કેન્દ્ર સરકાર સીરમ પાસેથી કોરોનાની રસીના 1.10 કરોડ ડોઝ ખરીદશે, પ્રત્યેક ડોઝની કિંમત 210 રૂપિયા રહેશે

કેન્દ્ર સરકાર સીરમ પાસેથી કોરોનાની રસીના 1.10 કરોડ ડોઝ ખરીદશે, પ્રત્યેક ડોઝની કિંમત 210 રૂપિયા રહેશે

। નવી દિલ્હી ।

દેશભરમાં કોરોનાની રસીનું રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે ત્યાં કેન્દ્ર સરકારે સીરમને રસીનો ઓર્ડર આપી દીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ૧.૧૦ કરોડ ડોઝ માટેનો ઓર્ડર આપી દેવાયો છે. કંપની દ્વારા ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના દરે આ રસી સરકારને આપવામાં આવશે અને તેના ઉપર ૧૦ રૂપિયા જીએસટી લાગતા એક ડોઝની કિંમત ૨૧૦ રહેશે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પર્ચેઝ ઓર્ડર મોકલી દેવાયો છે અને દેશભરમાં રસીના વિતરણની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. ગુરુવાર સાંજ સુધીમાં તમામ રાજ્યોમાં રસીના ડોઝ પહોંચી જશે. આ દિશામાં જ વડા પ્રધાન મોદી દ્વારા સોમવારે રાજ્યોના સીએમ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા સ્વદેશી માહોલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી રસી વિશ્વમાં સૌથી વ્યાજબી કિંમતે મળનારી રસી છે. રાજ્યોના સીએમ લોકોને અફવાથી સાવધ કરે.

૧૬મીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના અભિયાન પહેલાં સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે ૧૬મીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ તબક્કામાંનાં ૩ કરોડ લોકોને રસી આપવાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવામાં આવશે. કોરોના વોેરિયર્સ જેવા કે, મેડિકલ સ્ટાફ, મેડિકલ સપોર્ટ સ્ટાફ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, સેનિટરી વર્કર્સ, પોલીસ કર્મીઓ અને સુરક્ષા જવાનોને પહેલાં રસી આપવામાં આવશે. ત્યારબાદ બીજા ભાગમાં ૫૦ વર્ષથી ઉપરના અને તેનાથી નાના અથવા કોર્મોિબડિટી ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય નેતાઓ પહેલા તબક્કાના રસીકરણનો ભાગ નથી. તેઓ હાલ રસી ના લે.

આઈએમએ દ્વારા આહ્વાન

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની સાથે જોડાયેલા તમામ સભ્યો સરકારને રસીકરણની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે મદદ કરશે. તે ઉપરાંત તમામ સભ્યો સ્વૈચ્છિક રીતે રસી લઈને લોકોને ઉદાહરણ પૂરું પાડશે.

પંજાબ, છત્તીસગઢનો ઈનકાર

પંજાબ અને છત્તીસગઢ દ્વારા કોવિશિલ્ડ રસી માટે હા પાડવામાં આવી છે પણ કોવેક્સિનના ડોઝ લેવાની મનાઈ કરવામાં આવી છે. બીજી બાજુ, સીરમે જણાવ્યું છે કે, પ્રારંભિક ૬૦ કન્સાઈન્મેન્ટ પોઈન્ટ ઉપર રસી પહોંચાડાશે, ત્યાંથી આગળના સેંટર પર મોકલાશે.

( Source – Sandesh )