110 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટોને નાગરિકતા આપીશ : જો બિડેન

110 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટોને નાગરિકતા આપીશ : જો બિડેન

। વોશિંગ્ટન ।

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને ૩ નવેમ્બરની ચૂંટણીમાં પોતે સત્તા પર આવશે તો ૧૧૦ લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટોને નાગરિકતા આપશે એવું વચન આપ્યું હતું. બિડેને આ મુદ્દાને પણ અગ્રીમતા આપી છે. યાદ રહે કે બિડને કોરાના વાઇરસ સામેના જંગ, ઇકોનોમીને ફરી ધમધમતી કરવી અને દુનિયામાં અમેરિકાની નેતાગીરી પ્રસ્થાપિત કરવાના મુદ્દાને પોતાની અગ્રિમતામાં લેખાવ્યા હતા. હવે તેમાં ગેરકાયદે ઇમિગ્રન્ટોને નાગરિકતા આપવાના મુદ્દાનો ઉમેરો થયો છે.

બુધવારે વર્ચ્યુઅલ ફંડ ઉઘરાણા વખતે એક પ્રશ્નના જવાબમાં બિડેને કહ્યું કે, સરહદે શું ચાલી રહ્યું છે, તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. આપણે ઇમિગ્રેશન સમસ્યાને પણ હાથ પર લેવાની જરૂર છે. હું હાઉસ અને સેનેટને ૧૧૦ લાખ લોકોને નાગરિકતા મળે એ માટેના ઇમિગ્રેશન બિલ મોકલીશ. આ ઝુંબેશમાં ૩૭ લોકોએ ભાગ લીધો હતો.

પહેલા ૩૦ દિવસમાં કયાં કામો કરશે ?

સત્તા મેળવો તોં પહેલા ૩૦ દિવસમાં તમે ઘરેલુ અને વિદેશનીતિ હેઠળ કયા કામને અગ્રિમતા આપશો એમ પૂછતાં બિડેને કહ્યું કે, જો અમેરિકન લોકો મને ચૂંટી કાઢશે તો તેમણે (ટ્રમ્પે) કરેલા નુકસાનના સમારકામનું મોટું કામ રહેશે. કોરોના વાઇરસ સામેના જંગ, ઇકોનોમીને ધમધમતી કરવી, દુનિયામાં અમેરિકાની નેતાગીરી પ્રસ્થાપિત કરવાનાં કામો રહેશે.