120 વર્ષના અમેરિકી ઇતિહાસમાં સર્વાધિક 66.9% વોટિંગ, 87% અશ્વેતો, 64% એશિયન લોકોએ બાઈડેનને ચૂંટ્યા, જીતનારા તમામ ભારતીયો ડેમોક્રેટ્સ

120 વર્ષના અમેરિકી ઇતિહાસમાં સર્વાધિક 66.9% વોટિંગ, 87% અશ્વેતો, 64% એશિયન લોકોએ બાઈડેનને ચૂંટ્યા, જીતનારા તમામ ભારતીયો ડેમોક્રેટ્સ

અમેરિકામાં 116 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઈલેક્શન ડે પર અમેરિકાને પ્રમુખ ના મળ્યા. ગળાકાપ હરીફાઈના મુકાબલામાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન જીત તરફ આગળ વધી રહ્યા છે. તેઓ 227 ઈલેક્ટોરલ મત મેળવી ચૂક્યા છે અને 43 ઈલેક્ટોરલ મત ધરાવતા ચાર રાજ્યમાં તેઓ આગળ છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 213 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે અને 54 ઈલેક્ટોરલ મત ધરાવતા ચાર રાજ્યમાં આગળ છે. વ્હાઈટ હાઉસ પહોંચવા માટે 270 ઈલેક્ટોરલ મતની જરૂર હોય છે.

વર્ષ 2000 પછી અમેરિકન ચૂંટણીમાં પહેલીવાર આટલી જબરદસ્ત ટક્કર જોવા મળી છે. એ વખતે જ્યોર્જ ડબલ્યુ બુશ 271 ઈલેક્ટોરલ મત મેળવીને પ્રમુખ બન્યા હતા. અત્યાર સુધી થયેલી મતગણતરી પ્રમાણે, ટ્રમ્પને 48.01% અને બાઈડેનને 50.1% મત મળ્યા છે. જોકે, ચાર સ્વિંગ સ્ટેટ પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, વિસ્કોન્સિન અને નોર્થ કેરોલિનામાં મેલ દ્વારા કરેલા મતની ગણતરી અટકી જતા પરિણામો જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે. આ રાજ્યોમાં મેલથી આપેલા 80 લાખ મતની ગણતરી પહેલા જ ટ્રમ્પે પોતે જીતી ગયા છે એવી જાહેરાત કરી દીધી હતી.

બીજી તરફ, બાઈડેને કહ્યું છે કે, અમે યોગ્ય ટ્રેક પર છીએ અને ચૂંટણી જીતવા તરફ છીએ. મત ગણતરી થવામાં સમય લાગી શકે છે, એટલે ધીરજ રાખો. મતગણતરી પછી થયેલા પોલ પ્રમાણે 64% યુવાનો અને 57% મહિલાઓએ બાઈડેનને મત આપ્યો છે. એટલું જ નહીં, ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિઓ બદલ 87% અશ્વેતો અને 64% એશિયનોએ બાઈડેનને મત આપીને તેમનો માર્ગ મોકળો કર્યો છે. ભારતીયોની વસતી ધરાવતા છમાંથી પાંચ રાજ્યમાં બાઈડેનની પાર્ટી જીતી છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ભારતીય મૂળના ચાર ઉમેદવાર ડૉ. અમી બેરા, પ્રેમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિએ જીત હાંસલ કરી છે. આ ઉપરાંત ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં મીરા નાયરના પુત્ર જોહારાને જીત હાંસલ કરી છે.

મતદારોએ ચૂંટણીમાં અર્થતંત્રને સૌથી મોટો મુદ્દો માન્યો

  • અર્થતંત્ર-34%
  • વંશીય અસમાનતા-21%
  • કોરોના વાઇરસ-18%
  • ગુનાખોરી-સુરક્ષા-11%
  • હેલ્થકેર પોલિસી-11%

ચૂંટણીના કોલાહલમાં ગુમ થઇ ચૂકેલા અર્થતંત્રના મુદ્દાને નેતાઓએ ભલે ભૂલાવી દીધો હતો પણ 34% અમેરિકનોએ આ મુદ્દે જ મત આપ્યો છે.

