યુપીમાં 10 વર્ષ ફરજિયાત નોકરી ન કરનાર PMS ડોક્ટરને 1 કરોડનો દંડ થશે

યુપીમાં 10 વર્ષ ફરજિયાત નોકરી ન કરનાર PMS ડોક્ટરને 1 કરોડનો દંડ થશે

। લખનઉ ।

ઉત્તરપ્રદેશમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત નિવારવા યોગી આદિત્યનાથ સરકારે પોસ્ટગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા ઇચ્છતા પ્રોવિન્શિયલ મેડિકલ ર્સિવસના તમામ ડોક્ટર માટે ૧૦ વર્ષની ફરજિયાત નોકરીનું બોન્ડ અમલી બનાવવાનો નિર્ણય લીધો છે. પીએમએસ કેડરના ડોક્ટર સામાન્ય રીતે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં આવેલા પ્રાયમરી અને સેકન્ડરી હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા હોય છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર પીએમએસ કેડરમાં આવતા ડોક્ટર અનુસ્નાતક સ્તરના અભ્યાસ માટે ૩ વર્ષની સ્ટડી લીવ લેવા માગતા હશે તો તેમણે અભ્યાસ પૂરો કર્યા પછી ફરી ફરજની જગ્યા પર હાજર થઇને ૧૦ વર્ષ સુધી સતત ફરજ બજાવવી પડશે. જો અનુસ્નાતક અભ્યાસ બાદ કોઇ ડોક્ટર પીએમએસ કેડરની તેની નોકરી છોડી દેશે તો તેણે ઉત્તરપ્રદેશ સરકારને રૂપિયા ૧ કરોડનો દંડ ચૂકવવો પડશે.

ઉત્તર પ્રદેશના મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત  મોહન પ્રસાદે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પોસ્ટ  ગ્રેજ્યુએશન કોર્સ કરતાં વિદ્યાર્થીઓ માટે ખાતામાં ૧૦ વર્ષની  ર્સિવસ ફરજિયાત કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આમ  કરવામાં નિષ્ફળ જનારા વિદ્યાર્થીએ રાજ્ય સરકારને રૂપિયા એક કરોડનો  દંડ ભરવો પડશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી  હોસ્પિટલ્સમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની અછતને ભરી શકાય તે  માટે નીટ પરીક્ષામાં છૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે જો  કોઈ ડોક્ટર પીજી કોર્સ વચ્ચેથી છોડશે તો તેને ત્રણ વર્ષ માટે  ડિબાર કરવામાં આવશે અને આ ત્રણ વર્ષ માટે તે ફરીથી એડમિશન  નહીં મેળવી શકે. યોગી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવો  નિયમ કહે છે કે પીજી કોર્સ પૂર્ણ કર્યા બાદ ડોક્ટરે તરત જ  નોકરીમાં જોડાવું પડશે.

PG કરનાર PMS ડોક્ટરો મેડિકલ કોલેજોમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરના હોદ્દાની માગ કરી શકાશે નહીં

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોસ્ટગ્રેજ્યુએશનનો  અભ્યાસ પૂરો થયા પછી ડોક્ટરે પેરેન્ટ ડિપોર્ટમેન્ટમાં ફરી ફરજ પર  હાજર થવું પડશે અને રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પ્રાયમરી  અથવા સેકન્ડરી હેલ્થ સેન્ટર ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવવાની  રહેશે. તેઓ મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરના  હોદ્દાની પણ માગ કરી શક્શે નહીં. ડોક્ટરોને ઉચ્ચ અભ્યાસ બાદ  તેઓ તેમની મૂળ ફરજની જગ્યા પર પરત ફરીને જરૂરિયાતમંદોને  સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપશે તે વિકલ્પ સાથે ઉચ્ચ અભ્યાસ  માટે નો ઓબ્જેકશન ર્સિટફિકેટ આપવામાં આવે છે.પીએમએસ કેડરના ઘણા ડોક્ટર નીટની એક્ઝામમાં ક્વોલિફાય થયા પછી માસ્ટરના અભ્યાસક્રમ માટે સ્ટડી લીવ લેતાં હોય છે. પરંતુ તેમનો અભ્યાસ પૂરો થયા પછી તેઓ તેમની કેડર બદલીને મોટા શહેરોની મેડિકલ કોલેજોમાં પોસ્ટિંગ હાંસલ કરે છે, અને ગ્રામીણ વિસ્તારોમાં ફરજ પર જવા ઇચ્છતા નથી.

પીજીની સાથેસાથે ડિપ્લોમા કોર્સમાં એડમિશન મેળવી શકાશે 

જો એમબીબીએસ ડોક્ટર્સ ગ્રામીણ વિસ્તારમાં  આવેલી સરકારી હોસ્પિટલ્સમાં એક વર્ષ નોકરી કરશે તો તેને  નીટની પ્રવેશ પરીક્ષામાં ૧૦ પોઇન્ટની છૂટ આપવામાં આવશે. બે  વર્ષ સેવા આપનારા ડોક્ટર્સને ૨૦ પોઇન્ટ અને ત્રણ વર્ષ સેવા  આપનારા ડોક્ટર્સને ૩૦ પોઇન્ટની છૂટ આપવામાં આવશે. હવે ડોક્ટર્સ પીજી  કરવાની સાથોસાથ ડિપ્લોમા કોર્સિસમાં પણ એડમિશન મેળવી  શકશે. નોંધનીય છે કે યુપીમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી  હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સમાં સ્પેશિયલાઇઝ ડોક્ટર્સની તીવ્ર  અછત છે. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલ્સમાં  ૧૫૦૦૦ કરતાં વધારે પોસ્ટ ઊભી કરવામાં આવી છે. હાલમાં  રાજ્યભરની હોસ્પિટલ્સમાં ૧૧૦૦૦ એમબીબીએસ ડોક્ટર્સ નિમવામાં  આવ્યા છે. દર વર્ષે જે એમબીબીએસ ડોક્ટર્સને  સરકારી હોસ્પિટલ્સમાં નિયુક્ત કરવામાં આવે છે તેમાંથી સેંકડો  પીજી કોર્સિસ માટે એડમિશન મેળવે છે.