બેંક ડુબે તો શું? બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવી કેટલી હિતાવહ?

બેંક ડુબે તો શું? બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવી કેટલી હિતાવહ?

બચત ખાતુ ધરાવતા અને બેંક ડુબે તો તમારા પૈસાનું શું? જમા કરાવેલી રકમનું શું? જો બેન્કમાં 5 લાખથી વધુ રૂપિયા જમા છે તો તેનું શું થશે? શું આપણે આપણા બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ ન રાખવી જોઈએ? સહિતના તમામ સવાલો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો મોદી સરકારે પ્રયાસ કર્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020માં આવો જ એક નિયમ બદલ્યો છે. ગત બજેટમાં સરકારે બેન્ક ગેરન્ટીની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી. આ અગાઉ બેન્ક ગેરન્ટીની રકમ માત્ર એક લાખ રૂપિયા હતી. 4 ફેબ્રુઆરી 2020થી આ નિયમ લાગુ પણ થઈ ગયો છે. હવે જો કોઈ બેન્ક ડૂબે તો તમારા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીની રકમ એકદમ સુરક્ષિત રહેશે. બેન્ક તમને 5 લાખ રૂપિયા સુધીની રકમ પાછી આપી જ દેશે. આ કવર રિઝર્વ બેન્કની પૂર્ણ સ્વામિત્વવાળી શાખા DICGC આપશે.

બેન્કમાં કોઈ વ્યક્તિના તમામ ખાતા મળીને પાંચ લાખ રૂપિયાની ગેરંટી હોય છે. તેનો અર્થ એ છે કે એક જ બેન્કમાં પાંચ લાખ રૂપિયાની FD છે અને તે જ બેન્કના બચત ખાતામાં 3 લાખ રૂપિયા હશે તો બેન્ક ડૂબવાની સ્થિતિમાં પાંચ લાખ રૂપિયા જ તમને પાછા મળશે. તમારા ખાતામાં ભલે ગમે તેટલા રૂપિયા હોય પરંતુ રકમ ફક્ત 5 લાખ રૂપિયા સુધીની જ સુરક્ષિત રહેશે. એટલે કે કોઈ પણ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા અને અલગથી FD પણ કરાવી હોય તો આવામાં બેન્ક ડૂબવાની કે દેવાળું ફૂંકે તેવી સ્થિતિમાં તમારી ફક્ત 5 લાખ રૂપિયાની રકમ જ મળવાપાત્ર રહેશે.

કેવી રીતે બચાવી શકો તમારા પૈસા?

બેંક બાબતેના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 50 વર્ષમાં દેશમાં કદાચ જ કોઈ બેન્કે દેવાળું ફૂક્યું હશે. જો કે અલગ અલગ બેન્કોમાં તમારા પૈસા રાખીને તમે તમારું જોખમ ઘટાડી શકાય. જમા વીમા કવરને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવ્યું છે. આ ફેરફાર લગભગ 27 વર્ષ એટલે કે 1993 બાદ પહેલીવાર કરાયો હતો. આવનારા દિવસોમાં તેને હજી પણ વધારવામાં આવી શકે છે. નિષ્ણાંતનું એમ પણ કહેવું છે કે, તમારા પૈસાની સુરક્ષા માટે બેન્ક હવે પ્રત્યેક 100 રૂપિયા જમા કરાવવા પર 12 પૈસાનું પ્રીમીયમ આપશે જે અગાઉ 10 પૈસા હતું.