4 મહત્ત્વપૂર્ણ સવાલ: રાષ્ટ્રપતિનો માર્ગ કેવી રીતે મોકળો થશે

ઈલેક્શન નાઈટ પર અમેરિકાને રાષ્ટ્રપતિ કેમ ન મળ્યા?
આઠ રાજ્યમાં પરિણામ અટવાયેલાં છે. ચાર રાજ્યોમાં પોસ્ટથી મોકલાયેલા મત ગણતરીમાં લેવાયા નથી. આ વખતે કોરોનાને લીધે 6.5 કરોડ મેલ ઈન વોટ પડ્યા છે, જે મોટા ભાગના બાઈડેનના છે. કેમ કે પાર્ટીએ જલદી મતદાન માટે ચૂંટણી કેમ્પેન ચલાવ્યું હતું.

શું બધાં રાજ્યોમાં પરિણામ આવ્યા બાદ રાષ્ટ્રપતિ નક્કી થશે?
સત્તાવાર રીતે તો આવું જ થશે પણ જો કોઈ નેતા 270નો આંકડો પૂર્ણ કરી લેશે તો તેને પહેલાથી જ વિજેતા જાહેર કરાય છે. જોકે તેના બાદ પણ મતગણતરી જારી રહે છે. જે ફક્ત ઔપચારિકતા છે પણ આ વખતે એવું થતું દેખાઈ રહ્યું નથી કેમ કે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

તો પછી પરિણામ ક્યારે આવશે? શપથ તો 20 જાન્યુ.એ થઈ જશે?
ટ્રમ્પે ટપાલથી આવેલા મતોને ફેક ગણાવ્યા છે. મામલો હવે કોર્ટ જશે. ત્યાં ચર્ચા એ વાત પર થશે કે 3 તારીખ પછી ટપાલથી પ્રાપ્ત થનારા વોટની ગણતરી થવી જોઈએ કે નહીં? કોર્ટમાં કેસ ચાલશે તો ચુકાદો આવવા સુધી પરિણામ અટકી જશે. 20 જાન્યુઆરી પહેલાં ચુકાદો આવી શકે છે.

જો ચૂંટણીનાં પરિણામ સમાન રહેશે તો પછી શું થશે?
બંને ઉમેદવારોને 269-269 વોટ મળે તેની શક્યતા ઓછી છે. આવા મામલે પ્રતિનિધિસભા નવા અધ્યક્ષને ચૂંટશે. નવા સભ્ય રાષ્ટ્રપતિ ચૂંટશે. તેમાં તમામ 50 રાજ્ય એક એક વોટ આપી શકશે. જો 25-25 પર ટાઈ થશે તો ફરીવાર ત્યાં સુધી મતદાન થતું રહેશે જ્યાં સુધી સ્પષ્ટ પરિણામ નહીં મળે.

ટ્રમ્પે કહ્યું – ગેરરીતિ થઈ રહી છે, અમે કોર્ટમાં વિજય માગીશું
મતગણતરી વચ્ચે ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકતાં કહ્યું કે સમય સમાપ્ત થયા બાદ મતદાન ચાલુ રાખી મતગણતરીમાં મોટા પાયે ગેરરીતિનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અમેરિકી પ્રજા સાથે દગો છે. અમે હવે મતદાન રોકવા અમેરિકાની સુપ્રીમકોર્ટમાં જઈ રહ્યા છીએ. બાઈડેને કહ્યું કે વિશ્વાસ રાખો, આપણે ચૂંટણી જીતી રહ્યા છીએ. ટ્રમ્પે ફરીવાર બપોરે 12 વાગ્યે લખ્યું – તે જીતની જાહેરાત કરવાના છે.

