રાજ્યમાં નવરાત્રિમાં ગરબા પર પાબંધી, આરતીની છૂટ

રાજ્યમાં નવરાત્રિમાં ગરબા પર પાબંધી, આરતીની છૂટ

। ગાંધીનગર ।

કોરોના વાઈરસના ફેલાવાને રોકવામાં નિષ્ફળતા છતાં મહામારીમાં લોકોની ચિંતાના નામે પણ ચૂંટણીકારણ કરવાનું ભુલાતું ન હોય તેમ સરકારે નવરાત્રિમાં ગરબા પર સંપૂર્ણતઃ પાબંધી લગાવી છે પણ આરતીના નામે ટોળે વળવા છૂટ આપતો વધુ એક અણઘડ નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે શુક્રવારે રાત્રે જાહેર થયેલા હુકમમાં શેરી- સોસાયટીઓમાં આરતીના નામે નવરાત્રિના આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની શરતે ૨૦૦ વ્યક્તિઓને સામેલ થવા છૂટ અપાઈ છે. રાજ્યમાં અત્યારે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી છે, ત્યારબાદ પાલિકા-પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે ત્યારે મતદારોની વચ્ચે જવા ભાજપ સરકારે નિષ્ણાત તબીબોની સલાહને અવગણી આરતીના નામે નવરાત્રિ આયોજનને છૂટ આપતા ચેપના ફેલાવાનું જોખમ વધાર્યાનું સ્પષ્ટ થયું છે.

સરકારે ૧૬ ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે ગૃહ વિભાગના અધિક સચિવ કે.કે. નિરાલાની સહીથી શુક્રવારે રાતે જાહેર કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર- SOPમાં જ કોવિડ-૧૯ હેઠળ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તહેવારોની ઉજવણી સંદર્ભે દિશા-નિર્દેશ જણાવ્યા છે. જેમાં પાર્ટી પ્લાોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તેમજ અન્ય જાહેર સમારોહ યોજવા સ્થાનિક પોલીસ ઓથોરિટી પાસેથી મંજૂરીના નિયમોમાં ‘રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી’ એમ કહેવાયું છે. જો કે, તેની સાથે જ સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરીથી જાહેરમાં ગરબી, મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી યોજવાની મુક્તિ આપી છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિને એકત્ર થવાની છૂટ અપાઈ છે જ્યારે ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ, પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મુકાયો છે. જો કે, આ જ હુકમમાં નવરાત્રિ, દુર્ગાષ્ટમી, દશેરા, શરદ ર્પૂિણમા, દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ, ઈદ-એ-મિલાદ ઉન્નબી જેવા તહેવારોમાં નાગરિકોને ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે ધાર્મિક પૂજા કરવા પણ સલાહ આપવામાં આવી છે ! આમ એક તરફ સરકાર ઘરમાં બેસીને પૂજા કરવા જણાવે છે ત્યારે બીજી તરફ નવરાત્રિમાં આરતીના નામે એક કલાક માટે ૨૦૦ વ્યક્તિને એકત્ર થવા મંજૂરી આપી રહી છે. જે સ્વયં સ્પષ્ટ કરે છે કે આરતીના નામે મતદારો વચ્ચે ઘૂસવા ભાજપ સરકારનો મનસુબો છે.

ગૃહ વિભાગના હુકમમાં મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા, સ્નેહમિલન જેવા કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, લગ્ન અને સત્કાર સમારોહ માટે જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછંુ હોય તે અને મરણપ્રસંગે અંતિમ ક્રિયા-ધાર્મિકવિધિ માટે ૧૦૦ વ્યક્તિને છૂટ અપાઈ છે.

આ ૧૦ શરતોને આધીન આયોજન

  1. ૬ ફૂટના અંતરે ફિઝિકલ ડિસ્ટન્સ, તેના માટે ફ્લોર ર્માિંકગ કરવું પડશે
  2. સમગ્ર સમારંભમાં ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકવો ફરજિયાત.
  3. થર્મલ સ્કેનિંગ, ઓક્સિમીટર અનિવાર્ય, સ્ટેજ, માઇક, સ્પીકર અને ખુરશીઓ સમયાંતરે સેનિટાઇઝ કરવા પડશે.
  4. હેન્ડ વોશ અથવા સેનિટાઈઝરનો ફ્રજિયાત અમલ.
  5. થૂંકવા, પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
  6. ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો. સગર્ભા બહેનો, અન્ય બીમારીઓથી પીડિતોને ઉપસ્થિત રહી શકશે નહી.
  7. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો પડશે !
  8. બેઠક વ્યવસ્થામાં ખુરશીની ચારેય બાજુ ૬ ફૂટની જગ્યા છોડવી પડશે.
  9. ચા-નાસ્તો, ભોજન કાર્યક્રમના સ્થળે નહી, બીજે કરો તો ૫૦થી વધુ વ્યક્તિ એકત્ર થવા જોઈએ નહી.
  10. તબીબી સુવિધાઓ તત્કાળ ઉપલબ્ધ થાય તેવો પ્રબંધ.

