ ઓગસ્ટમાં દર્શાવેલી તેની ટોચને પાર કરી હતી.

પ્રથમ હરોળની ફાર્મા કંપનીઓ ઉપરાંત બીજી અને ત્રીજી હરોળની કંપનીઓમાં પણ સારી લેવાલી જોવા મળી હતી. તેમણે પણ ૯ ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો. એનાલિસ્ટ્સના મતે ત્રણેક વર્ષ અગાઉ યુએસએફ્ડીએ સંબંધી મુદ્દાઓને કારણે ફાર્મા કંપનીઓ માટે નેગેટિવ બનેલું સેન્ટિમેન્ટ હવે બદલાઈ ચૂક્યું છે અને તેથી આગામી સમયગાળામાં રોકાણકારો ભારતીય ફાર્મા કંપનીઓ તરફ ફરીથી નજર દોડાવી શકે છે.