ડાઉજોન્સ 715 પોઇન્ટ ઉછળ્યો
યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીનાં પરિણામ પૂર્વે વૈશ્વિક શેરબજારો ભારે વોલેટાઇલ બની રહ્યા છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો ડાઉજોન્સ ઇન્ડેક્સ બુધવારે મોડી રાત્રે 715 પોઇન્ટના ઉછાળા સાથે 28200 પોઇન્ટની સપાટીએ આંબી ગયો હતો. તો એસએન્ડપી500 ઇન્ડેક્સ 105 પોઇન્ટ વધી 3475 પોઇન્ટ અને નાસ્ડેક 475 પોઇન્ટના ઉછાળા સાથે 11638 પોઇન્ટ આસપાસ રમતો હતો. યુએસ ઇલેક્શનમાં પરિણામ અનિશ્ચિત હોવાની ધારણાઓ વચ્ચે ઇન્વેસ્ટર્સ એવા આશાવાદમાં ખરીદી વધારી રહ્યા છે કે, પ્રેસિડેન્ટ તરીકે ગમે તે આવે પણ ઇકોનોમિને બૂસ્ટર ડોઝ આપવા માટે સ્ટિમ્યુલસ પેકેજ જરૂર આવશે.

ભારતીય મૂળના તમામ ડેમોક્રેટ સાંસદ ફરી જીત્યા
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે લડી રહેલા તમામ ચાર ભારતીય મૂળના ડેમોક્રેટ સાંસદ ડૉ. અમી બેરા, પ્રમિલા જયપાલ, રૉ ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિએ વિજય પ્રાપ્ત કર્યો છે. બધાએ સરળતાથી તેમની બેઠકો જીતી લીધી. જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી નીરજ અંતાણી ઓહિયો રાજ્યથી સેનેટ માટે ચૂંટાનાર પ્રથમ ભારતીય અમેરિકી બન્યા હતા.

મોટો સવાલ-ચૂંટણી પરિણામ ટાઈ થાય તો?
ચૂંટણીમાં પરિણામ સરખા એટલે કે ટાઈ થવાની શક્યતા ઓછી છે. અમેરિકી ચૂંટણીના ઈતિહાસમાં આજ સુધી એવું થયું નથી. જો બંને ઉમેદવારોને 269-269 વોટ મળશે ત્યારે જ ટાઈ થશે. આ રીતે પ્રતિનિધિસભા નવા અધ્યક્ષને ચૂંટી શકશે. નવા ચૂંટાયેલા સભ્ય રાષ્ટ્રપતિને ચૂંટશે. આ કાટિંગજેન્ટ એટલે કે આકસ્મિક ચૂંટણી કહેવાય છે. તેમાં તમામ 50 રાજ્ય અલગ અલગ આકાર છતાં એક-1 વોટ કરી શકશે. 50 વોટ પડ્યા છતાં ટાઈની સ્થિતિ સર્જાઈ શકે છે. એવી સ્થિતિમાં ત્યાં સુધી પ્રતિનિધિ મતદાન થશે જ્યાં સુધી વિજેતા નહીં બની જાય.

અમેરિકામાં ચૂંટણી અને શપથની તારીખ નક્કી હોય છે
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી દર ચાર વર્ષના અંતરાલે યોજાય છે અને તે હંમેશા નવેમ્બરના પ્રથમ સોમવાર પછી આવનારા મંગળવારે થાય છે. આ વખતે 3 નવેમ્બરે આવી હતી. નવા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરીએ શપથગ્રહણ કરશે. અમેરિકામાં મતદાન અને પ્રમુખની શપથવિધિ અગાઉથી નિશ્ચિત તારીખે જ યોજાય છે.

42 રાજ્યમાં પરિણામ જાહેર પણ આ 8 રાજ્યમાં અટક્યાં

  • મિશિગન
  • વિસ્કોન્સિન
  • પેન્સિલવેનિયા
  • જ્યોર્જિયા
  • ​​​​​​​નોર્થ કેરોલિના
  • અલાસ્કા
  • એરિઝોના
  • નેવાડા

( Source – Divyabhaskar )