ફિન્ચ-સ્મિથ બાદ ઝમ્પા છવાયો, ભારત ૬૬ રનથી હાર્યું

ફિન્ચ-સ્મિથ બાદ ઝમ્પા છવાયો, ભારત ૬૬ રનથી હાર્યું

। સિડની ।

સુકાની એરોન ફિન્ચ અને સ્ટિવ સ્મિથની આક્રમક સદી બાદ સ્પિનર એડમ ઝમ્પાએ ચાર વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતને ૬૬ રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે છ વિકેટે ૩૭૪ રન બનાવ્યા હતા. ફિન્ચે વન-ડેમાં પાંચ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવવા ઉપરાંત ૧૨૪ બોલમાં ૧૧૪ રનની તથા સ્મિથે ૬૬ બોલમાં ૧૦૫ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી. કપરો રનચેઝ કરનાર ભારતીય ટીમ આઠ વિકેટે ૩૦૮ રન બનાવી શકી હતી. જેમાં ર્હાિદક પંડયાના ૯૦ તથા શિખર ધવનના ૭૪ રન મુખ્ય રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ ૫૪ રનમાં ચાર તથા હેઝલવૂડે ૫૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

SCGમાં કોહલીનું ખરાબ ફોર્મ જારી

ભારતીય સુકાની વિરાટ કોહલીનું સિડની ગ્રાઉન્ડમાં ખરાબ ફોર્મ જારી રહ્યું હતું. તેણે અત્યાર સુધીમાં સિડનીમાં રમેલી છ મેચમાં ૫૭ રન બનાવ્યા છે. પ્રથમ વન-ડેમાં તેણે ૨૧ રન બનાવ્યા હતા. અગાઉની પાંચ મેચમાં તેણે ૨૧, ૦૩, ૦૧, ૦૮ તથા ૦૩ રન નોંધાવ્યા હતા.

ફિન્ચના વન-ડેમાં ૫,૦૦૦ રન, બીજો ફાસ્ટેસ્ટ ઓસી. બેટ્સમેન

સુકાની એરોન ફિન્ચે ભારત સામેની પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છઠ્ઠી ઓવરના પાંચમા બોલે એક રન બનાવીને વન-ડે કારકિર્દીમાં ૫,૦૦૦ રન પૂરા કર્યા હતા. ફિન્ચે પોતાની ૧૨૬મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સુકાની એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા તરફથી આ સિદ્ધિથી મેળવનાર બીજો ફાસ્ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો. આ યાદીમાં ટોચના ક્રમે ડેવિડ વોર્નર છે જેણે ૧૧૫મી ઇનિંગ્સમાં વન-ડે ઇન્ટરનેશનલમાં પાંચ હજાર રન પૂરા કર્યા હતા. ઓવરઓલ વન-ડેના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ પાંચ હજાર રન પૂરા કરનાર બેટ્સમેનોની યાદીમાં સાઉથ આફ્રિકાનો હશિમ અમલા પ્રથમ ક્રમે છે જેણે ૧૦૧ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝનો મહાન બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સ અને ભારતીય સુકાની વિરાટ કોહલી સંયુક્ત રીતે બીજા ક્રમે છે. આ બંનેએ ૧૧૪ ઇનિંગ્સમાં ૫,૦૦૦ રન પૂરા કર્યા હતા. આ યાદીમાં વોર્નર ત્રીજા ક્રમે છે.

સ્ટિવ સ્મિથે ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજી ફાસ્ટેસ્ટ સદી ફટકારી