નવરાત્રિની ઉજવણી માટે સૂચનાનું પાલન અનિવાર્ય

  1. રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી.
  2. વહીવટી તંત્રની મંજૂરીથી જ ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી થઈ શકશે.
  3. ફેટા કે મૂર્તિને ચરણસ્પર્શ, પ્રસાદ વહેંચવા ઉપર પ્રતિબંધ, મહત્તમ ૨૦૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત થઇ શકશે નહીં. આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે.

દિવસે જ્ઞાતિની વાડીમાં રાજકીયસભા,  રાતે નવરાત્રિના નામે આરતીથી પ્રચાર

૧૭ ઓક્ટોબરથી નવરાત્રિનો આરંભ થાય છે. બરાબર તેના  પહેલા ૧૬મી ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ કરવાનો છેલ્લો દિવસ છે.  કોંગ્રેસમાંથી પક્ષપલટાને કારણે અબડાસા, મોરબી, ગઢડા, ધારી,  લીમડી, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ વિધાનસભાની પેટા  ચૂંટણી છે. ત્રીજી નવેમ્બરે યોજાનારા મતદાન પહેલા નવરાત્રિથી  લઈને શરદ પૂનમ વચ્ચે મતદારો વચ્ચે સરળતાથી પક્ષપલટુ  ઉમેદવારોને લઈને ઉતરી શકાય તેના માટે આરતીના નામે  પ્રચારનો રસ્તો કર્યો છે. એટલું જ નહીં, જ્ઞાતિની સભાઓ થઈ શકે  તેના માટે ગૃહ વિભાગે ખાસ જ્ઞાતિની વાડીનો ઉલ્લેખ કરીને  દિવસે ત્યાં પણ ભાજપ સરકારે પ્રચારનો રસ્તો ખોલ્યો છે.

ખુલ્લા મેદાન, પાર્ટી પ્લોટમાં તો સરકારી નવરાત્રિના નામે  આરતીની છૂટ આપી જ છે પણ હવે હોલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરન્ટ,  ઓડિટોરિયમ, જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોમાં સામાજિક,  શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,  ધાર્મિક, રાજકીય સમારોહના આયોજન માટે મંજૂરીઓ આપવાનું  જાહેર કર્યું છે. જ્યાં સ્થળની ક્ષમતાના ૫૦ ટકાની મર્યાદામાં મહત્તમ  ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ વિભાગે લગ્ન કે સત્કાર સમારોહ માટે આવા સ્થળે માત્ર ૧૦૦  વ્યક્તિ સુધી જ મંજૂરી આપવાનું જાહેર કર્યું છે ! બંધ જગ્યામાં  થતા આયોજનો પાછળ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ  મંત્રાલયે બહાર પાડેલી SOPનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

સોસાયટીઓમાં ઝઘડાના મૂળ રોપાશે,  નિયમભંગ થયો તો પ્રમુખ જવાબદાર  

નવરાત્રિ માટે જે સ્થળે આયોજન કરવાનું હોય તેની ક્ષમતા સંદર્ભે સ્થાનિક વહીવટી તંત્ર- પોલીસને એક વખત જાણ કરવાની રહેશે. નવરાત્રિના સ્થળે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખીને એવી રીતે કેટલાનો સમાવેશ થઈ શકશે તેની વિગતો વહીવટી તંત્રને જણાવવાની રહેશે. ગૃહ વિભાગની SOP, ડિઝાસ્ટર રૂલ્સ સહિતની સૂચનાઓના ચુસ્તપણે પાલન થાય તેના માટે આયોજક એટલે કે સોસાયટીના ચેરમેન, હોદ્દેદારોએ વ્યવસ્થા કરવાની રહેશે. જો તેનો શરતભંગ થયો તો જે તે સ્થળના સોસાયટીના પ્રમુખ, હોદ્દેદારો અને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ સમગ્ર બાબત પ્રેક્ટિકલ નથી. આથી, આવા રૂલ્સને કારણે ઝઘડા વધે તો નવાઈ નહી.