એન્ટાર્કટિકામાં પણ મળ્યો કોરોના, હવે ધરતીના તમામ ભાગોમાં પહોંચી ચુક્યો છે કોવિડ

એન્ટાર્કટિકામાં પણ મળ્યો કોરોના, હવે ધરતીના તમામ ભાગોમાં પહોંચી ચુક્યો છે કોવિડ

કોરોના વાયરસ (Coronavirus) પૃથ્વીના દક્ષિણ ભાગમાં આવેલા એન્ટાર્કટિકા (Antarctica) ખંડમાં પણ પહોંચી ગયો છે. ફક્ત એન્ટાર્કટિકા એકમાત્ર ખંડ હતો જે અત્યાર સુધી વાયરસથી બચેલો હતો. અહેવાલ પ્રમાણે અહીંના ચિલી (Chile)ના સંશોધન કેન્દ્રના 36 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. સોમવારે એન્ટાર્કટિકામાં ચિલી રિસર્ચ સેન્ટરના લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ. ચેપગ્રસ્ત લોકોમાંથી 26 લોકો સેનાના છે જ્યારે 10 લોકો મેન્ટેનેંસવાળા છે. ચિલીની સેનાએ કહ્યું છે કે તેઓએ તમામ ચેપગ્રસ્ત લોકોને પાછા બોલાવી લીધા છે.

ચિલીથી આવેલા સામાન વડે ફેલાયો કોરોના

એન્ટાર્કટિકાએ અગાઉ પ્રવાસીઓ માટે મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો જેથી ખંડને કોરોનાથી મુક્ત રાખી શકાય. એવું માનવામાં આવે છે કે 27 નવેમ્બરના રોજ ચિલીથી એન્ટાર્કટિકા કેટલોક સામાન આવ્યો હતો અને આનાથી લોકોને ચેપ લાગ્યો છે. એન્ટાર્કટિકામાં સામાન ઉતાર્યા પછી જ્યારે લોકો જહાજથી પાછા ફર્યા ત્યારે કેટલાક ક્રૂ સભ્યોમાં ઘણા અઠવાડિયા પછી વાયરસ મળી આવ્યો હતો. જો કે ચિલીની સેનાનું કહેવું છે કે સપ્લાય કરતા પહેલા તમામ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે દરેકના પરિણામો નકારાત્મક આવ્યા હતા.

એન્ટાર્કટિકામાં પણ લોકો પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા

એન્ટાર્કટિકામાં ઘણા દેશોમાં સંશોધન મથકો છે અને કોરોનાથી બચવા માટે અહીં રહેતા લોકો પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને તેઓને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને કારણે સંશોધન અભિયાનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. બીજી તરફ બ્રિટનના લંડનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે.

ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા

લંડન અને ઇંગ્લેન્ડના દક્ષિણ પૂર્વમાં 60 ટકા કેસ નવા સ્ટ્રેનના જ ગણાવવામાં આવી રહ્યા છે. આને કારણે બ્રિટનમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે સંપૂર્ણ રીતે સંભવ છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ફ્રાન્સમાં ફેલાઈ ચુક્યો છે, ભલે ટેસ્ટમાં આની પુષ્ટિ નથી થઈ રહી. ઉત્તરી આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરે પણ કહ્યું છે કે તેમના ત્યાં પણ નવી સ્ટ્રેન પહોંચી ગઈ છે.