કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધીની જયુડિશ્યિલ કસ્ટડી
ડ્રગ કનેકશન કેસમાં
કોર્ટમાં બંનેએ જામીન માટે અરજી કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ડ્રગ કનેકસન કેસમાં પકડેલા કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને કોર્ટે ચાર ડિસેમ્બર સુધીની જયુડિશ્યિલ કસ્ટડી આપી છે. તેમણે કોર્ટમાં જામીન માર્ટ અરજી કરી છે. અભિનેતા સુશાંત સિંહના મોતની તપાસ દરમિયાન બોલીવૂડના ડ્રગ કનેકશનની જાણ થઇ હતી.
આ મામલામાં સુશાંતની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તેના ભાઇની ધરપકડ કરવામાં આવી હતી. જયારે અન્ય પ્રખ્યાત અભિનેત્રી દિપિકા પદૂકોઇ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, અભિનેતા અર્જુન રામપાલ, તેની ગર્લફ્રેન્ડ ગ્રેબ્રિએલાની એનસીબીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી.
એનસીબીએ એક ડ્રગ પેડલરને ધરપકડ બાદ 15 એલએસડી ડૉટ્સ, 40 ગ્રામ ગાંજો અને અન્ય નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો તેની પૂછપરછ દરમિયાન કૉમિડયન ભારતીની સંડોવણીની જાણ થઇ હોવાનુ કહેવાય છે. એનસીબીની ટીમે ગઇકાલે રાતે ભારતીના ઘરે છાપો માર્યો હતો દરમિયાન ગાંજો મળી આવ્યો હતો.
એનસીબીએ ભારતી અને તેના પતિ હર્ષને તાબામાં લઇ કલાકો સુધી પૂછપરછ કરી હતી. નશીલા પદાર્થનુ સેવન કરતી હોવાનું ભારતીએ પૂછપરછમાં કબૂલ કર્યુ હતુ. છેવટે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે ચાર ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.