બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસુઝાને હાર્ટ એટેક આવ્યો
બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી રેમોને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કોરિયોગ્રાફરને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર વહેતા થતાં જ તેના ફેન્સ તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેમોની કોકિલાબેન હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાઈ હતી, ત્યારબાદ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સમય દરમિયાન રેમોની પત્ની લીઝેલ પણ તેની સાથે છે. બોલિવૂડનો કોરિયોગ્રાફર અહેમદ ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. ખુદ રેમોએ અહેમદ ખાન સાથે છ વર્ષ સુધી કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં અહેમદ ખાનને મદદ પણ કરી હતી.
રેમોએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘એબીસીડી 2’ હતી. આ સિવાય રેમોએ ઘણા રિયાલિટી શો પણ કર્યા છે. રેમોનો જન્મ 2 એપ્રિલ 1972માં બેંગલુરુમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, રેમોએ 1995માં બોલિવૂડમાં કોરિયોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી