દેશમાં વાઇફાઇ ક્રાંતિ લાવવા પીએમ-વાની યોજનાનો કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

દેશમાં વાઇફાઇ ક્રાંતિ લાવવા પીએમ-વાની યોજનાનો કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

। નવી દિલ્હી ।

દેશભરમાં વ્યાપક વાઇફાઇ નેટવર્ક ઊભંુ કરવાની કેન્દ્ર સરકારની યોજનાને કેન્દ્રીય કેબિનેટે બુધવારે મંજૂરી આપી દીધી હતી. કોઈપણ પ્રકારની લાઇસન્સ ફીની વસૂલાત વિના પબ્લિક ડેટા ઓફિસના માધ્યમથી પબ્લિક વાઇફાઇ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે પબ્લિક વાઇફાઇ નેટવર્કની સ્થાપના માટે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવાઈ હતી. આ પબ્લિક વાઇફાઇ નેટવર્કને પીએમ-વાની નામ આપવામાં આવ્યું છે. દેશમાં પબ્લિક વાઇફાઇ નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ યોજના તૈયાર કરાઈ છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટ બંઠક અંગે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, પીએમ વાની યોજના અંતર્ગત દેશભરમાં પબ્લિક ડેટા સેન્ટર ખોલવામાં આવશે. પબ્લિક ડેટા સેન્ટર માટે કોઈ લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે નહીં અને રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે નહીં. દેશભરમાં પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર્સ (PDOAs)ની નિયુક્તિ કરાશે જેઓ પબ્લિક ડેટા ઓફિસ દ્વારા સમગ્ર દેશમાં પબ્લિક વાઇફાઇ સર્વિસ પૂરી પાડશે.

કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર આ યોજના દ્વારા દેશભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓનો વ્યાપ વધારવા અને વેગ આપવા માગે છે.

રોજગાર યોજના માટે રૂપિયા ૨૨,૮૧૦ કરોડની ફાળવણી

કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશભરમાં લાગુ કરાયેલી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે સરકાર દ્વારા રૂપિયા ૨૨,૮૧૦ કરોડની ફાળવણી કરાઈ છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ સુધીમાં આ રકમનો ખર્ચ કરવામાં આવશે જેનો લાભ ૫૮.૫ લાખ કર્મચારીને મળશે. આ યોજના અંતર્ગત સરકાર નવી નિયુક્તિઓ માટે બે વર્ષ સુધી ઇપીએફમાં કર્મચારી અને નોકરીદાતાનું યોગદાન જાતે ભોગવવાની છે.

કેબિનેટના અન્ય નિર્ણયો

  • લક્ષદ્વીપના ટાપુઓેને પણ ફાઇબર કનેક્ટિવિટીથી જોડાશે. કોચ્ચીથી લક્ષદ્વીપ વચ્ચે આવેલા ૧૧ ટાપુઓમાં ૧,૦૦૦ દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
  • ટેલિકોમ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત આસામના બે જિલ્લા અને અરુણાચલપ્રદેશમાં મોબાઇલ કવરેજ માટે યુએસઓએફ યોજનાને મંજૂરી, ૨,૩૭૪ ગામ આવરી લેવાશે