વિવાદનો ઉકેલ આવે ત્યાં સુધી સરકાર કૃષિ કાયદાનો અમલ સ્થગિત કરવા વિચારે : સુપ્રીમ

વિવાદનો ઉકેલ આવે ત્યાં સુધી સરકાર કૃષિ કાયદાનો અમલ સ્થગિત કરવા વિચારે : સુપ્રીમ

। નવી દિલ્હી ।

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોના અહિંસક આંદોલનના અધિકારને માન્યતા આપી હતી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણિયનની બેન્ચે સરકાર વતી અદાલતમાં હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલને સૂચન કર્યું હતું કે, કૃષિ કાયદા મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા વિવાદના ઉકેલ માટે અમે કૃષિ નિષ્ણાતો અને ખેડૂત યુનિયનોની બનેલી એક તટસ્થ અને સ્વતંત્ર પેનલ રચવા વિચારી રહ્યાં છીએ. આ પેનલ દ્વારા વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે સરકારને કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત રાખવા સૂચન કરીએ છીએ. આ પેનલમાં પી. સાઇનાથ, ભારતીય કિસાન યુનિયન અને અન્યોનો સમાવેશ થઈ શકે. આ પેનલ જે તારણો આપે તેનો અમલ થવો જોઈએ અને ત્યાં સુધી ખેડૂતો આંદોલન જારી રાખી શકે છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે, અમે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો સહિતના તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળ્યા પછી પેનલની રચના માટે આદેશ આપીશું.

કૃષિ કાયદાનો

સરકાર દ્વારા વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત કરાશે તો ખેડૂતો સાથેની મંત્રણાઓ વધુ સરળ બનશે. જોકે, એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના સૂચનનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, જો સરકાર કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત રાખશે તો ખેડૂતો મંત્રણા માટે આગળ નહીં આવે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને જણાવ્યું હતું કે, અમે સરકારને કૃષિ કાયદાઓના અમલ પર મનાઇહુકમ ફરમાવી રહ્યાં નથી. અમે સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણા યોજાઈ શકે તે માટે થોડા સમય માટે કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત રાખવાનું સૂચન કરીએ છીએ.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં બેન્ચે જણાવ્યું હતું કે, અમે કાયદાનો વિરોધ કરવાના ખેડૂતોના બંધારણીય અધિકારને સ્વીકારીએ છીએ પરંતુ તેમનો આ અધિકાર અન્ય નાગરિકોની મુક્ત અવરજવર અને જીવનજરૂરી વસ્તુઓ મેળવવાના અધિકારમાં અવરોધરૂપ બનવો જોઈએ નહીં. દિલ્હીમાં ભૂખમરો સર્જાઈ શકે છે. દિલ્હીની નજીક આંદોલન કરી રહેલા ખેડૂતો હિંસા આચરી શકે નહીં અને શહેરને બ્લોક કરી શકે નહીં. જ્યાં સુધી કોઈ આંદોલન સંપત્તિને નુકસાન કરતું નથી અને અન્ય કોઈની જિંદગી જોખમમાં મૂકતું ન હોય ત્યાં સુધી જ બંધારણીય રહે છે. મંત્રણા દ્વારા જ વિવાદનો ઉકેલ આવી શકે છે, ફક્ત ધરણા કરવાથી કોઈ મદદ નહીં મળે.

સરકાર વતી એટર્ની જનરલે શું રજૂઆત કરી?

– ખેડૂતો કોરોના માટે જાહેર કરાયેલી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે જેના કારણે તેમના ગામોમાં કોરોનાનો પ્રસાર થઈ શકે છે

– ખેડૂતો અન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં, ખેડૂતોના ચક્કાજામના કારણે વાહનવ્યવહાર અવરોધાઈ રહ્યો છે

– સરકાર કાયદાનો અમલ સ્થગિત કરશે તો ખેડૂતો મંત્રણા માટે આગળ જ નહીં આવે

સુપ્રીમ કોર્ટના મહત્ત્વનાં અવલોકન

અમે હાલ પૂરતું કૃષિ કાયદાઓની બંધારણીય યોગ્યતા પર વિચારણા કરવાના નથી, પહેલાં અમે ખેડૂતોના આંદોલનના અને નાગરિકોના મુક્ત અવરજવરના અધિકારો પર નિર્ણય કરીશું

અમે કેન્દ્ર સરકારને સવાલ કરીશું કે હાલ ખેડૂતોનું આંદોલન કેવી રીતે ચાલી રહ્યું છે, અન્ય નાગરિકોના અધિકાર પર અસર ન થાય તે માટે તેમાં કોઈ બદલાવ કરી શકાય કે કેમ.

અમે પણ ભારતીયો છીએ અને ખેડૂતોની સ્થિતિ જાણીએ છીએ. અમે તેમની માગણીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ. અમે તેમના માટે ચિંતિત છીએ