સાઇબર ક્રાઇમ:‘હું UKમાં રહું છું, તને ગિફ્ટ મોકલવી છે’ કહી ગઠિયાએ શિક્ષિકા પાસેથી 65 હજાર પડાવ્યા

સાઇબર ક્રાઇમ:‘હું UKમાં રહું છું, તને ગિફ્ટ મોકલવી છે’ કહી ગઠિયાએ શિક્ષિકા પાસેથી 65 હજાર પડાવ્યા

  • પૈસા ટ્રાન્સફર કર્યા બાદ શંકા જતાં શિક્ષિકાની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
  • ગઠિયાની મહિલા સાગરીતે શિક્ષિકાને ફોન કરી ‘તમારી ગિફ્ટ આવી ગઈ છે’ તેવું કહીં કરન્સી ચેન્જ અને ટેક્સના નાણાં ઓનલાઈન ભરાવી પડાવી લીધા

‘હું યુ.કે.રહું છું અને મારે તારી સાથે લગ્ન કરવા છે, હું તને ગિફ્ટ મોકલવાનો છું,’ તેમ કહીને ગઠિયાએ શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકીને ગિફ્ટ મોકલવાની વાત કરી હતી. જ્યારે ગઠિયાની મહિલા સાગરીતે શિક્ષિકાને ફોન કરીને એરપોર્ટ ચેકિંગમાંથી બોલતી હોવાનું કહીને યુકેથી ગિફ્ટ આવી હોવાથી કરન્સી ચેન્જ કરવાના અને ટેક્ષના મળીને રૂ.65 હજારનું ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને પૈસા પડાવી લીધા હતા.

સુભાષબ્રિજ ચિરાગ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતના સોલંકી(36) અમૃતા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. લગભગ 6 મહિના પહેલા ચેતનાઅે મેટ્રિમોનિયલ સાઈટ પર ઓનલાઈન બાયોડેટા ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન 6 જૂન 2020ના રોજ અતુલ શર્મા નામના માણસે ચેતનાને મેસેજ કરીને કહ્યું હતું કે, તેણે મેરેજ સાઇટ ઉપર તેમની પ્રોફાઈલ જોઈ હતી. જેના આધારે તેમને ફોન કર્યો હતો.

વધુમાં અતુલે જણાવ્યું હતું કે, તેઓ હાલમાં યુકેમાં રહે છે. અતુલે તેના માટે યુકેથી એક ગિફ્ટ મોકલવાની વાત કરી હતી. ત્યારબાદ 15 જૂને સોનિયા શર્મા નામની યુવતીએ ચેતનાને ફોન કરીને પોતે એરપોર્ટ ચેકિંગ પરથી બોલતી હોવાનું કહીને તેમના માટે યુકેથી ગિફ્ટ પાર્સલ આવ્યું હોવાથી કરન્સી ચેન્જ કરવાના અને ટેક્ષના રૂ.65 હજાર ભરવાની વાત કરી હતી, જેના આધારે ચેતનાઅે બેંકમાં જઈને આરટીજીએ અને નિફ્ટ કરીને પૈસા મોકલ્યા હતા. તેમ છતાં ચેતનાને ગિફ્ટ મોકલી ન હતી, જ્યારે તેણે તપાસ કરતાં પોતે છેતરાઇ હોવાની જાણ થતા આ અંગે તેણે પહેલાં સાયબર ક્રાઈમમાં અને રાણીપમાં ફરિયાદ નોંધાવી હતી.

બેંકની ડિટેઇલ માગતાં ચેતનાને શંકા ગઈ હતી
સોનિયા શર્માના ખાતામાં 1 વખત રૂ.65 હજાર ટ્રાન્સફર કર્યા બાદ સોનિયાએ બીજા જ દિવસે ચેતનાને ફોન કરીને બેંકની ડિટેઈલ માગી હતી. પરંતુ ચેતનાને શંકા જતા તેણે માહિતી આપી ન હતી. જ્યારે ચેતનાઅે તપાસ કરતા સોનિયા અને અતુલ શર્માએ તેને છેતરીને પૈસા પડાવ્યા હોવાનું જણાતા તેણે ફરિયાદ નોંધાવી હતી.