રાહુલ ગાંધી હતાશ અને અપરિપક્વ વિદ્યાર્થી જેવા નેતા : બરાક ઓબામા

રાહુલ ગાંધી હતાશ અને અપરિપક્વ વિદ્યાર્થી જેવા નેતા : બરાક ઓબામા

। ન્યૂયોર્ક ।

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા તેમના રાજકીય સંસ્મરણોના પુસ્તક પ્રોમિસ્ડ લેન્ડમાં અમેરિકા સહિતના વિશ્વના સંખ્યાબંધ નેતાઓ પર ટિપ્પણી કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર પ્રોમિસ્ડ લેન્ડ પુસ્તકમાં બરાક ઓબામાએ ભારતના કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પર કેટલાંક અવલોકનો આપ્યાં છે. રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા ઓબામાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એક હતાશ અને અપરિપક્વ વ્યક્તિ છે. રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી જેવા છે જે એમ માને છે કે તેણે આખો અભ્યાસક્રમ સારી રીતે તૈયાર કરી લીધો છે. તે તેના શિક્ષકને પ્રભાવિત કરવા આતુર છે પરંતુ તેનામાં વિષયમાં નિપુણતા માટેના જુસ્સા અને યોગ્યતાનો અભાવ છે. બરાક ઓબામાના અમેરિકાના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. ડિસેમ્બર ૨૦૧૭માં બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે તેમની રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ઓબામા સાથેની મુલાકાત અદ્ભુત હતી. તેમની સાથેની ચર્ચા ઘણી ફળદાયી રહી. ઓબામાનું ૭૬૮ પેજનું પુસ્તક પ્રોમિસ્ડ લેન્ડ ૧૭ નવેમ્બરે પ્રસિદ્ધ થશે.

બરાક ઓબામાના કેટલાંક અવલોકન

  • જો બાઇડેન સજ્જન, પ્રમાણિક અને વફાદાર વ્યક્તિ છે. પરંતુ જો તેમને યોગ્ય મહત્ત્વ ન મળે તો તેઓ ગુસ્સે ભરાઇ શકે છે. તેમનો આ અવગુણ તેમનાથી નાની વયના બોસ સાથે કામ કરતી વખતે સ્થિતિ બગાડી શકે છે.
  • વ્લાદિમીર પુતિન અદ્ભુત શારીરિક સૌષ્ઠવ ધરાવતી વ્યકિત છે, તેઓ મને શિકાગો પર હકૂમત કરતા ચાલાક વાર્ડ બોસની યાદ અપાવે છે
  • હૂ જિન્તાઓ અમારી અંગત મુલાકાતમાં પણ લખેલું વાંચતા હતા, તે કરતાં તો તેમણે મને સીધા કાગળ વાંચવા આપી દીધા હોત તો સમયનો ઘણો બચાવ થયો હોત

ક્વોટ

કોઇ વ્યક્તિની મૂર્ખતાની ચર્ચા આખી દુનિયામાં થવા લાગે ત્યારે એટલું જ કહી શકાય કે આજકાલ તેમની મૂર્ખતાની ચર્ચા દરેક મુખ પર છે અને બધા જાણે છે કે હવે બધાને ખબર પડી ગઇ છે.

  • મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીયમંત્રી

રાહુલ ગાંધીના મુદ્દે વધુ કોઇ ચર્ચા કરવાની જરૂર નથી. બરાક ઓબામા જેવા મોટા નેતાએ આ ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીને પહેલાં તો ભારતમાં જ આ સન્માન મળી રહ્યું હતું પરંતુ હવે તેઓ ગ્લોબલ થઇ ગયા છે.

  • ગિરિરાજ કિશોર, કેન્દ્રીયમંત્રી

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ શાંત અને ઇમાનદાર વ્યક્તિ : બરાક ઓબામા

બરાક ઓબામાએ તેમના રાજકીય સંસ્મરણોમાં મનમોહનસિંહને શાંત અને ઇમાનદાર વ્યક્તિ ગણાવ્યા છે. મનમોહનની યુપીએ સરકારના કાર્યકાળમાં નવેમ્બર ૨૦૦૯માં બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા ભારતના મહેમાન બન્યાં હતાં.

ઓબામાએ કહ્યું સામાન્ય રીતે મહિલાની સુંદરતાની ચર્ચા થતી નથી પરંતુ સોનિયા ગાંધી અપવાદ છે

ઓબામાએ તેમના પુસ્તકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે આપણે ચાર્લી ક્રિસ્ટ અને રાહમ ઇમેન્યુઅલ જેવા પુરુષોની સુંદરતાની ચર્ચા કરીએ છીએ પરંતુ મહિલાઓની સુંદરતા પર ચર્ચા કરી નથી. સિવાય કે એક કે બે અપવાદ સિવાય. આ અપવાદમાં સોનિયા ગાંધી સામેલ છે.