ભારત સામેની સિડની વન-ડેમાં ભૂતપૂર્વ સુકાની સ્ટિવ સ્મિથે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને સદી ફટકારી હતી. સ્મિથે માત્ર ૬૨ બોલમાં સદી ફટકારી હતી અને આ ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજા ક્રમની ફાસ્ટેસ્ટ સદી નોંધાઇ છે. સ્મિથે પોતાની સદીમાં ૧૦ બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડે ઇન્ટરનેશનલમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ ગ્લેન મેક્સવેલના નામે છે. મેક્સવેલે ૨૦૧૫માં સિડનીમાં જ શ્રીલંકા સામે માત્ર ૫૧ બોલમાં સદી પૂરી કરી હતી. બીજા ક્રમે જેમ્સ ફોકનર છે જેણે ૨૦૧૩ની પહેલી નવેમ્બરે ભારત સામે બેંગ્લોર વન-ડેમાં ૫૭ બોલમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટેસ્ટ સદીના મામલે ચોથા ક્રમે મેથ્યૂ હેડન છે જેણે સાઉથ આફ્રિકા સામે ૬૬ બોલમાં તથા એડમ ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે ૬૭ બોલમાં સદી નોંધાવી હતી.  વન-ડે ઇન્ટરનેશનલમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે છે જેણે વેસ્ટ ઇન્ડિઝ સામે માત્ર ૩૧ બોલમાં સદી પૂરી કરી હતી. બીજા ક્રમે ન્યૂઝીલેન્ડનો કોરી એન્ડરસન છે જેણે ૩૬ બોલમાં સદી ફટકારી હતી.

ભારતીય બોલર્સનું ખરાબ પ્રદર્શન, સતત ચોથી વન-ડેના પાવરપ્લેમાં વિકેટ ઝડપી ના શક્યા 

સિડની વન-ડેમાં ભારતીય બોલર્સ અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતીય બોલર્સ છેલ્લી કેટલીક વન-ડેમાં પ્રારંભિક પાવરપ્લેમાં વિકેટ ઝડપી શક્યા નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેના પાવરપ્લેમાં ફિન્ચ અને વોર્નરે ટીમ માટે વિના વિકેટે ૫૧ રન બનાવી લીધા હતા. સતત ચોથી વન-ડેમાં ભારતીય બોલર્સ પાવરપ્લેમાં વિકેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. અગાઉ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં પણ ભારતીય બોલર્સ પાવરપ્લેમાં એક પણ વિકેટ ઝડપી શક્યા નહોતા. કિવિ ટીમે હેમિલ્ટનમાં ૫૨, ઓકલેન્ડમાં ૫૨ તથા માઉન્ટ મોઉંગાનુઇમાં ૬૫ રન બનાવ્યા હતા. વન-ડે ક્રિકેટમાં પાવરપ્લે પ્રારંભિક ૧૦ ઓવરનો હોય છે અને તેમાં વધારેમાં વધારે બે ખેલાડી ૩૦ મીટરના સર્કલની બહાર રાખવામાં આવે છે. આ પ્રકારની ફિલ્ડિંગના કારણે બેટ્સમેનો મુક્તમને સ્કોર બનાવી શકતા હોય છે.

વોર્નર-ફિન્ચે પોન્ટિંગ અને ક્લાર્કના રેકોર્ડની બરોબરી કરી, ૧૧મી વખત સદીની ભાગીદારી 

ઓપનર ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે સિડની વન-ડેમાં પ્રથમ વિકેટે ૧૫૬ રનની ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે વખત ભાગીદારી નોંધાવવાના રિકી પોન્ટિંગ અને માઇકલ ક્લાર્કના રેકોર્ડની બરોબરી કરી હતી. વન-ડે ક્રિકેટમાં વોર્નર અને ફિન્ચ વચ્ચે ૧૧ વખત ૧૦૦ કરતાં વધારે રનની ભાગીદારી નોંધાઈ છે. ક્લાર્ક અને પોન્ટિંગે પણ ૧૧ વખત સદીની ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડેમાં સૌથી વધારે વખત સદીની ભાગીદારીનો રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટ અને મેન્યૂ હેડનના નામે છે જેમણે ૧૬ વખત ૧૦૦ પ્લસ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડેમાં સર્વાધિક વખત સદીની ભાગીદારી

