ગુજરાત પોલીસમાં 112 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂક કરાશે, આ જિલ્લાની ફોરેન્સિક સાયન્સ લેબમાં અપાશે તાલીમ
રાજ્યના 112 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે તાલીમ આપવાનું ખાસ આયોજન ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભૌતિક પુરાવા, ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ચેઈન ઓફ કસ્ટડીનું મહત્ત્વ, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા-નિર્દેશ, ડિજીટલ પુરાવાઓ સહિતના વિવિધ ક્રાઈમ સીન સંબંધિત વિષયો અંગે તાલીમ આપવામાં આવશે.
ગુજરાતની 112 SDPO/ACP કચેરીમાં 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું કે, 'ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ અને ગુજરાત પોલીસના સુંયક્ત ઉપક્રમે આ મહત્ત્વપૂર્ણ પહેલા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કન્વીક્શન રેટ વધારવાના પગલા લેવામાં આવી રહ્યા છે, જે પ્રોજેક્ટ હાલ અમલમાં છે.' દેશભરમાં ત્રણ નવ કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે, ત્યારે ગંભીર ગુનાની તપાસ પ્રક્રિયામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તેને લઈને જોગવાઈ કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની 112 પેટા વિભાગીય પોલીસ અધિકારી (SDPO)/ મદદનીશ પોલીસ કમિશનર (ACP)ની કચેરી ખાતે 'ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર'ની નિમણૂકને લઈને મહત્ત્વનો નિર્ણય કરાયો છે.
રાજ્યમાં ઘટીત થતા કોઈપણ ગંભીર ગુનાઓની ઊંડાણ પૂર્વક જાણકારી મેળવવા જરૂરી સુપરવિઝન તેમજ ઘટના સ્થળની વીઝિટ પણ કરવામાં આવે છે. જેમાં અમુક કિસ્સામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા અને માર્ગદર્શન આપવું પડતું હોય છે. જેના માટે ક્રાઈમ સીન મેનેજરની નિમણૂકનો નિર્ણય લેવામાં આવ્યો છે.