નવા રિવાજો : લગ્નોનું લાઇવ સ્ટ્રીમિંગ, કાર્ડ પર જ લિન્ક અને પાસવર્ડ, જે આવી ના શકે તેમના માટે ભોજનની હોમ ડિલિવરી

નવા રિવાજો : લગ્નોનું લાઇવ સ્ટ્રીમિંગ, કાર્ડ પર જ લિન્ક અને પાસવર્ડ, જે આવી ના શકે તેમના માટે ભોજનની હોમ ડિલિવરી

કોરોનાકાળમાં પણ લગ્નો જરૂરી છે, એટલે નવા આઈડિયા અમલી કરાઈ રહ્યા છે, ઘેરબેઠાં લગ્નોની મજા

કોરોનાકાળમાં લગ્નોનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. મહેમાનોની મર્યાદિત સંખ્યાની સરકારી ગાઈડલાઇન્સને કારણે નવા નવા આઈડિયા પણ અમલમાં મુકાઈ રહ્યા છે. લગ્નોમાં ફક્ત 50, 100 કે 200 મહેમાનને આમંત્રિત કરવાનાં વિવિધ શહેરોના નિયમોના કારણે યજમાનો નવેસરથી યોજના બનાવી રહ્યા છે. એટલે બધા મહેમાનોને એકસાથે નહીં બોલાવીને જુદા જુદા દિવસે પણ આમંત્રિત કરાઈ રહ્યા છે. આ માટે કંકોત્રીઓ પણ જુદી જુદી છપાવાઈ રહી છે. તેમાં વરઘોડો, જાન અને ભોજનમાં આવવા માટે પણ જુદાં જુદાં આમંત્રણ અપાય છે, જેથી તમામની હાજરી ભલે જુદા જુદા કાર્યક્રમોમાં રહે, પરંતુ બધા લગ્ન સમારંભમાં હાજર રહી જાય.

કંકોત્રીમાં લાઇવ સ્ટ્રીમિંગના આઇડી-પાસવર્ડ આપે છે
આ દરમિયાન સૌથી નવો આઈડિયા લગ્નોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો છે. તેથી જે પરિચિતો લગ્નમાં હાજર ના રહી શકે તેઓ લગ્નવિધિ જોઈ શકે અને ઘરે બેસીને લગ્નનો આનંદ માણી શકે. આ માટે કંકોત્રીમાં લાઈ‌વ સ્ટ્રીમિંગની લિન્ક અને પાસવર્ડ પણ અપાઈ રહ્યાં છે. વેડિંગ પ્લાનર કહે છે કે કોરોનાના કારણે લગ્નોમાં ભલે મહેમાનોની સંખ્યા સીમિત કરી દેવાઈ હોય, પરંતુ તેને કેવી રીતે વધુ ને વધુ આનંદિત બનાવી શકાય એ માટે નવા નવા આઈડિયા કરાઈ રહ્યા છે. લગ્નોની સીઝનમાં 50થી 60% લોકો આ પ્રકારની માગ કરી રહ્યા છે. જે લોકો સ્થાનિક સ્તરે લગ્નો કરી રહ્યાં છે તેઓ પોતાનાં સગાંસંબંધીને ભોજનનાં પેકેટ પણ ઘરે પહોંચાડવાની માગ કરી રહ્યા છે.

  • જે લોકો લગ્નોમાં સામેલ ના થઈ શકે અથવા જેમનું આરોગ્ય સારું નથી તેમના માટે ઘરે જ ભોજનની હોમ ડિલિવરી કરાઈ રહી છે. આ સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે ‘લગ્નથી જરૂરી તમારું આરોગ્ય, તમારા ઘરે જ આવશે થાળી.’ ઘરે ભોજન પહોંચાડવાની આ વધારાની જવાબદારી પણ કેટરર્સને જ અપાઈ રહી છે.

બદલાતો ટ્રેન્ડ: 60% લગ્નો માટે લાઈવ ટેલિકાસ્ટનો ઓર્ડર

  • લાઈવ સ્ટ્રિમિંગ ડિવાઈસ સાથે કેમેરા જોડીને જીવંત પ્રસારણ કરાય છે. લિન્ક અને પાસવર્ડ પણ અપાય છે. 60% લગ્નોમાં આવા ઓર્ડર અપાઈ રહ્યા છે. આ પરિવર્તન પહેલીવાર આવ્યું છે. – કમલેશ સોનગરા, સિનેમેટોગ્રાફર
  • આ વખતે એક જ લગ્નમાં બે-ત્રણ પ્રકારનાં કાર્ડ છપાવાઈ રહ્યાં છે. તેમાં આયોજન પણ જુદાં જુદાં લખાઈ રહ્યાં છે. ટેગ અલગથી બનાવાઈ રહ્યા છે, જેમાં પ્રીતિભોજનની થાળીનો ઉલ્લેખ છે. – રાકેશ પુરી, ગ્રાફિક્સ ડિઝાઈનર
  • ઘર સુધી ભોજન પહોંચાડવાની પરંપરા કોરોનાકાળમાં જ શરૂ થઈ છે. કેટરિંગના પેકેજમાં ઘરે ભોજન પહોંચાડવાની જવાબદારી પણ સોંપાઈ રહી છે. – સોહન સિંહ, કેટરર્સ.

( Source – Divyabhaskar )