પ્લેયર્સની જોડી         ભાગીદારી 

ગિલક્રિસ્ટ/મેથ્યૂ હેડન   ૧૬

ફિન્ચ/ડેવિડ વોર્નર     ૧૧

ક્લાર્ક/રિકી પોન્ટિંગ    ૧૧

હેડન/રિકી પોન્ટિંગ     ૧૦

એક જ ટીમ સામે હાઇએસ્ટ ચાર વખત ૧૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ નોંધાઈ

ઓસ્ટ્રેલિયન સુકાની એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ચોથી વખત ભારત સામે ૧૫૦ કરતાં વધારે રનની ભાગીદારી નોંધાવી છે. વન-ડે ઇતિહાસમાં કોઈ જોડી દ્વારા એક ટીમ સામે સૌથી વધારે વખત નોંધાયેલી ભાગીદારીનો રેકોર્ડ હવે વોર્નર અને ફિન્ચના નામે થયો છે. આ પહેલાંનો રેકોર્ડ ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે છે જેમણે શ્રીલંકા સામે ત્રણ વખત ૧૫૦ પ્લસ રનની ભાગીદારી નોંધાવી હતી.

બેટ્સમેનોની જોડી   ભાગીદારી      વિરૂદ્ધ 

ફિન્ચ/વોર્નર            ૦૪                 ભારત

રોહિત /કોહલી         ૦૩                 શ્રીલંકા

રોહિત /ધવન          ૦૩                ઓસ્ટ્રેલિયા

વન-ડેમાં ચહલ સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો

ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં એક અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે એક વન-ડે મેચમાં સર્વાધિક રન આપનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. સિડની વન-ડેમાં ચહલે ૧૦ ઓવરમાં ૮૯ રન આપીને માત્ર એક વિકેટ ઝડપી હતી. ચહલે સ્ટોનિસને ખાતું ખોલે તે પહેલાં પેવેલિયન પરત મોકલી દીધો હતો. ચહલ પહેલાં આ રેકોર્ડ લેગ સ્પિનર પીયૂષ ચાવલાના નામે હતો જેણે ૨૦૦૮માં પાકિસ્તાન સામે ૧૦ ઓવરમાં ૮૫ રન આપ્યા હતા. ભારત માટે એક જ મેચમાં સર્વાધિક રન આપવાના મામલે ભુવનેશ્વર કુમાર પ્રથમ સ્થાને છે. તેણે ૨૦૧૫માં મુંબઇ ખાતે સાઉથ આફ્રિકા સામે ૧૦૫ રન આપી દીધા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક વન-ડેમાં સૌથી મોંઘા બોલરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મિક લૂઇસના નામે છે જેણે જોહાનિસબર્ગ ખાતે સાઉથ આફ્રિકા સામે ૧૦ ઓવરમાં ૧૧૩ રન આપી દીધા હતા અને એક પણ વિકેટ ઝડપી નહોતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટેસ્ટ ૫,૦૦૦ રન પૂરા કરનાર બેટ્સમેન 

ઇનિંગ્સ            ખેલાડી 

૧૧૫ ઇનિંગ્સ   ડેવિડ વોર્નર

૧૨૬ ઇનિંગ્સ   એરોન ફિન્ચ

૧૨૮ ઇનિંગ્સ   ડીન જોન્સ

૧૩૩ ઇનિંગ્સ   મેથ્યૂ હેડન

૧૩૫ ઇનિંગ્સ   માઇકલ બેવન

ચહલના નામે અણમણતો રેકોર્ડ, ઓવરઓલ ભુવનેશ્વર પ્રથમ ભારતીય બોલર

બોલર          રન             વિરૂદ્ધ           ગ્રાઉન્ડ                 વર્ષ 

ચહલ           ૮૯ રન        ઓસ્ટ્રેલિયા      સિડની         ૨૦૨૦

ચહલ           ૮૮ રન        ઇંગ્લેન્ડ        એજબેસ્ટન      ૨૦૧૯

પીયૂષ         ૮૫ રન        પાકિસ્તાન      મીરપુર         ૨૦૦૮

કુલદીપ        ૮૪ રન        ન્યૂઝીલેન્ડ      હેમિલ્ટન        ૨૦૨૦